દિવ્યકાંત પંડ્યા
એક સમય હતો જ્યારે ફિલ્મ થિયેટરમાંથી ઊતરી જતી, પરંતુ તેના ડાયલૉગ્સ વર્ષો સુધી જીવતા રહેતા. લોકો ફિલ્મની વાર્તા ભૂલી જતા, પણ ડાયલૉગ્સ યાદ રાખતા. ચાની કીટલીથી લઈને કૉલેજ કૅન્ટીન સુધી, ઑફિસથી લઈને લગ્નપ્રસંગો સુધી અને મિત્રો વચ્ચેની મજાકથી લઈને ઘરના ઝઘડા સુધી ફિલ્મ્સના ડાયલૉગ્સ રોજિંદી ભાષાનો ભાગ બની જતા.
‘શોલે’ ન જોઈ હોય એવા લોકોને પણ ‘કિતને આદમી થે?’ ખબર છે. ‘મિસ્ટર ઇન્ડિયા’ ક્યારેય ન જોઈ હોય એવા લોકો પણ ‘મોગેમ્બો ખુશ હુઆ’ વિશે જાણે છે. ‘શહેનશાહ’નો ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં’ અને ‘મેરે પાસ માં હૈ’ જેવા સંવાદ આજે પણ અમિતાભ- શશી ક્પૂરની યાદ અપાવી દે છે. સવાલ એ છે કે છેલ્લે કયો એવો ડાયલૉગ આવ્યો હતો જે ખરેખર લોકોની ભાષાનો ભાગ બની ગયો હોય?
પહેલી નજરે એવું લાગી શકે કે આજે પણ યાદ રહી જાય એવા ડાયલૉગ્સ આવે છે. દર વર્ષે સોશ્યલ મીડિયા પર અમુક ડાયલૉગ્સ વાઇરલ થાય જ છે. ‘પુષ્પા’નું ‘મૈં ઝુકેગા નહીં સાલા’, ‘કેજીએફ’ની અનેક પંચલાઇન્સ, ‘એનિમલ’ના ડાયલૉગ્સ કે પછી વેબ સિરીઝના કેટલાક સંવાદો ભારે ચર્ચામાં રહે છે. પરંતુ વાઇરલ ડાયલૉગ અને અમર ડાયલૉગ વચ્ચે મોટો ફરક છે. વાઇરલ ડાયલૉગ થોડા મહિનાઓ સુધી રીલ્સમાં ફરે છે. અમર ડાયલૉગ દાયકાઓ સુધી લોકોની યાદમાં રહે છે.
હિન્દી સિનેમાના સુવર્ણ યુગમાં એવા લેખકો હતા જેમને ભાષાની તાકાત સમજાતી હતી. સલીમ-જાવેદે તો ડાયલૉગ રાઇટિંગને સ્ટારડમ અપાવી દીધું. ‘શોલે’, ‘દીવાર’, ‘ડોન’, ‘ત્રિશૂલ’ જેવી ફિલ્મ્સના સંવાદો ફિલ્મ્સથી પણ મોટા બની ગયા. ‘આજ મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, દૌલત હૈ...’ અથવા ‘મેરે પાસ મા હૈ’ જેવા ડાયલૉગ્સ આજે પણ લોકો બોલે છે. આ ડાયલૉગ્સ માત્ર પંચલાઇન ન હોતા. તેઓ પાત્રોની લાગણી, સંઘર્ષ અને પરિસ્થિતિને એવી રીતે વ્યક્ત કરતા કે દરેક પેઢી તેને સમજી શકે.
આ જ વાત કાદર ખાન, રાહી માસૂમ રઝા, ગુલઝાર અને બીજા ઘણા લેખકો માટે પણ સાચી હતી. ‘આનંદ’ના ફિલોસોફિકલ ડાયલૉગ્સ હોય, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની રોમેન્ટિક લાઇન્સ હોય, ‘બોર્ડર’ના દેશભક્તિભર્યા સંવાદો હોય કે ‘અંદાઝ અપના અપના’ના કૉમેડી ડાયલૉગ્સ આજે પણ સૌને યાદ છે.
જોકે આ બધામાં ધીમે ધીમે બદલાવ આવ્યો. એક કારણ તો એ છે કે સિનેમા પોતે બદલાઈ ગયું. પહેલાંની ઘણી ફિલ્મ્સ ડાયલૉગ્સ પર ચાલતી હતી, કારણ કે તેમની અંદર સંબંધો, લાગણીઓ અને પાત્રો વચ્ચેના સંઘર્ષનું મહત્ત્વ હતું. આજે ઘણી ફિલ્મ્સ વિઝ્યુઅલ્સ, બૅકગ્રાઉન્ડ સ્કોર, ઍક્શન અને સ્કેલ પર વધારે આધાર રાખે છે.
