Mon Jul 06 2026

Logo

સ્ટોરી કવરઃ હાય રામ, કુડિયોં કા હૈ ઝમાના...

2026-06-26 08:12:00
Author: Hema Shastri
Article Image

 

હેમા શાસ્ત્રી


વીસમી સદીના અંતિમ દાયકામાં સૂરજ બડજાત્યાની `હમ આપકે હૈં કૌન' ફિલ્મના એક ખૂબ જ મશહૂર થયેલા ગીત `દીદી તેરા દેવર દીવાના'ની પંક્તિ હતી `હાય રામ, કુડિયોં કા હૈ ઝમાના'. આ લાઈન એકવીસમી સદીના પ્રારંભથી જ અને ખાસ તો 2026માં હિન્દી ફિલ્મોની જાણે કે સૂચક બની ગઈ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.     

છઠ્ઠી ફેબ્રુઆરી, 2000ના દિવસે રિલીઝ થયેલી મહેશ માંજરેકર દિગ્દર્શિત `અસ્તિત્વ' (તબુ)થી શરૂ કરી ગયા અઠવાડિયે રિલીઝ થયેલી `કોકટેલ 2' (ક્રીતિ સેનન, રશ્મિકા મંદાના), આવતા અઠવાડિયે આલિયા ભટ્ટની `આલ્ફા', ત્યારબાદ ઓગસ્ટમાં કિયારા અડવાણી, શ્રદ્ધા કપૂર, તમન્ના ભાટિયાની ફિલ્મો અને દીપિકા પાદુકોણ અને મૃણાલ ઠાકુર પણ લાઈનમાં ઊભાં છે. એકવીસમી સદીના અઢી દાયકા પછીના વર્ષમાં નારી પ્રભુત્વ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પ્રભાવીપણે નજરે પડી રહ્યું છે.

આ વર્ષે મહિલા ફોજની સફળ શરૂઆત રાની મુખજીર્ની `મર્દાની 3'થી શરૂ થઈ. અલબત્ત, `ધુરંધર'ના આંખો આંજી દેનારા બોક્સ ઓફિસ કલેક્શન સામે અન્ય ફિલ્મોનો વકરો સામાન્ય લાગે એવી હાલત છે, પણ રાનીની ફિલ્મ રોકાણના હિસાબે વળતરની ગણતરીમાં સારો દેખાવ કરવામાં સફળ રહી હતી. ત્યારબાદ અનુભવ સિંહાની `અસ્સી'માં ક્રિમિનલ લોયરના રોલમાં તાપસી પન્નુના પરફોર્મન્સને બિરદાવવામાં આવ્યું. કમનસીબે ફિલ્મ ફ્લોપ થઈ. ત્યારબાદ `ધ કેરળ સ્ટોરી 2' અને `એક્યુઝડ' આવી, જેના વિષયમાં મહિલાને પ્રાધાન્ય હતું. 

એકતા કપૂરની સૌથી સફળ ફિલ્મ `ભૂત બંગલા'માં તબુ એક મહત્ત્વના રોલમાં હતી. `પતિ પત્ની ઔર વો દો'માં આયુષ્માન ખુરાના સાથે ત્રણ ત્રણ નાયિકા હતી: સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહ. સોનાક્ષી સિંહાની `સિસ્ટમ'માં તો હીરોની હાજરી જ નહોતી. આ મહિને રિલીઝ થયેલી `ભારત ભાગ્ય વિધાતા'ની કથાના હાર્દમાં 2008માં મુંબઈમાં થયેલો આતંકવાદી હુમલો હતો, પણ ફિલ્મએ નર્સ સહિતના આરોગ્ય સેવકોની આસપાસ આકાર લીધો હતો. ક્રીતિ સેનન અને રશ્મિકા મંદાનાની `કોકટેલ 2'ની ધમાકેદાર શરૂઆત થઇ છે. `તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા', `ક્રૂ' અને `તેરે ઈશ્ક' પછી લાગલગાટ ચોથી ફિલ્મમાં ક્રિતીએ સામર્થ્ય દેખાડ્યું છે. સાથે રશ્મિકા પણ હિન્દીમાં પગ જમાવી રહી છે.

આમ સન્નારીઓ 2026 પર પ્રભુત્વ સાબિત કરવા અને દર્શકો પર છવાઈ જવા થનગની રહી છે. આ અભિનેત્રીઓનું કૌશલ અને લોકપ્રિયતા હિન્દી ફિલ્મો પ્રત્યે સીમિત ન રહેતા `પેન ઈન્ડિયા અપીલ' ધરાવે છે મતલબ કે ભારતભરમાં આવકાર મેળવી રહ્યા છે. મજબૂત કથાવસ્તુ, મહત્ત્વ ધરાવતી ભૂમિકા અને બિગ બજેટની ફિલ્મને પગલે નવું સ્ટારડમ મેળવી રહી છે. આ વર્તમાન ભારતીય ચલચિત્ર જગતને નવો આકાર આપશે એવી ગણતરી મુકાઈ રહી છે. એક નજર નારી પ્રધાન ફિલ્મોની નાનકડી ફોજ પર.

