Tue Oct 06 2026

Logo

ફિલ્મનામાઃ પુત્રનો જ ખૂની પિતા જ્યારે પુત્રને શોધવા નીકળે છે...

2026-09-04 10:07:00
Author: Naresh Shah
ફિલ્મનામાઃ પુત્રનો જ ખૂની પિતા જ્યારે પુત્રને શોધવા નીકળે છે...

નરેશ શાહ

‘ડેવિડ, પાંચ વરસે પહેલી વખત તને કોઈ મળવા આવ્યું છે!’ જેલ-બેરેકના સળિયા ખખડાવતાં જેલ વૉર્ડને કહ્યું એટલે કેદી ડેવિડ બેરોઝે લાગલું પૂછી લીધું: ‘કોણ આવ્યું છે!’

-તું ખુદ આવીને જોઈ લે... આવા જવાબ પછી સહેજ કુતૂહલ અને વધુ અણગમા સાથે ડેવિડ મુલાકાતીને મળવા વૉર્ડનની પાછળ બહાર નીકળે છે... પાંચ વરસથી સજા ભોગવી રહેલાં ડેવિડે આજસુધી કોઈને મળવા બોલાવ્યા નહોતા. શરૂઆતમાં આવેલા મુલાકાતીઓને મળવાનું ટાળી દીધું હતું. ડેવિડની પત્ની શેરિલ તો તેને મળવા જ આવી નહોતી, કારણ કે ડેવિડ પર તેના જ પાંચ છ વરસના પુત્રની હત્યાનો આરોપ પુરવાર થયો હતો. 

ટ્રેજેડી તો એ હતી કે લાંબી પ્રતિક્ષા પછી ડેવડિ-શેરિલ પુત્ર મૅથ્યુનાં માતા-પિતા બન્યાં હતાં. બન્ને ‘ખોટના ગણાય એવા’ પુત્ર મૅથ્યુને અનહદ ચાહતાં હતાં, પણ એક રાતે મૅથ્યુની હત્યા થઈ ગઈ અને તમામ પુરાવા-સાહેદ તેની વિરુદ્ધમાં ગયા અને... મુલાકાતીઓની ચેમ્બરમાં મળવા આવેલી વ્યક્તિને જોઈને ડેવિડ બરોઝ ચોંકી જાય છે, કારણ કે આવનારી વ્યક્તિ તેની સાળી અને પત્રકાર રેચેલ છે. રેચેલ જ ડેવિડને જણાવે છે કે તેની પત્ની (રેચેલની બહેન) શેરિલે બીજા મૅરેજ કરી લીધા છે અને અત્યારે તે પ્રગ્નન્ટ છે...

‘આ કહેવા જ તું આવી છે?’ અણગમાથી પૂછાયેલા પ્રશ્ર્ન પછી રેચેલ ડેવિડને અઠવાડિયા પહેલાં જ એક પબ્લિક પાર્કમાં પાડવામાં આવેલો ફોટોગ્રાફ દેખાડે છે, જેમાં રેચેલનો એક પરિચિત પરિવાર છે. ડેવિડને તેમાં રસ નથી. એ ફોટોગ્રાફ પાછો આપે છે ત્યારે રેચેલ તસવીરને ચીવટથી જોવાનું કહે છે. એ ફોટોગ્રાફમાં અકસ્માતે જ ઝડપાઈ ગયેલા એક ટીનએજ બચ્ચાનો ચહેરો દેખાય છે. તેના ચહેરા પર (મૃત પુત્ર) મૅથ્યુના ચહેરા પર હતો એવો બર્થમાર્ક પણ છે! 

ડેવિડને ઇલેક્ટ્રિક કરંટ જેવો ઝટકો લાગે છે. આજ સુધી કોર્ટમાં એ કહેતો રહ્યો હતો કે પુત્ર મૅથ્યુની હત્યા તેણે કરી નથી છતાં કોર્ટ કે પરિવારમાં પણ કોઈએ તેની વાત સાચી માની નહોતી અને આજે... આ ફોટોગ્રાફમાં મૅથ્યુ જેવો જ બર્થમાર્ક ધરાવતો ટીનએજ તો એ સાબિત કરે છે કે મૅથ્યુ કદાચ જીવે છે અને તો પછી ડેવિડ પર હત્યાનો આરોપ કેવી રીતે લાગુ થયો? સવાલ તો એ પણ છે કે જો મૅથ્યુ જીવિત છે તો હત્યા થઈ એ બાળક કોણ હતું? તેના ડીએનએ પિતા ડેવિડ સાથે કેવી રીતે મૅચ થયેલાં?

