પ્રજ્ઞા વશી
‘અમારા જમાનામાં અમે આંગળીના વેઢે બધી ગણતરી કરી નાખતાં હતાં. એક એકા, પાયા, દોઢા, અગિયારા બધું જ મોઢે. અડધી રાતે ઉઠાડીને કોઈ કહે ‘ચાલ અગિયારા બોલ’ એટલે અમે ફટાફટ બોલતાં.’
‘તે દાદી, આ આંગળી તો સમજ્યો, પણ આ વેઢા એટલે શું? અને આ અગિયારા એટલે શું?’ પૌત્ર શૌરીનને અગિયારા અને વેઢા સમજાવતાં દાદીને નાકે દમ આવ્યો. આખરે શૌરીન બોલ્યો, ‘દાદી, ડોન્ટ વરી. હું એ AI પાસેથી જાણી લઉં છું’ એમ કહીને રમવા ચાલી ગયો.
બીજે દિવસે સ્કૂલેથી આવીને લેસન કરવા બેઠેલા પૌત્ર પાસે દાદી આવીને બેઠાં. ‘દાદી, વરસાદ ઉપર નિબંધ લખવા આપ્યો છે. ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળમાં પણ લેસન આપ્યું છે.’
‘શૌરીન, વરસાદ ઉપર નિબંધ તો અમે કડકડાટ બોલતાં.’
‘દાદી, એને ગોખણપટ્ટી કહેવાય. તમારો જમાનો ગયો. હવે તો AIનો જમાનો છે. જુઓ, આ મોબાઇલમાં હું AIને કહીશ કે વરસાદ નિબંધની વિગત આપો એટલે નિબંધ હમણાં ટાઇપ થઈને આવી જશે.’
‘રામ... રામ! આ કેવો જમાનો આવી ગયો છે! શૌરીન, એવું ન કરાય. એમાં તારી બુદ્ધિકૌશલ્યનું શું? તારા મગજનો વિકાસ તો મંદ પડી જશે. એનું શું?’
‘દાદી, મારા બધા ફ્રેન્ડ અને ટીચરો પણ નહીં આવડે એટલે એ આ AI) ને જ પૂછી લે છે.’
પછી દાદી મનમાં જ બબડ્યાં. ‘આવું ને આવું ચાલશે તો હવે પછીની પેઢી જાતે શું કરશે? સ્કૂલના માસ્તરો પણ છૂટા થઈ જશે. છોકરાઓ ઘરે બેસીને મોબાઇલ ચાલુ કરીને AI માસ્તર પાસે ભણી લેશે.’
સાંજે જમવાના ટેબલ પર દીકરો વહુ પણ બેઠાં હતાં એટલે દાદીએ ચર્ચા ચાલુ કરી. ‘સમીર બેટા, તું નોકરી કરવામાં શૌરીનના ઉછેરમાં ધ્યાન નથી રાખતો કે શું?’
‘કેમ બા, શું થયું?’
‘ગામથી આવ્યા પછી મેં જોયું કે શૌરીન પોતાનું મગજ બંધ કરીને બેઠો છે. દસ વત્તા દસ પણ કૅલ્ક્યુલેટર પર. વરસાદ એટલે શું એ પણ એ AIને પૂછે છે. સુરતમાં રહે છે છતાં સુરત વિશે એ AIને પૂછે છે. સમીર, આ રીતે તો તારો દીકરો વિચારવાનું, સારું વાંચવાનું, મંથન કરવાનું, ગણતરી કરવાનું અને લખવાનું પણ ભૂલી જશે. કારણ કે કાલે તો એ બોલીને ટાઇપ કરતો હતો. અમારા સમયમાં અમે વગર ટ્યૂશને ને વગર ચોપડીએ બધું સ્મરણમાં રાખતાં.
એકવાર શિક્ષક ભણાવે તે બરાબર યાદ રાખતાં. આંગળીના વેઢે અઘરા દાખલાની ગણતરી કરતાં. લાંબાં લાંબાં આખ્યાન, કાવ્યો, નિબંધો, લેખો, ટૂંકનોંધ, વાર્તા અને કવિતાઓ યાદ રાખતાં. તારો શૌરીન મને પૂછે છે કે દાદી, વસંત એટલે શું? દસમાંથી દસ જાય તો કેટલા રહે? ...તું એક કામ કર. કાલે મને શૌરીનની સ્કૂલમાં લઈ જા.’