આલિયા ભટ્ટ: `સ્ટુડન્ટ ઓફ ધ યર' (2012)થી શરૂઆત કરનારી અભિનેત્રીએ `રાઝી', `ગંગુબાઈ કાઠિયાવાડી', `જિગરા' જેવી નારીલક્ષી ફિલ્મોમાં દમદાર પરફોર્મન્સ આપી વિવેચકો અને દર્શકો એમ બંને પક્ષ તરફથી વાહ વાહ મેળવી છે. હિન્દી ફિલ્મના દર્શકો ઉપરાંત દેશમાં અન્યત્ર અને દેશાવરમાં પણ આલિયાની લોકપ્રિયતા છે. આવતા અઠવાડિયે રિલીઝ થનારી યશરાજની `આલ્ફા' મહિલાને કેન્દ્રમાં રાખી તૈયાર થયેલી સ્પાય થ્રિલર છે. આ સિવાય સુપર નેચરલ હોરર કોમેડીમાં હથોટી ધરાવતા અમર કૌશિકની `ચામુંડા', `બ્રહ્માસ્ત્ર: પાર્ટ 2' તેમજ `લવ એન્ડ વોર'માં આલિયા ચમકવા તૈયાર છે.

દીપિકા પાદુકોણ: માતૃત્વ ધારણ કર્યા પછી દીપિકા ફિલ્મોમાં ફરી છવાઈ જવા ઉત્સુક છે. દર્શકો પણ એને જોવા આતુર હશે જ. શાહરુખની અતિ ઉત્સુકતા ધરાવતી `કિગ', એટલી દિગ્દર્શિત અલુ અર્જુન સાથેની `રાકા' (જેમાં રશ્મિકા મંદાના, મૃણાલ ઠાકુર અને જ્હાન્વી કપૂર પણ છે), સંજય લીલા ભણસાલીની `લવ એન્ડ વોર', બે ફિલ્મ પ્રિ પ્રોડક્શનમાં છે અને અન્ય ફિલ્મમેકર સાથે વાતચીત ચાલી રહી છે.

રશ્મિકા મંદાના: અલુ અર્જુનની `પુષ્પા: ધ રાઈઝ'ના શ્રીવલ્લીના મોહક નૃત્યથી દેશભરમાં ગાજેલી રશ્મિકા મંદાનાની હિન્દી ફિલ્મ ઈનિંગ્સનો પ્રારંભ (વિકાસ બહલની `ગુડબાય') કંગાળ ફિલ્મથી થયો પણ ત્યારબાદ `મિશન મજનુ' અને વિશેષ તો રણબીર કપૂર સાથેની ભવ્ય સફળતાને વરેલી `એનિમલ' ફિલ્મથી રશ્મિકાના પગ હિન્દી ચિત્રપટ સૃષ્ટિમાં જામી ગયા. `એનિમલ પાર્ક' અને `પુષ્પા 3' તેમ જ સાઉથની હિન્દીમાં ડબ થનારી અન્ય ફિલ્મોમાં એ દર્શકો સમક્ષ રજૂ થશે. આગામી ચિત્રપટોમાં એ વૈવિધ્યપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે જેમાં રોમેન્સ, એક્શન અને ઐતિહાસિક પાર્શ્વભૂમિ ધરાવતી ફિલ્મોનો સમાવેશ થાય છે.

સાઈ પલ્લવી: ગયા મહિને રિલીઝ થયેલી આમિર પુત્ર જુનૈદ ખાન સાથેની `એક દિન' સુપરફ્લોપ સાબિત થઇ પણ સાઈ પલ્લવી મોટા બેનરની મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાં જોવા મળવાની છે. અત્યંત પ્રતિભાશાળી ગણાતી અભિનેત્રી નિતેશ તિવારીના ભવ્યાતીત ભવ્ય પ્રોજેક્ટ `રામાયણ: પાર્ટ વન'માં સીતા મૈયાના રોલમાં જોવા મળશે. આ સિવાય મણિ રત્નમની આગામી ફિલ્મમાં પણ કામ કરવાની છે. તમિલ, તેલુગુ અને હિન્દીમાં બની રહેલી `ઓમ: ચેપ્ટર 1'માં પણ એની હાજરી છે.

ઉપરાંત શ્રદ્ધા કપૂર, કિયારા અડવાણી અને વિદ્યા બાલનની અને `સૈયારા'થી ફેમસ થયેલી અનીત પડ્ડાની ફિલ્મો પણ દર્શકોના દિલ પર સવાર થવા આવી રહી છે.   

આ માહોલમાં હિન્દી ફિલ્મના હીરો લોકોની માનસિકતા શું હશે?  `હમ આપકે હૈં કૌન'ના પેલા ગીતની આગળની પંક્તિ જેવા - `રબ્બા મેરે મુઝકો બચાના'.... રાઈટ?!