સોશિયલ વર્કર સોનમ વાંગચુક છેલ્લાં 22 દિવસથી અણશન પર છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી ભૂખ હડતાળ પર હોય છે, ત્યારે તેમનું અનશન હંમેશા નાળિયેર પાણી, જ્યુસ કે મધનું પાણી પીવડાવીને જ કેમ તોડાવવામાં આવે છે? લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી સીધું ભારે ભોજન આપવાને બદલે પ્રવાહી (Liquid) આપવા પાછળ એક મોટું વૈજ્ઞાનિક અને તબીબી કારણ છુપાયેલું છે. ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી જણાવીએ...
જ્યારે કોઈ વ્યક્તિ ઘણા દિવસો સુધી અન્ન-જળનો ત્યાગ કરે છે, ત્યારે તેનું પાચનતંત્ર એકદમ સુસ્ત થઈ જાય છે. આવા સમયે જો અચાનક રોટલી, ભાત કે અન્ય ભારે ખોરાક આપવામાં આવે તો આંતરડા પર અચાનક ભારે દબાણ આવે છે. તેનાથી પેટમાં અસહ્ય દુખાવો, ઉલ્ટી, ગંભીર પાચન સમસ્યાઓ અથવા 'રિફીડિંગ સિન્ડ્રોમ' નું જોખમ વધી જાય છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાને કારણે શરીરમાં ગ્લુકોઝ એટલે કે સુગરનું સ્તર ખૂબ જ નીચે ગબડી જાય છે, જેના લીધે અશક્તિ અને ચક્કર આવવા લાગે છે. નાળિયેર પાણી કે ફ્રુટ જ્યુસમાં કુદરતી સુગર હોય છે, જેને પચાવવા માટે પાચનતંત્રને મહેનત નથી કરવી પડતી. આ પ્રવાહી સીધું લોહીમાં ભળીને શરીરના કોષો, હૃદય અને મગજને સેકન્ડોમાં તાકાત આપે છે.
અનશન દરમિયાન શરીરમાં પાણી અને જરૂરી મિનરલ્સ અને પાણીની ભારે અછત એટલે કે ડિહાઈડ્રેશન થાય છે. નાળિયેર પાણી એક કુદરતી સલાઈન જેવું કામ કરે છે, કારણ કે તેમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ઈલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં જતા જ નસો અને સ્નાયુઓ ફરીથી બરાબર કામ કરવા લાગે છે અને હાર્ટબીટ પણ આઉટ ઓફ કન્ટ્રોલ થાય છે.
મેડિકલ સાયન્સ મુજબ, લાંબા ઉપવાસ પછી શરૂઆતના 24થી 48 કલાક માત્ર હળવો જ્યુસ, નાળિયેર પાણી કે સૂપ જ આપવો જોઈએ. જ્યારે પેટ આ પ્રવાહીને સરળતાથી પચાવવા લાગે, ત્યાર બાદ જ ધીમે-ધીમે દલિયા, ખીચડી અને છેલ્લે નોર્મલ સોલિડ ફૂડ આપવામાં આવે છે.