Mon Oct 05 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ બિહારના આ ખેડૂત પુત્રે લાંબી મજલ કાપી પોતાનું સ્થાન ઊભું કર્યું એવો અદાકાર પંકજ ત્રિપાઠી

2026-09-04 10:01:00
Author: Umesh Trivedi
મનોરંજનનું મેઘધનુષઃ બિહારના આ ખેડૂત પુત્રે લાંબી મજલ કાપી પોતાનું સ્થાન ઊભું કર્યું એવો અદાકાર પંકજ ત્રિપાઠી

ઉમેશ ત્રિવેદી


નસીરુદ્દીન શાહ, મનોજ બાજપાઈ જેવા કલાકારોના અભિનય જોઈને ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ દોડી આવેલા પંકજ ત્રિપાઠીએ બોલિવૂડમાં પોતાની અલગ જગ્યા ઊભી કરી દીધી છે. જોકે આ પાછળ તેનો સંઘર્ષ ખૂબ રહ્યો છે, પણ અત્યારે બોલિવૂડમાં તેનું નામ ખૂબ સન્માનથી લેવામાં આવે છે.


બે વાર નૅશનલ એવૉર્ડ અને એક ફિલ્મફેર એવૉર્ડ મેળવનારા પંકજનો જન્મ બિહારના ગોપાલગંજ જિલ્લામાં આવેલા બૈરોલીના નાનકડા ગામ બેલ્સાંડમાં પાંચમી સપ્ટેમ્બર, 1976ના થયો છે, તેના પિતા પંડિત બનારસ તિવારી ખેડૂત છે અને 11મા ધોરણમાં પંકજ તિવારીએ પોતાની અટક બદલીને ત્રિપાઠી કરી છે. નાનપણથી જ પંકજને અભિનયનો શોખ હતો. તે શાળાનાં નાટકોમાં મોટેભાગે છોકરીની ભૂમિકા ભજવતો. 11મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી તેણે પિતાજીની સાથે જ ખેતરમાં કામ કર્યું છે.


શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી પંકજે પટણામાં હાજીપુરની હોટેલ મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે એ દરમિયાન તેને અભિનયનું ‘ભૂત’ વધારે વળગ્યું હતું. તેને નસીરુદ્દીન શાહ અને મનોજ બાજપાઈની જેમ અભિનયમાં નામના મેળવવી હતી એટલે સાત વર્ષ પટણામાં રહ્યા પછી તે દિલ્હી શિફ્ટ થયો અને દિલ્હીમાં તેણે ‘નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા’માં પ્રવેશ મેળવ્યો. 2004ના તે સ્નાતક થઈને બહાર નીકળ્યો.
 

‘એનએસડી’ના કલાકારને બોલિવૂડમાં આસાનીથી ફિલ્મો મળી જાય છે એવી તેને જાણ હતી, પણ 2004થી 2017 સુધી તેને સંઘર્ષ કરવો પડ્યો છે. આ ગાળામાં તેણે અનેક ફિલ્મો કરી, જેમાંથી કેટલીક ફિલ્મો ‘હીટ’ પણ હતી. જોકે ‘હીટ’ ફિલ્મનો તેને જોઈએ એવો ફાયદો થયો નહોતો, તેનું કારણ એ હતું કે ફિલ્મમાં તેને નાની-નાની ભૂમિકાઓ મળતી હતી. પણ ધીરે-ધીરે લોકો પંકજને ઓળખવા લાગ્યા હતા અને તેને ફિલ્મો મળ્યા કરતી હતી. ફિલ્મોની સાથે જ તેણે ઓટીટી પર આવનારી સિરીઝમાં પણ કામ કરવા માંડ્યું. 


પંકજ ત્રિપાઠીએ અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન અંગ્રેજી, કન્નડ, તેલુગુ, પંજાબી અને તમિળ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. 2003માં તેણે એક કન્નડ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. 2004માં તેને પહેલી ફિલ્મ મળી ‘રન’. અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલા અભિનીત આ ફિલ્મ માં તેની ભૂમિકા સાવ જ નગણ્ય હતી કે તેની કોઈએ જ નોંધ લીધી નહોતી.


