Tue Sep 08 2026

Logo

મુંબઈનું મહાલક્ષ્મી મંદિર જ્યાં વિરાજમાન છે ત્રણ દેવી...

2026-09-07 09:51:00
Author: Umesh Trivedi
મુંબઈનું મહાલક્ષ્મી મંદિર જ્યાં વિરાજમાન છે ત્રણ દેવી...

ઉમેશ ત્રિવેદી

મુંબઈનું મહાલક્ષ્મી મંદિર એ મુંબઈના સૌથી ફેમસ મંદિરોમાંનું એક મંદિર છે. મુંબઈના ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલું આ મંદિર લાખોની આસ્થાનું પ્રતીક છે અને અહીં ત્રિદેવી અર્થાત્ ત્રણ દેવીઓ વિરાજમાન છે. તેમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનો સમાવેશ થાય છે. આ ત્રણેય મૂર્તિઓનો શણગાર એક સરખો જ છે. નાકમાં નથ, હાથમાં સોનાની બંગડી અને ગળામાં હીરાનો હાર. મહાલક્ષ્મીની મૂર્તિ એકદમ વચ્ચોવચ્ચ છે, એક બાજુ મહાકાળી અને બીજી બાજુ મહાસરસ્વતી એ રીતે મૂર્તિઓ ગોઠવાયેલી છે. મહાલક્ષ્મીના હાથમાં કમળ છે.

અહીં નવરાત્રિમાં ખૂબ જ ધામધૂમ હોય છે. આ મંદિર પેડર રોડ, બ્રિચકેન્ડી, કારમાઈકલ રોડ અને ભુલાભાઈ દેસાઈ રોડને અડીને આવેલું છે. અત્યારનું જે મંદિર છે એ સન 1831 ધાકજી દાદાજી નામના હિન્દુ વેપારીએ બનાવેલું છે. અહીંની લોકવાયકા મુજબ 1784-85ના અહીં આ ત્રિદેવીની સ્થાપના કરવામાં આવી હતી.

અહીં વરલીનો દરિયો ઘૂઘવતો હતો અને આ દરિયાકિનારાના રક્ષણ માટે બ્રિટિશ ગવર્નર જહોન હોર્નબીએ અહીં દીવાલ બનાવવાનો વિચાર અમલમાં મૂક્યો હતો. તે સમયે મુંબઈના ટાપુઓ અને વરલીના ગામ વચ્ચે દરિયાનું પાણી આસાનીથી વહેતું હતું અને અવરજવર માટે હોડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. હોર્નબી અહીં વરલીમાં પાળ બાંધીને પાણીને અટકાવવા માગતો હતો. પણ તે અહીં બાંધકામ કરી જ શકતો નહોતો. તેનાં કારણે બાંધકામના ખર્ચમાં વધારો થયા કરતો હતો.

હોર્નબીએ અહીં પાળ બાંધવાનું કાર્ય તે સમયના યુવા એન્જિનિયર રામજી શિવાજી પ્રભુને સોંપ્યું હતું એક દિવસ રાતના સમયે રામજીના સ્વપ્નમાં મહાલક્ષ્મી આવ્યા અને તેમણે કહ્યું કે, ‘મારી બહેનો સાથે હું અહીં દરિયાના પેટાળમાં છું, અમને અહીંથી બહાર કાઢ તો જ તારું બાંધકામનું કાર્ય પૂર્ણ થશે.’

રામજીએ પોતાના સ્વપ્નની વાત હોર્નબીને જણાવી પણ તે આવી વાત માનવા તૈયાર જ નહોતો. પણ એક તરફ બાંધકામ થતું નહોતું અને ખર્ચમાં વધારો થયા કરતો હતો એટલે તેણે રામજીને છૂટ આપી કે તે દરિયાના પેટાળમાંથી મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીને બહાર કાઢે. રામજીએ સ્થાનિક માછીમારોની મદદ લઈને તેનાં સ્વપ્નમાં મહાલક્ષ્મીએ જે સ્થળ જણાવ્યું હતું, ત્યાં શોધખોળ શરૂ કરી. થોડી જ વારમાં ત્યાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી.

