હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? પરંતુ હેડિંગમાં લખાયેલી વાત તમારી સાથે આજે હકીકતમાં બનશે અને એ પણ બરાબર બપોરે 12ના ટકોરે. આજે એટલે કે 15મી મે, 2026 એ રોજ કેટલીક મિનિટો માટે સતત સાથે રહેનારો તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે. આ દુર્લભ ઘટનાને 'ઝીરો શેડો ડે' કહેવામાં આવે છે. વર્ષ 2026માં મે મહિના દરમિયાન મુંબઈ અને અમદાવાદના રહેવાસીઓ આ અદભૂત ઘટનાના સાક્ષી બનશે. ચાલો જોઈએ આખરે શું છે આ પાછળનું કારણ વિસ્તારથી...
મુંબઈ અને અમદાવાદમાં ક્યારે જોવા મળશે?
ખગોળશાસ્ત્રીઓના મતે, સૂર્યના ઉત્તરાયણ ગતિ દરમિયાન આ સ્થિતિ સર્જાય છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આજે એટલે કે 15મી મે, 2026 ના રોજ બપોરે 12:35થી 12:40 વાગ્યાની વચ્ચે આ નઝારો જોવા મળશે. જ્યારે ગુજરાતના અમદાવાદના લોકો 26મી મે, 2026ના રોજ બપોરે 12:38થી 12:42 વાગ્યાની આસપાસ પડછાયો ગાયબ થવાની અલૌકિક ઘટનાના સાક્ષી બની શકશે.
ક્યારે અનુભવાય છે ઝીરો શેડો ડે?
વાત કરીએ કે આખરે કેમ પડછાયો ગાયબ થાય છે એની તો પૃથ્વી પોતાની ધરી પર 23.5° નમેલી છે. સૂર્ય જ્યારે પૃથ્વીના વિષુવવૃત્તથી કર્કવૃત્ત તરફ ગતિ કરે છે (ઉત્તરાયણ), ત્યારે વર્ષમાં બે વાર એવી સ્થિતિ સર્જાય છે જ્યારે સૂર્ય બરાબર ઝેનિથ (Zenith) એટલે કે આકાશના સૌથી ઉંચા બિંદુ પર પહોંચે છે. જ્યારે સૂર્ય બરાબર 90°ના ખૂણે માથા પર હોય, ત્યારે કિરણો સીધા જ પડે છે, જેને કારણે પડછાયો પગની બરાબર નીચે આવી જાય છે અને આપણને દેખાતો બંધ થઈ જાય છે.
ઝીરો શેડો ડે વિશેના ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ
ચોક્કસ ભૌગોલિક મર્યાદા:
આ ઘટના માત્ર કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આવેલા વિસ્તારોમાં જ જોવા મળે છે. એટલે કે દિલ્હી જેવા શહેરોમાં સૂર્ય ક્યારેય બરાબર 90° એ માથા પર આવતો નથી, ત્યાં ઝીરો શેડો ડે નથી આવતો.
વર્ષમાં બે વાર તક:
દક્ષિણ અને મધ્ય ભારતના શહેરોમાં વર્ષમાં બે વાર આ ઘટના બને છે—એકવાર સૂર્ય ઉત્તર તરફ જાય ત્યારે (ઉત્તરાયણ) અને બીજી વાર જ્યારે દક્ષિણ તરફ પાછો ફરે ત્યારે (દક્ષિણાયન).
સેકન્ડોનો ખેલ:
પડછાયો ગાયબ થવાની આ પ્રક્રિયા માત્ર દોઢથી બે મિનિટ સુધી જ રહે છે, જે તેને અત્યંત રોમાંચક બનાવે છે.
તમે ઘરે કેવી રીતે કરી શકો પ્રયોગ?
ઝીરો શેડો ડેના દિવસે બપોરે નક્કી કરેલા સમયે એક નળાકાર પાઇપ અથવા પાણીની ખાલી બોટલને સપાટ જમીન પર સીધી ઉભી રાખો. તમે જોશો કે ધીમે-ધીમે તેનો પડછાયો ટૂંકો થતો જશે અને બરાબર નિર્ધારિત સમયે તેનો પડછાયો સંપૂર્ણપણે ગાયબ થઈ જશે!
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો. મુંબઈ સમાચારની યુટ્યુબ ચેનલ પર તમે આ વિશેનો જિગર પંડ્યાનો ખાસ ટોક શો પણ માણી શકો છો. આવી જ બીજી કામની અને અનોખી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો...