જો તમે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ કરો છો તો તમારે અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. આજકાલ સાયબર ક્રિમિનલ્સ યુઝર્સને નિશાન બનાવવા માટે એક નવી અને ખતરનાક પદ્ધતિ અપનાવી રહ્યા છે. લોકોને એવા ફિશિંગ ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવે છે કે તમારું એક્સ અકાઉન્ટ કોઈ અન્ય વ્યક્તિએ લોગ-ઈન કરી લીધું છે. ગભરાઈને જ્યારે યુઝર્સ ઈમેલમાં આપેલી લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેઓ ફ્રોડનો શિકાર બની જાય છે. ચાલો જોઈએ શું છે આ આખો સ્કેમ...
એકદમ અસલી જેવા દેખાય છે આ ફેક ઈમેલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્કેમર્સ એક્સના અસલી નોટિફિકેશન ઈમેલ ફોર્મેટની આબેહૂબ નકલ કરી રહ્યા છે. આ ઈમેલ્સમાં એક્સનું બ્રાન્ડિંગ, લોગો, કલર અને ફોર્મેટિંગ એવી રીતે કોપી કરવામાં આવે છે કે સામાન્ય યુઝર માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત ઓળખવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
જેવા યુઝર્સ લિંક પર ક્લિક કરે છે, તેમને એક્સ જેવી જ દેખાતી ફેક વેબસાઈટ પર રિડાયરેક્ટ કરવામાં આવે છે. ત્યાં લોગ-ઈન કરતા જ યુઝરનો પાસવર્ડ અને અન્ય સેન્સિટિવ માહિતી સાયબર ક્રિમિનલ્સ પાસે પહોંચી જાય છે.
અસલી અને ફેક ઈમેલ કેવી રીતે ઓળખશો?
સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, આવા સ્કેમથી બચવા માટે ઈમેલ મોકલનારનું એડ્રેસ (Sender Address) તપાસવું સૌથી મહત્વપૂર્ણ છે. એક્સ તરફથી આવતા સુરક્ષા સંબંધિત અસલી ઈમેલ હંમેશા @X.com અથવા @e.X.com એડ્રેસ પરથી જ આવે છે. આ ઉપરાંત એક્સ કંપની ક્યારેય ઈમેલના રિપ્લાયમાં અથવા કોઈ અજાણી લિંક દ્વારા તમારો પાસવર્ડ માંગતી નથી.
શંકાસ્પદ ઈમેલ આવે તો શું કરવું?
ઈમેલમાં આપેલી કોઈપણ લિંક પર ભૂલથી પણ ક્લિક કરશો નહીં. ઈમેલનું સેન્ડર એડ્રેસ જો @X.com ન હોય તો તેને તરત જ 'Spam' અથવા 'Report Phishing' કરી ડિલીટ કરી દો. જો ખરેખર અકાઉન્ટમાં કોઈ અનઓથોરાઈઝ્ડ લોગ-ઈન થયું હશે, તો તેની સાચી માહિતી તમને એક્સ ની અધિકૃત એપ (App)ના 'Security & Notifications' સેક્શનમાં જોવા મળી જશે.
જો ભૂલથી લિંક પર ક્લિક થઈ ગયું હોય તો તરત કરો આ કામ:
જો તમે અજાણતા લિંક પર ક્લિક કરી દીધું છે અને ફેક પેજ પર તમારો પાસવર્ડ પણ એન્ટર કરી દીધો છે, તો ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ એક્સની અસલી એપ અથવા વેબસાઈટ પર જઈને તમારો પાસવર્ડ બદલી નાખો. આ ઉપરાંત એકાઉન્ટ સિક્યુરિટીમાં જઈને 2FA એક્ટિવેટ કરી દો, જેથી પાસવર્ડ લીક થયો હોય તો પણ કોઈ તમારું અકાઉન્ટ લોગ-ઈન ન કરી શકે.