ત્યાર પછી આ ત્રણેય મૂર્તિઓની સ્થાપના અત્યારે જ્યાં મહાલક્ષ્મીનું મંદિર છે તે સ્થાને કરવામાં આવી. આ મૂર્તિઓની સ્થાપના થયાં પછી તરત જ વરલી ખાતે દીવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ થયું. ત્યાર પછી રામજી અને ધાકજી દાદાજીએ મળીને અહીં મંદિર ઊભું કર્યું. આમ આ મંદિર લગભગ 200 વર્ષથી અહીં અડીખમ ઊભું છે આ મૂર્તિઓ દરિયાના પેટાળમાંથી કાઢવામાં આવી હતી એ જ છે.

આખા ભારતમાં બહુ ઓછાં મંદિર છે, સાવ નગણ્ય જેવાં જ, જ્યાં ત્રણ દેવીઓની એક સાથે સ્થાપના કરવામાં આવી હોય. આ મંદિરની સ્થાપના થઈ ત્યારે દર્શન માટે આવનારા ભક્તોની સંખ્યા ખૂબ ઓછી હતી, પણ ધીરે-ધીરે ભક્તોની સંખ્યા વધતા 1880ના દાયકામાં આ મંદિરનો ર્જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આજે આ મહાલક્ષ્મી મંદિર એ સૌથી વધારે ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને નવરાત્રિ -દિવાળીમાં આ સંખ્યા લાખોને પાર થઈ જાય છે.

હિન્દુધર્મમાં ત્રિદેવ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ (શંકર) ગણાય છે. દેવી મહાલક્ષ્મી એ વિષ્ણુની પત્ની છે. મહાલક્ષ્મીએ ધન અને વ્યવસ્થા દ્વારા બ્રહ્માંડનું પોષણ કરે છે. મહાકાળી એ શિવ (શંકર)ની શક્તિ-પત્ની છે જે  અધર્મનો નાશ કરે છે અને મહાસરસ્વતી એ બ્રહ્માના પત્ની છે જે કળાના માધ્યમથી સૃષ્ટિનું સર્જન કરે છે.

મહાલક્ષ્મી મંદિરમાંની મૂર્તિ અને મંદિરમાંનું સ્થાપત્ય એ પારંપારિક હિન્દુધર્મના મંદિરની અનુરૂપ છે. આ મંદિરની એક ખાસિયત એ પણ છે કે અહીં પ્રદક્ષિણ દરમિયાન મૂર્તિની પાછળના ભાગની દીવાલ પર સિક્કા ચોંટાડવામાં આવે છે અને માનતા માનવામાં આવે છે. એવું મનાય છે કે જે ભક્તનો સિક્કો અહીં ચોંટી જાય એની માનતા જરૂર પૂરી થાય છે.

ધનતેરસના દિવસે મહાલક્ષ્મીમાં ખાસ પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે દિવસે મહાલક્ષ્મીના દર્શન કરવાથી તેમના આશીર્વાદથી ઘરની સુખ સમદ્ધિ આવે છે અને ધનની વર્ષા થાય છે આ દિવસે મંદિરને ખાસ સજાવવામાં આવે છે. 
અહીં દીપમાળા પ્રગટાવવામાં આવે છે અને ચારે તરફ દીવાઓ મૂકી રોશની કરવામાં આવે છે.

મહાલક્ષ્મીનાં અનેક મંદિરો આવેલાં પણ મુંબઈનું મંદિર બધા કરતાં અલગ જ છે અને એ જ તેની વિશેષતા છે તેનાં કારણે જ ભક્તજનો અહીં આવવા માટે આકર્ષાય છે.