જોકે પંકજને લોકો 2017થી એક અભિનેતા તરીકે ગણવા લાગ્યા અને ઓળખવા લાગ્યા. 2017માં રાજકુમાર રાવ સાથેની ‘ન્યૂટન’ ફિલ્મમાં તેના અભિનયની નોંધ લેવાઈ.ત્યાર પછી આવી ‘ગુડગાંવ’ અને પછી આવી ‘બરેલી કી બરફી’. આ ત્રણ ફિલ્મથી પંકજ બોલિવૂડમાં સ્થાયી થઈ ગયો એમ કહી શકાય. પોતાના સંઘર્ષકાળ દરમિયાન 2004થી 2018 દરમિયાન તેણે ઓટીટી પર અનેક સિરીઝ કરી અને તેમાં ‘જિંદગી કા હર રંગ - ગુલાલ’, સરોજિની એક નઈ પહેલી, સિક્રેડ ગેમ્સ અને મિર્ઝાપુરે તેને ખૂબ જ સફળતા અને નામના અપાવી.


2018થી મિર્ઝાપુરની સિરીઝ ચાલુ થઈ અને આજે 2026માં આ જ સિરીઝ હવે ફિલ્મરૂપે આવી રહી છે. આજે શુક્રવારે ચાર સપ્ટેમ્બરે સિરીઝના જ કલાકારો સાથે આ ફિલ્મ રજૂ થઈ રહી છે અને તેમાં પંકજ ‘અખંડાનંદ - કાલિન ભૈયા’ની જ ભૂમિકા ભજવી રહ્યો છે. મિર્ઝાપુર ઉપરાંત 2019થી આવતી ‘ક્રિમિનલ જસ્ટિસ’ સિરીઝમાં પણ પંકજનું કામ ખૂબ વખણાયું છે. ક્રિમિનલ જસ્ટિસની આજ સુધીમાં ચાર સીઝન આવી ગઈ છે અને પંકજ પોતાની ફિલ્મો સાથે જ ઓટીટી પર પણ છવાયેલો રહે છે.


સંઘર્ષકાળ દરમિયાન નાની-નાની ભૂમિકાઓમાં તેને મોટેભાગે ગેંગસ્ટરની ભૂમિકાઓ મળતી હતી અને આ દરમિયાન તેની  ‘ગેંગસ્ટરની ભૂમિકા’માં અમીટ છાપ ઊભી થઈ હતી. જોકે 2012માં અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઑફ વાસ્સેપુર’ આવી ત્યારથી તેની એક અભિનેતા તરીકે નોંધ લેવામાં આવી. આ ફિલ્મ પછી તેને થોડી મોટી અને સારી ભૂમિકાઓ મળવા લાગી. જેમાં દબંગ-ટુ, ગુંડે, સિંઘમ રિટર્ન્સ અને દિલવાલેનો સમાવેશ થાય છે, પણ 2017થી પંકજને પોતાનું અલગ સ્થાન ઊભું કરવાની તક મળી.


2018માં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હૉરર કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી’ અને 2024માં આ જ કલાકારો સાથે આવેલી ‘સ્ત્રી-ટુ’એ તેને સીધો સફળ કલાકારોની યાદીમાં મૂકી દીધો. 2023માં ઓવલી ‘ઓહ માય ગોડ’માં તે કેન્દ્રીય પાત્રમાં હતો અને 2026માં આવેલી ‘ઓહ માય ડોગ’ ફિલ્મમાં તે જ મુખ્ય ભૂમિકામાં હતો.


આમ એક સમયે સાવ જ નગણ્ય ભૂમિકા કે નાનકડી ભૂમિકા કરનારા પંકજે પોતાની અભિનય પ્રતિભાને જોરે ખૂબ લાંબી મઝલ કાપી છે અને હવે તેને કેન્દ્રમાં રાખીને લખાયેલી ભૂમિકાઓ મળવા લાગી છે. ‘બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર’થી માંડીને ‘બેસ્ટ વિલન’ સુધીની કૅટેગરીમાં પંકજે વિવિધ એવૉર્ડ મેળવ્યા છે. 2017માં આવેલી ‘ન્યૂટન’ માટે અને 2021માં આવેલી ‘મિમી’ ફિલ્મ માટે તે નૅશનલ એવૉર્ડ મેળવી ચૂકયો છે.


1993માં તે કૉલેજમાં ભણતો હતો ત્યારે એક લગ્ન પ્રસંગમાં તેને જવાનું થયું હતું. આ લગ્ન પ્રસંગમાં તેની ઓળખાણ મૃદુલા સાથે થઈ હતી. ત્યાર પછી લગભગ 11 વર્ષ તેમનું આ પ્રેમપ્રકરણ ચાલ્યું હતું અને અંતે 2004ની 15મી જાન્યુઆરીએ મૃદુલાને પરણ્યો હતો અને ત્યાર પછી જ તે મુંબઈ આવ્યો અને અત્યારે તે મુંબઈમાં એક-બે નહીં, પણ ત્રણ-ત્રણ આલીશાન ઘર ધરાવે છે. તેનું એક ઘર અંધેરીમાં છે જેની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે. એક એપાર્ટમેન્ટ કાંદિવલીમાં છે જે દોઢથી બે કરોડનું છે અને અલીબાગમાં સમુદ્રકિનારે તેનો મસમોટો બંગલો છે. જેની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ છે! 


