Tue Oct 06 2026

Logo

આતમના અજવાળેઃ શબ્દોના સોદાગરથી આત્માના આશિક સુધી: હકીમ સનાઈની પરિવર્તન કથા

2026-09-07 09:40:00
Author: Bhargav Thakar
આતમના અજવાળેઃ શબ્દોના સોદાગરથી આત્માના આશિક સુધી: હકીમ સનાઈની પરિવર્તન કથા

ભાર્ગવ ઠાકર 

બારમી સદીના પ્રારંભની વાત છે. અફઘાનિસ્તાનના ગઝની નગરના ધૂળિયા રસ્તાઓને સૂર્યના તેજ કિરણો સોનેરી બનાવી રહ્યા હતા. તે સમયે ગઝનીના રાજ દરબારમાં સોનાના સિક્કાઓની છોળો ઊડતી હતી, કારણ કે સુલતાન બહરામ શાહના દરબારમાં એક એવો તેજસ્વી યુવા કવિ હતો, જેની કલમની તાકાતથી રાજા-મહારાજાઓ અતિ પ્રભાવિત હતા.આ કવિ એટલે ઈ.સ. 1080ની આસપાસ જન્મેલા અબુલ મજ્જદ મજદુદ સનાઈ જેમને આપણે ઇતિહાસમાં ‘હકીમ સનાઈ’ તરીકે ઓળખીએ છીએ.

એક દિવસ કોઈ મહેફિલ પછી સનાઈ પોતાની કળા દ્વારા મેળવેલી કીર્તિ અને અહંકારના નશામાં રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. અચાનક, નગરમાં ‘લાઈક’ નામના એક મસ્ત મૌલા સૂફી ફકીરની ઝૂંપડી પાસેથી તેમનો ઘોડો પસાર થયો. તે ફકીરે નશાની હાલતમાં ત્રાડ પાડીને પોતાના સેવકને કહ્યું, ‘લાવ, એક પ્યાલો શરાબ આપ, જેથી હું આંધળા બહરામ શાહની મૂર્ખાઈ પર હસી શકું! અને બીજો પ્યાલો આ અંધા કવિ સનાઈના નામનો લાવ! જે ઈશ્વરે આપેલી શ્રેષ્ઠ બુદ્ધિ અને કળાને એક તુચ્છ રાજાની ખુશામતમાં વેડફી રહ્યો છે. જ્યારે મોત આવશે, ત્યારે આ કવિ પોતાના સર્જનહારને શું મોઢું બતાવશે? પોતાની મોતની તૈયારી ક્યારે કરશે મૂર્ખ?’

આ શબ્દો તીરની જેમ સનાઈના હૃદયની આર-પાર નીકળી ગયા. એ જ ક્ષણે સનાઈના અહંકારનો મહેલ ભાંગી પડ્યો. ક્યાં સુલતાનનો દરબાર અને ક્યાં આ ધૂળિયે રસ્તે ઊભેલો એક ફકીર! સનાઈએ ત્યાં જ શાહી વો ફાડી નાખ્યા, દરબારી જીવનનો કાયમ માટે ત્યાગ કરી, આંતરિક સત્યની શોધમાં ચાલી નીકળ્યા. આ ઘટના ફારસી સૂફી સાહિત્યનો સૌથી મોટો વળાંક બની ગઈ.

સનાઈની આ આંતરિક પીડા અને ભૌતિક જગત પ્રત્યેનો અણગમો તેમની જ આ પંક્તિઓમાં દેખાય છે:

चंद बाशी असीर-ए-रंग ओ बू? चंद गर्दी गिर्द-ए-कुफ ओ दू?
ક્યાં સુધી તું આ રંગ અને સુગંધનો (દુન્યવી આકર્ષણોનો) ગુલામ બની રહીશ? ક્યાં સુધી તું અહંકાર અને માયાના બે છેડા વચ્ચે ભટકતો રહીશ? તારા ભીતર જે અમૃત છુપાયેલું છે તેને ઓળખ.

ગઝનીનો વૈભવ છોડ્યા પછી સનાઈએ ખુદાની શોધમાં પવિત્ર હજ યાત્રા માટે મક્કા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં રણની કાળઝાળ ગરમી હતી, છતાં તેમના પગમાં થાક ન હતો, જ્યારે તેઓ મક્કા પહોંચ્યા અને પવિત્ર કાબાના પ્રાંગણમાં દાખલ થયા, ત્યારે હજારો યાત્રાળુઓ કાબાની પરિક્રમા (તવાફ) કરી રહ્યા હતા.

સનાઈની આંખો હવે સૂફી-સંતની આંખો બની ગઈ હતી. તેમણે જોયું કે ઘણા યાત્રાળુઓ માત્ર ઔપચારિકતા માટે આ પવિત્ર યાત્રા કરી રહ્યા હતા; કાબાના પવિત્ર દર્શન વખતે પણ તેમના હોઠ પર દુન્યવી સંપત્તિ, વેપારમાં ફાયદો અને સાંસારિક સુખોની જ માગણીઓ હતી. એક વ્યક્તિ ખુદા પાસે બુલંદ અવાજે પ્રતિષ્ઠા અને સંપત્તિ માગી રહ્યો હતો. આ સાંભળીને સનાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ બોલી ઊઠ્યા, 

‘અરે દોસ્ત! તું એક અફાટ સમુદ્રના કિનારે ઊભો છે અને માત્ર એક ટીપું પાણી માગી રહ્યો છે? તું માલિકના દરબારમાં આવીને માટી માગી રહ્યો છે?’
જો હૃદયમાં અહંકાર ભરેલો હોય તો મક્કા સુધી ચાલીને આવવું વ્યર્થ છે. આ જ પ્રસંગે તેમની કલમમાંથી આ ક્રાંતિકારી પંક્તિઓ સરી પડી:
જો તારી પાસે સાચું હૃદય હોય, તો ભીતરના ‘કાબા’ની પરિક્રમા કર! જો તું ખરેખર પરમાત્માના સત્યના માર્ગ પર ચાલવા માગતો હોય, તો આ પથ્થર અને માટીની પૂજા શા માટે કરે છે?

બસ ત્યાં જ સનાઈને સાચું જ્ઞાન લાધ્યું કે પરમાત્મા માત્ર મક્કાની ઇમારતમાં નથી, પણ માણસના હૃદયમાં છે. તેઓ પર્શિયા (ઈરાન) અને મધ્ય એશિયામાં ભટકતા રહ્યા, અનેક સૂફી સંતોની સંગત કરી. સનાઈ પહેલાં ફારસી કવિતા મુખ્યત્વે રાજાઓની પ્રશંસા અને શૃંગાર સુધી સીમિત હતી. સનાઈએ સૌપ્રથમવાર તેને ઈશ્વરીય પ્રેમ (ઈશ્ક-એ-હકીકી) અને ફિલસૂફીનું માધ્યમ બનાવી. સૂફી પરંપરાના સીમાચિન્હ રૂપ કવિ રૂમીએ કહ્યું હતું કે: ‘અત્તાર મારો આત્મા છે અને હકીમ સનાઈ મારી બે આંખો છે.’

વર્ષો વીતી ગયા. હજની યાત્રા અને કઠોર સાધના પછી સનાઈ ગઝની પાછા ફર્યા, પણ હવે તેઓ રાજકવિ ન હતા, પણ એક પ્રબુદ્ધ સૂફી બની ગયા હતા. સુલતાન બહરામ શાહને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે સનાઈને દરબારમાં પાછા લાવવા માટે પોતાની બહેનનો હાથ લગ્ન માટે સનાઈને પ્રસ્તાવિત કર્યો અને અઢળક સંપત્તિની લાલચ આપી, પરંતુ સનાઈએ ખૂબ નમ્રતાપૂર્વક હસીને સુલતાનને જવાબ આપ્યો, 

‘હે સુલતાન, આ હૃદયમાં હવે માત્ર એક જ શાસક માટે જગ્યા છે અને તે મારો પરવરદિગાર (ઈશ્વર) છે. જ્યાં માલિક બેઠો હોય, ત્યાં હવે કોઈ દુન્યવી સંબંધો માટે જગ્યા નથી બચી.’ આ જ અડગ વૈરાગ્યમાંથી તેમનો મહાન ગ્રંથ ‘હદીકતુલ હકીકત’ (સત્યનો બગીચો) રચાયો.

હકીમ સનાઈનું માનવું હતું કે માણસનો સૌથી મોટો દુશ્મન તેનો પોતાનો અહંકાર (નફ્સ) છે. જ્યાં સુધી અહંકાર જીવંત છે, ત્યાં સુધી ઈશ્વરના પ્રકાશનો અનુભવ થઈ શકતો નથી. આ વાતને તેઓ અત્યંત સુંદર રીતે સમજાવે છે: જ્યાં સુધી તારો અહંકાર મરતો નથી, ત્યાં સુધી તારો આત્મા ખરા અર્થમાં જીવંત થતો નથી. જ્યાં સુધી તું તારી માયાને બાળતો નથી, ત્યાં સુધી ભીતરનો પ્રકાશ ઝળહળતો નથી.

જ્યારે સાધક ઈશ્વરને શોધવા નીકળે છે, ત્યારે તેને લાગે છે કે રસ્તો બહુ લાંબો છે, પણ સનાઈ સમજાવે છે કે આ યાત્રા બહારની નહીં, પણ આંતરિક છે:
પરમાત્માના દરબાર સુધી પહોંચવાનો રસ્તો માત્ર એક જ ડગલાનો છે! બસ, તારી પોતાના હું પણાનો ત્યાગ કર, એટલે તું સીધો જ તેના માર્ગ પર ઊભો હોઈશ.

આશરે ઈ.સ. 1131ના વર્ષમાં ગઝની શહેરમાં એક સાંજે હકીમ સનાઈએ અંતિમ શ્વાસ લીધા. જે કવિએ જિંદગીની શરૂઆત શ્રીમંતાઈમાં કરી હતી, તેનો અંત એક ફકીર તરીકે થયો, પણ તેમના મુખ પર મૃત્યુનો કોઈ ભય ન હતો. તેઓ મૃત્યુને એક પ્રિયતમા સાથેના મિલનની રાત માનતા હતા.

સામાન્ય માણસ મૃત્યુથી ડરે છે, પણ એક સૂફી માટે મૃત્યુ શું છે? તે સનાઈની આ અત્યંત ગહન પંક્તિઓમાં સમજી શકાય છે:

मार्ग अगर मर्दान रा आब-ए-हयात, मुर्दा-ए-दिल रा कुनद सद-बार माता
સાચા આશિકો માટે તો મૃત્યુ એ ‘આબ-એ-હયાત’ (અમૃત) સમાન છે, કારણ કે મૃત્યુ તેમને તેમના પ્રેમી સાથે મેળવે છે, પરંતુ જેમનું હૃદય પહેલેથી જ લાગણીહીન અને મૃત છે, તેમને આ મૃત્યુ સો-સો વાર મારે છે.

હકીમ સનાઈ માત્ર કાગળ પર શબ્દો લખનારા કવિ ન હતા, તેમણે પોતાના આત્માની શ્યાહીથી સત્યનો એવો દસ્તાવેજ લખ્યો, જે આજે આઠ સદીઓ પછી પણ આધ્યાત્મિક મુસાફરો માટે દીવાદાંડી બનીને ઝળહળી રહ્યો છે. ગઝનીની ધૂળમાં ઊભેલો પેલો પાગલ ફકીર સાચો હતો. સનાઈએ પોતાની કલમથી મોતની એવી અદ્ભુત તૈયારી કરી, કે આજે તેઓ અમર થઈ ગયા.