બીજું મોટું કારણ રિયલિઝમ છે. પહેલાં બોલિવૂડના ડાયલૉગ્સ જાણીજોઈને નાટકીય લખાતા. ‘દીવાર’નો વિજય કે ‘શોલે’નો ગબ્બર વાસ્તવિક જીવનમાં કોઈ વાત કરતું હોય એમ લાગતું નહોતું. છતાં લોકો તેને સ્વીકારતા, કારણ કે આખું સિનેમા જ સ્ટાઇલાઇઝ્ડ હતું. છેલ્લાં દસ-પંદર વર્ષમાં ફિલ્મમેકર્સે વધુ કુદરતી વાતચીત તરફ વળવાનું શરૂ કર્યું. લોકો જેમ વાત કરે છે, પાત્રો પણ એમ જ બોલે છે. આ બદલાવથી ફિલ્મ્સ વધુ વાસ્તવિક બની, પરંતુ સાથે સાથે યાદ રહી જાય એવા ડાયલૉગ્સની સંખ્યા ઘટી ગઈ.
ઓટીટી પ્લૅટફૉર્મ્સે પણ આ ટ્રેન્ડને વધુ મજબૂત બનાવ્યો. આજે ઘણી વખાણાયેલી વેબ સિરીઝ અને ફિલ્મ્સ પંચલાઇન કરતાં સૂક્ષ્મતાને વધારે મહત્ત્વ આપે છે. લખાણ ઉત્તમ હોય છે, પરંતુ તેનો હેતુ યાદ રહી જવું નહીં, વાસ્તવિક લાગવું હોય છે. ‘પંચાયત’ની વાતચીત અને ‘દીવાર’ના ટકરાવની સરખામણી કરો. એક વાસ્તવિક લાગે છે, બીજું દંતકથા જેવું લાગે છે. બંનેની પોતાની કિંમત છે, પરંતુ બંનેનો પ્રભાવ અલગ છે.
દર્શકોની આદતો પણ બદલાઈ ગઈ છે. પહેલાં લોકો એક જ ફિલ્મ વારંવાર જોતા. થિયેટરમાં ફરી જોતા, પછી ટીવી પર અનેક વખત જોતા. ડાયલૉગ્સ મનમાં બેસી જતા. આજે દર અઠવાડિયે નવું ક્ધટેન્ટ આવે છે. એક ફિલ્મ આ અઠવાડિયે ટ્રેન્ડિંગ હોય છે અને બીજા અઠવાડિયે કોઈ નવી વેબ સિરીઝ તેની જગ્યા લઈ લે છે. કલ્ચરલ મેમરી પહેલાં કરતાં ઘણી ટૂંકી થઈ ગઈ છે.
જૂના અને નવા ડાયલૉગ્સ વચ્ચેનો એક રસપ્રદ તફાવત પણ છે. પહેલાંના મોટા ભાગના યાદગાર સંવાદો લાગણીમાંથી જન્મતા હતા. ‘બાબુમોશાય, જિંદગી બડી હોની ચાહિયે, લંબી નહીં’ આજે પણ જીવંત છે, કારણ કે તે એક સર્વમાન્ય સત્ય કહે છે. બીજી તરફ, ઘણા આધુનિક ડાયલૉગ્સ મુખ્યત્વે થિયેટરમાં સીટીઓ પડાવવા માટે લખાય છે. તે બધા તાત્કાલિક જોશ આપે છે, પરંતુ લાંબા સમય સુધી મનમાં રહેતા નથી. કૉમેડીમાં આ વાત સૌથી સ્પષ્ટ રીતે દેખાય છે.‘અંદાઝ અપના અપના’ના કેટલાય ડાયલૉગ્સ આજે પણ લોકો બોલે છે. ‘તેજા મૈં હૂં, માર્ક ઇધર હૈ’ અથવા ‘ક્રાઇમ માસ્ટર ગોગો નામ હૈ મેરા’ જેવી લાઇન્સ દાયકાઓ પછી પણ જીવંત છે.
ભાષા પણ એક મહત્ત્વનું કારણ છે. પહેલાંની હિન્દી ફિલ્મ્સમાં હિન્દી, ઉર્દૂ અને પ્રાદેશિક ભાષાઓની મીઠાશ હતી. લેખકો શબ્દો સાથે રમતા. ડાયલૉગ્સમાં લય હતી. આજે ફિલ્મ્સની ભાષા વધુ સીધી, કાર્યકારી અને સોશ્યલ મીડિયા પ્રભાવિત બની ગઈ છે.
યાદ રહી જાય એવા ડાયલૉગ્સ સંપૂર્ણપણે ગાયબ થયા નથી. તે આજે પણ ક્યારેક જન્મે છે, પરંતુ તે બધા હવે સિનેમાના કેન્દ્રમાં નથી રહ્યા. કદાચ એ વાસ્તવિકતાની કિંમત છે. કદાચ ઓટીટી સંસ્કૃતિની અને કદાચ બદલાતી ભાષાની. અથવા કદાચ ઘટતા ધ્યાનકાળની!
લાસ્ટ શોટ
‘કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ’ - સેક્રિડ ગેમ્સ