Mon Oct 05 2026

Logo

રાષ્ટ્રીય કક્ષાએ વાગ્યો કચ્છનો ડંકો! ભુજના યુવાને 'સ્માર્ટ સિટી ડ્રોન-AI ચેલેન્જ'માં મેળવ્યો પ્રથમ ક્રમાંક

2026-10-01 12:26:00
Author: Mumbai Samachar Team
રાષ્ટ્રીય કક્ષાએ વાગ્યો કચ્છનો ડંકો! ભુજના યુવાને 'સ્માર્ટ સિટી ડ્રોન-AI ચેલેન્જ'માં મેળવ્યો પ્રથમ ક્રમાંક

ભુજ: નૈઋત્યના ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી વિસ્તારોમાં માર્ગો પર સર્જાતા ખાડા, જળબંબાકાર અને ડ્રેનેજ ચોકઅપ જેવી ગંભીર સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ અર્થે ભુજના યુવાને વિકસાવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રોન સોલ્યુશને રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત હેકાથોનમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવી કચ્છનું નામ રોશન કર્યું છે.

વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટીમાં બી.ટેક. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભુજના છાત્ર તત્વ શાહ અને તેના સહાધ્યાયી ક્રિશય શાહની ટીમે આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ઇએલસીઆઇએ દ્વારા આઇઆઇટી-બેંગ્લોર અને વીએલએસઆઇ સિસ્ટમ ડિઝાઇનના સહયોગથી આયોજિત રાષ્ટ્રીય સ્તરની ‘સ્માર્ટ સિટી ડ્રોન-એઆઇ ચેલેન્જ 2026’ હેકાથોનમાં તેમણે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સમગ્ર દેશના 18 રાજ્યોની આશરે 100 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી 183 ટીમોએ પોતાના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા, જેમાં આ બંને છાત્રોના પ્રોજેક્ટને સર્વશ્રેષ્ઠ જાહેર કરાયો હતો.

તત્વ અને ક્રિશય દ્વારા તૈયાર કરાયેલો ‘હાઇડ્રો વિઝન થ્રીડી’ પ્રોજેક્ટ ખાસ કરીને ચોમાસામાં નાગરિક સુવિધાઓ અને માર્ગ માળખાની દેખરેખ માટે એઆઇ-સંચાલિત થ્રીડી ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન તરીકે કામ કરે છે. આ સિદ્ધાંત ડ્રોન દ્વારા કેપ્ચર કરાયેલા રીઅલ-ટાઇમ વીડિયો ફૂટેજનું અદ્યતન એઆઈ એલ્ગોરિધમ્સ દ્વારા પૃથક્કરણ કરે છે.

ત્યારબાદ સિસ્ટમ માર્ગો પર પડેલા જોખમી ખાડા, ભરાયેલાં વરસાદી પાણી, ખુલ્લા મેનહોલ, ઊભરાતી ગટર લાઇન અને ક્ષતિગ્રસ્ત ફૂટપાથ જેવી ક્ષતિઓને ચોક્કસ જીપીએસ લોકેશન સાથે ટ્રેસ કરે છે. એટલું જ નહીં, સમસ્યાની ગંભીરતા નક્કી કરીને મહાનગરપાલિકા કે નગરપાલિકા માટે તાકીદે કામ લઈ શકાય તેવી ‘એક્શનેબલ મ્યુનિસિપલ વર્કલિસ્ટ’ તૈયાર કરી આપે છે, જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઝડપી અને અસરકારક મેન્ટેનન્સ હાથ ધરી શકે. યુવા વિદ્યાર્થીઓની આ શોધ શહેરી વ્યવસ્થાપન ક્ષેત્રે મોટો ક્રાંતિકારી બદલાવ લાવી શકે તેમ છે.

(ઉત્સવ વૈદ્ય)