Mon Jun 08 2026

Logo

વિશેષઃ સંકલ્પ એટલે શું?

2026-06-08 10:38:00
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક

આપણે કોઈપણ પૂજા કે અનુષ્ઠાન કરીએ ત્યારે સર્વ પ્રથમ સંકલ્પ લેવાનો હોય છે. સંકલ્પ કરવાથી આદરેલા કર્મનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ કહેવાય છે. પણ આ સંકલ્પ હકીકતમાં છે શું? 

નવું વર્ષ આવે એટલે ન્યુ યર રિસોલ્યૂશન વિશે ચર્ચા થાય છે. દરેક જન્મદિવસે, કે દર સોમવારે, આપણે ઘણીવાર આપણી જાતને વચન આપીએ છીએ - ‘કાલથી હું ચોક્કસ જીમમાં જઈશ,’ ‘આ વખતે હું ગુસ્સે નહીં થાઉં, ‘હવેથી હું પૈસા બચાવીશ.’ આ ઇરાદા થોડા દિવસો સુધી મજબૂત રહે છે, પણ પછી ધીમે ધીમે ઝાંખા પડી જાય છે. આવું કેમ થાય છે?’

કદાચ એનું કારણ એ છે કે આપણે ‘ઈરાદો’ કે ‘યોજના’ બનાવીએ છીએ, પણ ‘સંકલ્પ’ નથી કરતા. સંકલ્પ એ ફક્ત એક ભારે સંસ્કૃત શબ્દ નથી. તે એક શક્તિશાળી માનસિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે જે એક સરળ ઇચ્છાને અડગ સંકલ્પમાં પરિવર્તિત કરે છે. 

‘સંકલ્પ’ શબ્દ બે સંસ્કૃત મૂળ શબ્દો પરથી આવ્યો છે: સમ + કલ્પ.

સમ: તેનો અર્થ ‘ઉત્તમ,’ ‘પૂર્ણ,’ ‘એકસાથે’ અથવા ‘યોગ્ય રીતે.’ તે કોઈપણ વસ્તુમાં સમગ્રતા અને સંપૂર્ણતાની ભાવના ઉમેરે છે. 

કલ્પ: તેનો અર્થ ‘વિચાર’, ‘ઈરાદો’, ‘નિયમ’ અથવા ‘સર્જન’ થાય છે.

સંકલ્પનો શાબ્દિક અર્થ ‘સંપૂર્ણ અથવા સંપૂર્ણ ઈરાદો’ થાય છે. તે મન અને હૃદય દ્વારા એકસાથે લેવામાં આવેલો નિર્ણય છે, જે સંપૂર્ણ ચેતના સાથે લેવામાં આવે છે. જો સંકલ્પ કરતી વખતે કોઈ સાક્ષી બનાવવામાં આવે, જેમ કે સર્વશક્તિમાન ભગવાન, તો સંકલ્પની પરિપૂર્ણતાને સિદ્ધિ (પરિપૂર્ણ) માનવામાં આવે છે.

આપણે કરવા ધારેલું કોઈપણ કાર્ય, સંપૂર્ણ ઈચ્છાશક્તિ સાથે વ્યક્ત કરવામાં આવે ત્યારે તે સંકલ્પ બની જાય છે. ઇચ્છાશક્તિ વગર કરેલું કાર્ય માત્ર યાંત્રિક બની જાય છે. જ્યારે, સંકલ્પ ભટકતા મનને સ્થિર કરે છે અને સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રાનો આધાર તૈયાર કરે છે. સંકલ્પ આત્મા સાથે કરેલો એક એગ્રીમેન્ટ છે, કે હું આ કાર્ય કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે પૂર્ણ કરીને જ રહીશ. આ સંકલ્પ મનુષ્યના મનને તેના ઈરાદામાંથી ડગમગવા દેતો નથી. 

સનાતન ધર્મનો ઇતિહાસ મહાન સંકલ્પોના કિસ્સાઓથી સમૃદ્ધ છે. રાજા હરિશ્ચંદ્રના સત્ય બોલવાનો સંકલ્પ હોય કે રાજા દશરથના પત્નીને આપેલા વચન હોય, કુરૂકૂળ ભૂષણ ભીષ્મએ આજીવન બ્રહ્મચર્ય વ્રત હોય કે બલિ રાજાએ વામન બ્રાહ્મણને આપેલું વચન...આ સર્વ દૃઢ, અવિચળ સંકલ્પના અદભુત ઉદાહરણો છે. જોકે, તે સમયના લોકો આજના જેવા બેમોઢાળા નહોતા, કે પોતાની વાતમાંથી ફરી જાય. એ સમયના રાક્ષસો પણ આજના કહેવાતા સજ્જનો કરતાં વધુ દૃઢસંકલ્પી હતાં! 

વ્યવહારિક ભાષામાં વાત કરીએ તો, સંકલ્પ એ બીજું કંઈ નથી પણ એક ‘ઓરલ એગ્રીમેન્ટ’ છે. લેખિત એગ્રિમેન્ટમાં ઓછામાં બે વ્યક્તિ કે બે સંસ્થાઓનું જરૂર પડે, પણ સંકલ્પ એ વ્યક્તિ દ્વારા સ્વયંના આત્મા સાથેનો પણ એગ્રિમેન્ટ હોઈ શકે.
 
વ્યવહારિક એગ્રિમેન્ટની જેમ વિધિવત લેવાયેલો સંકલ્પ પણ તારીખ-વાર સાથે હોય છે. સર્વપ્રથમ ઈશ્વરનું નામ લઈને તેમને આમંત્રિત કરીને સાક્ષી બનાવાય છે. ત્યાર બાદ, બ્રહ્માજીના વર્તમાન યુગ, વર્તમાન કલ્પ અને વર્તમાન મન્વન્તરનો ઉલ્લેખ થાય છે. તે પછી, કયા વિક્રમ સંવતમાં, કયા મહિનામાં, કયા પક્ષમાં, કયા દિવસે, કયા વારે સંકલ્પ લેવાઈ રહ્યો છે, તે સમયે કયું નક્ષત્ર વિદ્યમાન છે, તેનો પણ ઉલ્લેખ થાય છે. 

એટલું જ નહીં, પૃથ્વી પર કયા ભૌગોલિક સ્થાન પર સંકલ્પ લેવાય છે તેનો પણ ઉલ્લેખ અપેક્ષિત છે. એટલું પણ પૂરતું નથી, જે વ્યક્તિ સંકલ્પ લે છે, તેની પોતાની ઓળખાણ માટે નામ, ગોત્ર પણ જણાવ્યા છે. અંતે કયા ઉદ્દેશ્ય માટે સંકલ્પ લેવાઈ રહ્યો છે, તેની ઘોષણા કરાય છે અને વ્યક્તિ ફરી એકવાર ઈશ્વરનું નામ લઈને ‘હું કરીશ’ એવો સંકલ્પ ધારણ કરે છે.
ઉપવાસ, તપ કે અનુષ્ઠાન કરવા લેવાતો સંકલ્પ પણ આ પ્રકારનો એગ્રિમેન્ટ છે. જૈન પરંપરામાં પણ પચ્ચખાણ લેવાની વિધિ છે, જે ઇરાદાને અટલ સંકલ્પમાં ફેરવે છે.