Fri Oct 02 2026

Logo

પાકિસ્તાન ખબરદાર... ભારત ફાઇનલમાં આવી ગયું છે

Nishin   2026-10-01 13:18:00
Author: Ajay Motiwala
પાકિસ્તાન ખબરદાર... ભારત ફાઇનલમાં આવી ગયું છે

કિશનની કરામત અને બોલર્સના તરખાટથી  શ્રીલંકાને 124 રનથી હરાવ્યું


નિશીન: ભારતે શ્રીલંકા સામેની એશિયન ગેમ્સ ટી-20 સેમિ ફાઈનલ 124 રનથી જીતીને પાકિસ્તાન સામેની ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. સદનસીબે, આ મૅચમાં વરસાદનું વિઘ્ન નહોતું આવ્યું.

શ્રીલંકનો ગલી-ક્રિકેટ જેવું ખરાબ રમ્યા

સેમિ ફાઇનલ (Semi final)માં શ્રીલંકા 170 રનના લક્ષ્યાંક સામે 9.5 ઓવરમાં માત્ર 45 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. શ્રીલંકાના બૅટ્સમેનો આંતરરાષ્ટ્રીય મૅચ રમી રહ્યા હોય એવું લાગતું જ નહોતું. તેમણે પહેલી ઓવરના બીજા જ બૉલથી વિકેટો ગુમાવવાની શરૂઆત કરી હતી. તેમની છેલ્લી ત્રણ વિકેટ સતત ત્રણ બૉલમાં પડી હતી. એમાંથી બે વિકેટ અભિષેકે લીધી હતી અને એક બૅટ્સમૅન રનઆઉટ થયો હતો.

પાંચ ખેલાડીના શૂન્ય, કુલ ત્રણ રનઆઉટ

દસમાંથી પાંચ બૅટ્સમેન શૂન્યમાં આઉટ થયા હતા. બુમરાહ, અક્ષર અને અભિષેકે બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ વોશિંગ્ટન સુંદરને મળી હતી, જ્યારે ત્રણ ખેલાડી રનઆઉટ થઈ ગયા હતા.

કિશનના આક્રમક 80 અને વૈભવના 38 રન

એ પહેલાં, ભારતે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 169 રન બનાવ્યા હતા. ઈશાન કિશન (80 અણનમ, 46 બૉલ પાંચ છગ્ગા, ચાર ચોગ્ગા) આ ઇનિંગ્સનો સુપરસ્ટાર હતો. તેણે એક છેડા પરથી ભારતનો ધબડકો અટકાવીને આતશબાજી કરી હતી અને જાપાનના સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોના તેમ જ કરોડો ટીવી દર્શકોના દિલ જીતી લીધા હતા.

વૈભવે 38માંથી 36 રન છગ્ગા-ચોગ્ગાથી બનાવ્યા

એ અગાઉ, જાપાનીઓએ પણ વૈભવ (Vaibhav)ની આતશબાજી માણી હતી. 15 વર્ષીય ટીનેજર સ્ટાર વૈભવે 20 બૉલમાં બે છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. તેના 38માંથી 36 રન સિક્સર અને ફોરથી બન્યા હતા. શ્રીલંકા (Sri Lanka)એ ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું.

શનિવારે સવારે 10 વાગ્યાથી ભારત-પાકિસ્તાન જંગ 

હવે શનિવારે સવારે 10 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. નિશીનમાં ઘણા દિવસોથી લગભગ રોજ વરસાદ પડે છે અને ઘણી મૅચો ખોરવાઈ ગઈ છે. જો શનિવારે ભારત-પાકિસ્તાનની ફાઈનલ વરસાદને કારણે નહીં રમાય તો બંને ટીમે ગોલ્ડ મેડલ શૅર કરી લેવો પડશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના ટી-20 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને ઉપરાઉપરી ત્રણ વખત પછડાટ આપી હતી.