આમ, બિહારના એક નાનકડા ગામમાંથી આવેલા આ ખેડૂત પુત્રે લગભગ 22 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં હિન્દી ફિલ્મોમાં નામ-દામ મેળવ્યાં છે અને સાથે જ તે સતત આગળ પણ વધતો રહે છે.


પંકજ ત્રિપાઠીએ ‘નેટફિલકસ’ પર આવેલી અમેરિકન ઍક્શન થ્રીલર ફિલ્મ ‘એકસ્ટ્રેકશન’માં રણદીપ હુડા, ક્રીસ હેમ્સવર્થ, રૂદ્રાક્ષ જયસ્વાલ અને ડેવિડ હાર્બર સાથે પણ અભિનય કર્યો છે. આ તેની કારકિર્દીની અત્યાર સુધીની એકમાત્ર અંગ્રેજી ફિલ્મ છે.

OTTનું હોટસ્પોટઃ પાંચ સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન શું જોશો?

પાંચમી સપ્ટેમ્બરે એટલે કે શનિવારે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટરોની મૅચ રાતે 8.00 વાગ્યાથી સોની લીવ પર જોવા મળશે. તો આવો  હવે અઠવાડિયા દરમિયાન જુદી-જુદી ઓટીટી ચૅનલ પર રજૂ થનારી ફિલ્મો અને સિરીઝ પર એક નજર નાંખીએ.


નેટફિલકસ: અહીં છઠ્ઠી સપ્ટેમ્બરે અમેરિકન કૉમેડી ફિલ્મ ‘ધ બ્રેડ વિનર’ જોવા મળશે. આઠ સપ્ટેમ્બરે રોમાન્ટિક સાયન્સ ફિક્શન ફિલ્મ ‘ધ ટાઇમ ટ્રાવેલર લાઇફ’ અને સાથે જ સાઇકૉલૉજિકલ પૉલિટિકલ થ્રીલર સિરીઝ ‘ફૌદા-સીઝન ફાઇવ’નું પ્રસારણ શરૂ થશે. નવ સપ્ટેમ્બરે ક્રાઇમ થ્રીલર સિરીઝ ‘સ્નીકી પીટ’ અને 10 સપ્ટેમ્બરે સસ્પેન્સ સિરીઝ ‘ધ પરફેકટ લાઇફ’નું પ્રસારણ શરૂ થશે. 10 સપ્ટેમ્બરથી જ ફૅમિલી કૉમેડી સિરીઝ ‘ચુંબક’નું પ્રસારણ પણ શરૂ થશે. આતિષ કાપડિયા-જે. ડી. મજીઠિયા નિર્મિત અને આતિષ કાપડિયા દિગ્દર્શિત આ સિરીઝના મુખ્ય કલાકારો નીના ગુપ્તા, દેવેન ભોજાણી, સુમીત રાઘવન, અર્જૂન બિજલાની, માનસી પારેખ અને હેલી શાહ છે.


જિયો હૉસ્ટાર: અહીં છ સપ્ટેમ્બરથી સલમાન ખાનના સંચાલન હેઠળના ‘બિગ બૉસની-20મી સીઝનની શરૂઆત થવાની છે. આ સિવાય 11 સપ્ટેમ્બરે હૉરર કૉમેડી સિરીઝ ‘અલીબાબા ઔર 40 ભૂત’ તેમ જ મલયાલમ કૉમેડી સિરીઝ ‘પ્રિન્સ ઑફ મોલીવૂડ’નું પ્રસારણ શરૂ થશે.


ઝી ફાઇવ: અહીં 11 સપ્ટેમ્બરે તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શિત ફિલ્મ ‘ઘમાસાન’ રજૂ થશે. આ ફિલ્મમાં અર્શદ વારસી ખૂનખાર ડાકુની ભૂમિકામાં અને પ્રતીક ગાંધી પોલીસ અધિકારીની ભૂમિકામાં છે.

આ સિવાય, નેટફ્લિકસ પર અજય દેવગણની સુપરહિટ ફિલ્મ ‘ધમાલ-ફોર’ રજૂ થવાની છે, પણ તેની પ્રસારણ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. ઇન્દ્રકુમાર દિગ્દર્શિત આ ફિલ્મમાં અજય દેવગણ, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, રવિ કિસન, સંજય મિશ્રા, અંજલિ આનંદ, ઈશા ગુપ્તા અને સંજિદા શેખ છે.