સૌથી મહત્ત્વનો સવાલ તો એ કે મૅથ્યુની જ હત્યા થઈ હોય તો તસવીરમાં મૅથ્યુ જ લાગતો આ ટીનએજ કોણ છે?

આઠ એપિસોડ અને સાડા પાંચ કલાકની અવધિ ધરાવતી ‘આઇ વીલ ફાઇન્ડ યુ’ (હું તને શોધી લઈશ) નામની અમેરિકન વેબસિરીઝની પ્રથમ પંદર મિનિટની જ આપણે વાત હજુ સુધી કરે છે, પરંતુ ‘નેટફ્લિક્સ’ પર જૂન મહિનામાં જ ઓન ઍર થયેલી આ વેબસિરીઝની થીમ અને કથાનક જ એવું સબળ છે કે દર્શક આંખનો પલકારો મારવાનું પણ મુલતવી રાખી દે. એક પતિ વરસોની મથામણ પછી સંતાનનો પિતા બને પછી તેના પર તેની હત્યા કરવાનું સાબિત થઈને સજાય થઈ જાય, એ વાત જ અટપટી છે, પરંતુ કાયદો પુરાવા અને સાહેદી જ જુએ છે. 

પોલીસ ખાતામાં જ કામ કરીને રિટાયર થયેલા ડેવિડ બેરોઝના પિતા પણ માનતા થઈ ગયેલા કે પોતાના પુત્રે જ આ હીનકૃત્ય કર્યું હશે. પત્ની શેરિલ પણ એટલે જ બીજા પુરુષ સાથે પરણીને પ્રેગ્નન્ટ થઈ જાય છે. ડેવિડ માટે કોઈને સિમ્પથી નથી, પણ પાંચ વરસ પછી (તસવીર જોયા બાદ) ખુદ ડેવિડને ખાતરી થઈ જાય છે કે તેની સાથે કોઈ ષડ્યંત્ર થયું છે. આ ધારણા ત્યારે વધારે દૃઢ બની જાય છે કે જયારે ડેવિડને જેલનો જ એક ઇન્ચાર્જ મારી નાખવાની કોશિશ કરે છે. 

જેલના મુખ્ય વૉર્ડન ડેવિડના પિતાના મિત્ર હોવાથી તેને ડેવિડની વાતમાં થોડું વજૂદ લાગે છે. એ ડેવિડને જેલની બહાર ચુપકિદીથી નીકળવાનું પ્લાનિંગ કરી આપે છે, પણ છેલ્લી ઘડીએ પ્લાનિંગ છતું થઈ જાય છે. ડેવિડ નાછૂટકે શુભેચ્છક વૉર્ડનને કિડનૅપ કરી જેલમાંથી ભાગે છે અને...

તલાશ શરૂ થઇ જાય છે એક સચ્ચાઈની. એક કાવતરાની. એક રાજરમતની. આઇ વિલ ફાઇન્ડ યુ - વેબસિરીઝ આ જ નામની હાર્બન કોબેથે લખેલી નોવેલ પરથી બની છે. હાર્બન જ વેબસિરીઝની સ્ક્રિપ્ટના અક્ઝિક્યુટિવ નિર્માતા અને કો-રાઇટર પણ છે. ડેવિડ બેરોઝ બનતા અભિનેતા સામ વર્થિંગ્ટન સહિતના તમામ કલાકારો પાસેથી ક્રિએટર રોબર્ટ હૂલ ધાર્યું કામ લઈ શક્યા છે, પરંતુ ભાગેડુ ડેવિડનું પગરું પકડતાં એફબીઆઇની પિતા-પુત્રી અધિકારી તમારું ધ્યાન ખેંચી જાય છે. 

સિરીઝના ઉતારચઢાવ કે અંત વિશે વાંચવા કરતાં જોવાની વધુ મજા આવે તેવા દિલધડક છે. લેખન અને સ્ક્રિપ્ટની સૌથી મોટી કમાલ તો એ છે કે તસવીરમાં અજાણતાં ઝડપાઈ ગયેલા ટીનએજ વિશેેનો ફોડ છેલ્લા એપિસોડમાં પડે છે અને એ ટીનએજ પણ આપણને આખરી એપિસોડમાં જ જોવા મળે છે.