સમીર એની બાને કહી ના શક્યો કે એ પણ કૅલ્ક્યુલેટર અને AIને પૂછી પૂછીને સ્ટોરી રાઇટર તેમજ ફાઇનાન્સર બન્યો છે. ગામથી આવેલી બાને શહેરની સ્કૂલ અને ટીચરોને મળવું હતું. સમીરને સ્કૂલમાં જઈને બા કેવા પ્રશ્ર્નો કરશે તે પણ ખબર હતી. બાના એ પ્રશ્ર્નોના જવાબ તો કદાચ AI પણ આપી શકશે નહીં. ફોનથી પરમિશન લીધી હતી એટલે આચાર્યની ઑફિસમાં ગયાં. બાએ તો ‘નમસ્તે’ કરીને સીધા પ્રશ્ર્નો જ શરૂ કર્યા.
‘આપની સ્કૂલ દેખાવમાં સરસ છે. પણ બહેન, શિક્ષણ બાબતે થોડી વાત કરવી છે.’
‘પૂછો, દાદીમા.’
‘બહેન, તમારી સ્કૂલમાં બાળકના મનોવિકાસ માટે કોઈ તજવીજ કરી છે? બુદ્ધિ કૌશલ્ય માટે કોઈ ચોક્કસ પદ્ધતિ અપનાવો છો? કયા કયા કૌશલ્યનો વિકાસ તમે કરો છો અને તે કેવી રીતે?’
આચાર્યા બહેને તરત જ લૅપટૉપ ખોલ્યું અને બોલીને પ્રશ્ર્નો લખ્યા. ‘શાળામાં બૌદ્ધિક વિકાસ માટે શું શું કરી શકાય...’ અને એમાં જે લખાઈને આવ્યું તે તેમણે વાંચ્યું. ‘બાળકની બુદ્ધિ રમતગમત, સુડોકુ જેવી રમત, કૌશલ્યનાં પુસ્તકો, કૌશલ્યલક્ષી એસાઇમેન્ટ... એવી પરીક્ષાઓ કરવી પડે છે.’
‘જોયું દાદીમા? AI જેમ કહે છે તેમ અમે ભણાવીએ અને લેસન પણ આપીએ છીએ.’
‘બરાબર બહેન, વિદ્યાર્થી તો વિદ્યાર્થી અને તમે પણ AIના શરણે આવી ગયાં. તો તો બહેન, પાપડી સાથે ઇયળ પણ બફાઈ જવાની એ વાત નક્કી છે.ન તો તમારું મગજ વિકસવાનું ને નતો બાળકોનું. બહેન, બાળકોને જવાબ શોધવાની ગડમથલ પ્રક્રિયા કે વિચારવાનું કષ્ટ હવે પડશે જ નહીં, તો બૌદ્ધિક કૌશલ્ય ક્યાંથી વિકસવાનું?’
‘દાદીમા, એક મિનિટ. હું એ પણ AIને પેટા પ્રશ્ર્ન પૂછીને તમારા પ્રશ્ર્નોના જવાબ આપું.’
‘સંઘર્ષ નથી તમારે કરવો ને નથી વિદ્યાર્થી પાસે કરાવવો. તો મગજનો વિકાસ નહીં જ થાય. સમજ્યાં?’
‘દાદીમા, એનો જવાબ પણ AI એક મિનિટમાં આપશે. વેઇટ પ્લીઝ...’
‘બહેન, તું પ્રશ્ર્ન પણ સમજતી નથી તો જવાબ ક્યાંથી શોધવાની... બિચારો તારો AI પણ તારા પ્રશ્ર્નો વાંચીને ગાંડો થઈ જશે. અમારા જમાનામાં કેવા કેવા સંતો, શિક્ષકો, ગુરુઓ પાકેલા કે જેઓના માર્ગદર્શન અને શિક્ષણથી અનેક વૈજ્ઞાનિકો, ઇતિહાસકારો, સાહિત્યકારો અને સુમાનવનું ઘડતર થયું હતું, પણ હવે તો ખાટલે જ મોટી ખોડ છે. હવે તો અન્ન તેવા ઓડકાર. ખરુંને બહેન?’
‘ઊભાં રહો દાદી, ‘અન્ન તેવા ઓડકાર’નો અર્થ હું પેલા AIને પૂછી લઉં.’
‘ચાલ સમીર, મને હવે ઘરે પહોંચાડ. હવે મારે જ એ AIને કમાન્ડ આપતા શીખવું પડશે.’