Thu Aug 20 2026

Logo

આપણને ‘હેપી એન્ડિંગ’નું વળગણ કેમ છે?!

2026-05-03 09:54:00
Author: Abhimanyu Modi
Article Image

કેનવાસ - અભિમન્યુ મોદી

ઈતિહાસનાં પાનાઓ પર આ એપ્રિલ મહિનાના છેલ્લા રવિવાર ‘પૂર્ણવિરામોનો’ બહુ મોટો અને લોહિયાળ ઈજારો છે.  

એપ્રિલ, 1945 ના છેલ્લા દિવસે બર્લિનના એક અંધારા બંકરમાં હિટલરે પોતાની જાતને ગોળી મારી અને બીજા વિશ્વયુદ્ધના યુરોપિયન ચેપ્ટરનો હિંસક અંત આવ્યો. બરાબર ત્રીસ વર્ષ પછી 1975ના એપ્રિલ મહિનામાં જ સાયગોન શહેરનું પતન થયું અને અમેરિકા માટે વિયેતનામ યુદ્ધનો દાયકાઓ લાંબો અને થકવી નાખનારો અંત આવ્યો. દુનિયાના નકશા ઉપર જ્યારે પણ કોઈ મહાકાય, ભયાવહ ઘટનાઓએ પોતાનો અંતિમ શ્વાસ છોડ્યો છે     ત્યારે કેલેન્ડરમાં મોટાભાગે એપ્રિલના અંતિમ દિવસો જ નોંધાયા છે. આપણે આવી તારીખોને ‘અંત’તરીકે ઉજવીએ છીએ. આપણને આ ‘ધ એન્ડ’ સાંભળતા જ એક અજીબ પ્રકારની શાતા મળે છે. એક દિલાસો મળે છે કે હાશ, પૂરું થયું, પણ હકીકત એ છે કે ઇતિહાસમાં અને માણસની જિંદગીમાં ‘અંત’ જેવું કશું હોતું જ નથી.

સિનેમા, નાટકો અને નવલકથાઓએ આપણને બહુ ખરાબ રીતે બગાડી નાખ્યા છે. આપણને એવી આદત પડી ગઈ છે કે અઢી કલાક પછી સ્ક્રીન બ્લેક થઈ જશે અને સફેદ અક્ષરે ‘ધ એન્ડ’ લખાઈને આવશે. અઢી કલાકમાં હીરો-હીરોઈન મળશે, વિલન મરશે અને વાર્તા સમેટાઈ જશે.

આપણે ઇચ્છીએ છીએ કે આપણા અંગત દુ:ખ, આપણા બ્રેકઅપ, આપણી નિષ્ફળતાઓ કે આપણા પ્રિયજનની વિદાયમાં પણ કોઈક આવું જ બોર્ડ મારી આપે. અંગ્રેજીમાં જેને ‘ક્લોઝર’ કહે છે, તે મેળવવા માટે આજની ત્રીસ સેક્ધડની રીલ જોતો માણસ પણ વલખાં મારે છે. કોઈ સંબંધ તૂટે એટલે તરત જ આપણે સામસામે બેસીને એક ‘ફાઈનલ વાત’ કરવા માગીએ છીએ, જેથી ચેપ્ટર શિષ્ટ અને સારી રીતે ‘ક્લોઝ’ થાય, પણ અદૃશ્ય પટકથા લખનારો કોઈ કાળે આવી ક્રેડિટ રોલ થવા દેતો નથી.

ઇતિહાસમાં એપ્રિલમાં ભલે સંધિઓ ઉપર હસ્તાક્ષર થઈ ગયા હોય અને તોપના ગોળા શાંત થઈ ગયા હોય, પણ 1લી મે ની સવારે જે સૈનિક જાગ્યો હશે તેની મનોસ્થિતિની કલ્પના કરો. યુદ્ધ પૂરું થઈ ગયું, પણ ભગ્નાવશેષો વચ્ચે ઊભા રહીને હવે કરવાનું શું? જે માણસે છેલ્લા પાંચ વર્ષથી માત્ર બંદૂકની ટ્રીગર દબાવવાનું જ કામ કર્યું છે, તે હવે અચાનક સામાન્ય જિંદગીમાં પાછો કઈ રીતે ફરે? માણસનું મન પણ યુદ્ધ પછીના કોઈ બરબાદ થયેલા શહેર જેવું જ હોય છે. કોઈની સાથે વર્ષોનો સંબંધ તૂટે કે કોઈ નજીકના સ્વજનનું અકાળે મૃત્યુ થાય, ત્યારે કાનૂની કે સામાજિક રીતે ભલે કિસ્સો પૂરો થઈ ગયો હોય, પણ મનની અંદર તો કાટમાળ હટાવવાનું કામ દાયકાઓ સુધી ચાલતું રહે છે. ‘મુવ ઓન’ થવું એ ઇન્સ્ટાગ્રામની રીલ્સ પૂરતો બહુ સારો અને પોઝિટિવ શબ્દ છે.

