સુરતઃ શહેરમાં એર હોસ્ટેસ 30 લાખના ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી. પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન પોલીસ પકડી ન શકે તે માટે નાના છોકરાઓના ડાયપરમાં ડ્રગ્સ છુપાવીને હેરાફેરી કરવામાં આવતી હતી. આ મોડર ઓપરેન્ડી જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી.
શું છે સમગ્ર મામલો
પલસાણા તાલુકાના એના ગામથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી મોટી માત્રામાં એમ.ડી. ડ્રગ્સ લઈને ટીવી કલાકાર અને મલેશિયન એરલાઈન્સની પૂર્વ એર હોસ્ટેસ કાર લઈને મુંબઈ જવા નીકળી હતી ત્યારે સુરત ડીસીબીની ટીમે સુરત રૂરલ પોલીસની એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખીને એના ગામ ખાતે ટોલ નાકેથી મહિલા અને તેની સાથે એક યુવાનને રોકીને કાર માંથી એક કિલો જેટલું એમ.ડી.ડ્રગ્સ કબજે કર્યું હતું.
મહિલા અગાઉ પણ ઘણી વાર એમ.ડી. ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂકી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને એવી માહિતી મળી હતી કે માનસી નામની એક મહિલા જે અગાઉ ઘણી વાર મોટા પાયે એમ.ડી. ડ્રગ્સની હેરાફેરીમાં પકડાઈ ચુકી છે, તે અમદાવાદથી એક કારમાં મોટી -માત્રામાં એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઇને કારમાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે 6 પરથી પસાર થવાની છે. જેને આધારે ડીસીબી અને સુરત રૂરલની એસ.ઓ.જી.ની ટીમે પલસાણા તાલુકાના એના ગામ ખાતે એક્સપ્રેસ હાઈવે શરુ થાય છે તેના ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. બાતમી વાળી કાર આવતા પોલીસે તેને કોર્ડન કરીને રોકી હતી અને કારની તલાશી લેતા તેમાં નાના છોકરાઓના ડાયપરમાં છૂપાવી રાખવામાં આવેલું એક કિલો જેટલું એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે મહિલા માનસી (ઉ.વ.41) તથા સોહેલ સુલેમાન શેખ (ઉ.વ.20)ની ધરપકડ કરી હતી. પોલીસે એક કિલો એમ.ડી. ડ્રગ્સ કિંમત રૂ.30 લાખ, મોબાઈલ ફોન, કાર,કબજે કર્યા હતા. માનસી અને સોહેલ અમદાવાદથી આ ડ્રગ્સ લઈને મુંબઈ કોને ડિલીવરી કરવા જવાના હતા તેની પોલીસ તપાસ હાથ ધરી હતી.
10 વર્ષથી છે ડ્રગ્સની બંધાણી
માનસી આ ધંધામાં ઘણા સમયથી છે અને ખેપ મારવામાં માહેર છે. પ્રાથમિક પૂછપરછમાં વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો એક મહિલા આપી ગઈ હતી તેવી કબૂલાત કરી હતી. તેમજ માનસી છેલ્લા 10 વર્ષથી એમ.ડી.ની બંધાણી છે. 2021માં ઈન્દોર કાઈમ બ્રાંચે તેને એમ.ડી. ડ્રગ્સ સાથે પકડી હતી અને ચાર વર્ષ જેલમાં રહી હતી. મોટા ભાગે માનસી નાના છોકરાઓના ડાયપુરમાં જ એમ.ડી છુપાવીને લઈ જતી હતી. માનસી હરિયાણા, પંજાબ અને દિલ્હી ખાતે સ્ટેજ શોમાં આર્ટીસ્ટ તરીકે કામ કરતી હતી. તેમજ મલેશિયન એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ નોકરી કરી ચુકી છે.