Sun Oct 04 2026

Logo

અમેરિકાના મિયામી એરપોર્ટ પર એમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ થયું, 5 ના મોત

Florida   2026-09-07 08:17:00
Author: Vimal Prajapati
અમેરિકાના મિયામી એરપોર્ટ પર એમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ થયું, 5 ના મોત

AFP-JIJI


ફ્લોરિડા: અમેરિકાના ફ્લોરિડા સ્થિત મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો છે. સાન જુઆન (પ્યુઅર્ટો રિકો)થી ઉડાન ભરીને આવેલું એમેઝોનનું બોઇંગ 767-300 કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન નિયંત્રણ ગુમાવીને રનવેની બહાર નીકળી ગયું હતું અને નજીક સ્થિત રોડ પરના વાહનો સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 5 લોકોના કરૂણ મોત નીપજ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

બોઇંગ 767-300 કાર્ગો વિમાને લેન્ડિંગ દરમિયાન નિયંત્રણ ગુમાવ્યું

મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓએ એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ દુર્ઘટના રવિવારે બપોરે અંદાજે 2 વાગ્યે ઘટી હતી. વિમાન રનવે સીમા ઓળંગીને રોડ પર પાર્ક કરેલા અને પસાર થતાં વાહનો પર ચડી જતાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 3 ની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માત એટલો ભયાનક હતો કે કેટલાંક લોકો વાહનોના ભંગારમાં જ ફસાયા હતા. આ સિવાય કોકપિટમાં ફસાયેલા પાઇલટ અને કો-પાઇલટને બહાર કાઢવા ભારે જહમત ઉઠાવવી પડી હતી. દુર્ઘટનાના કલાકો બાદ પણ ફાયર ફાઇટરોની ટીમો વિમાનમાંથી થઈ રહેલા કેમિકલ અને ફ્યુઅલ લીકેજને નિયંત્રિત કરવા પ્રયાસ કરી રહી હતી.

તાત્કાલિક 'ગ્રાઉન્ડ સ્ટોપ' લાગુ કરવામાં આવ્યો

દુર્ઘટના બાદ સુરક્ષાના પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક 'ગ્રાઉન્ડ સ્ટોપ' લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે તમામ ઉડાન અને લેન્ડિંગ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. હાલમાં વિમાન રનવે પરથી કયા ટેકનિકલ કારણોસર લપસ્યું તે અંગે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.