વાસ્તવિકતામાં માણસ ક્યારેય કોઈ પણ આઘાતની આગળ વધી શકતો નથી, તે માત્ર એ આઘાતના વજન સાથે, એ સ્મૃતિઓના ભાર સાથે રોજેરોજ જીવતા શીખે છે. સમય પીડા ઓછી નહિ કરે, એ પીડા જીરવવાની તાકાત આપશે.

પાંત્રીસ કે ચાલીસની ઉંમરે પહોંચતા સુધીમાં દરેક માણસ એક વિચિત્ર થાક અનુભવે છે. આ થાક શારીરિક નથી હોતો, આ થાક નિરંતર ‘મધ્ય’માં હોવાનો હોય છે. આયુષ્યનું પણ મધ્ય, સંબંધોનું પણ મધ્ય, સપનાઓના રસ્તાનું પણ મધ્ય. આપણે આખી જિંદગી કોઈક ને કોઈક પૂર્ણાહુતિની રાહ જોતા હોઈએ છીએ સારું રિઝલ્ટ આવી જાય એટલે શાંતિ, નોકરી મળી જાય એટલે શાંતિ, લગ્ન થઈ જાય એટલે સેટલ્ડ, ઘરનું ઘર થઈ જાય એટલે લાઈફ સેટ. આપણે એક માઈલસ્ટોનથી બીજા માઈલસ્ટોન સુધી હાંફતા હાંફતા દોડીએ છીએ, પણ જ્યારે આ બધું મળી જાય છે ત્યારે પેલો પડદો પડતો નથી. ‘એન્ડ ધે લીવ્ડ હેપીલી એવર આફટર’વાળી પરીકથા વાસ્તવિક જીવનમાં જ દમ તોડી દે છે.

સફળતા કે લક્ષ્યપ્રાપ્તિ કોઈ અંત નથી. તે માત્ર એક નવા પ્રકારના અને વધુ જટિલ સંઘર્ષની શરૂઆત છે. અને આ જ સત્ય સૌથી વધુ ડરામણું છે, કારણ કે આપણે ટકી રહેવા માટે, લડવા માટે, સંઘર્ષ કરવા માટે હંમેશાં તૈયાર છીએ; પણ લડાઈ જીત્યા પછીના જે ખાલીપો આવે છે, જે સન્નાટો છવાય છે, તેના માટે આપણને કોઈએ ટ્રેનિંગ જ નથી આપી. માણસ દુ:ખ સહન કરી શકે છે, પણ અર્થહીનતા સહન કરવી તેના માટે અસહ્ય છે.

આપણે બધા કોઈને કોઈ પૂર્ણવિરામની તલાશમાં દોડી રહ્યા છીએ, પણ કાળચક્રની આ ડિઝાઇનમાં માત્ર અલ્પવિરામો જ મૂકવામાં આવ્યા છે. ઇતિહાસનો કોઈ પણ મોટો અને ભવ્ય ‘અંત’, વાસ્તવમાં કોઈ બીજાના, અજાણ્યા સંઘર્ષની પીડાજનક ‘શરૂઆત’ જ હોય છે. જિંદગી તમને ક્યારેય કોઈ ભવ્ય ક્લાઈમેક્સ આપીને વિદાય લેવાનો મોકો નથી આપતી. હિટલરના મોતથી કે સાયગોનના પતનથી દુનિયા અટકી ન હતી. ગઈકાલે તમારું હૃદય કાયમ માટે તૂટ્યું હોય કે આજે તમને તમારી જિંદગીની સૌથી મોટી, શાનદાર સફળતા મળી હોય તો કાલે સવારે સૂર્ય તો ઉગવાનો જ છે.

કોઈ પણ ભવ્ય ક્લાઈમેક્સ ન હોવાના આ કડવા સત્યના સ્વીકાર સાથે કાલે સવારે ઉઠીને માત્ર પોતાના માટે ચા બનાવવા પૂરતી જિજીવિષા તમારામાં બચી હશે ખરી વિરાટવાચકો? જિંદગી ક્યારેય ‘ધ એન્ડ’નું બોર્ડ નથી મારવાની એ સત્ય સમજાઈ ગયા પછી, શું બાકીનું આખું આયખું માત્ર અલ્પવિરામોના સહારે જીવી કાઢવાની હિંમત આપણામાં છે ખરી? સંઘર્ષના મેદાનમાં તો કદાચ આપણે જીતી પણ જઈશું, પણ સઘળું પૂરું થઈ ગયા પછી છવાતા એ ભયંકર આંતરિક સન્નાટાથી આપણને કોણ બચાવશે? આપણે ખરેખર આપણા દુ:ખ કે સંઘર્ષનો ‘અંત’ ઇચ્છીએ છીએ કે પછી એક નવી અને અજાણી શરૂઆતથી બચવા માટે કોઈ રૂપાળું બહાનું શોધી રહ્યા છીએ?

આ બધા પ્રશ્ર્ન લગભગ નિરુત્તર જ રહે છે અને એટલે જ કદાચ આપણે બધા જાણે-અજાણે ‘હેપી એન્ડિંગ’ની તલાશમાં રહીએ છીએ.