Wed Sep 02 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક મતદાન: રવિ કિશનનો મમતા સરકાર પર પ્રહાર, કહ્યું અસ્તિત્વ બચાવવાની લડાઈ

2026-04-26 20:51:00
Author: Mumbai Samachar Team
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક મતદાન: રવિ કિશનનો મમતા સરકાર પર પ્રહાર, કહ્યું અસ્તિત્વ બચાવવાની લડાઈ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની ચૂંટણીના પહેલા તબક્કામાં રેકોર્ડ મતદાન પર ભાજપના સાંસદ રવિ કિશનની પ્રતિક્રિયા સામે આવી છે. માં દુર્ગા, માં કાલી જાગૃત થઇ ચૂક્યા છે અને સમગ્ર બંગાળની હવામાં તે દેખાઇ રહ્યું છે, એમ રવિ કિશને જણાવ્યું હતું.

રવિ કિશને જણાવ્યું કે રાજ્યમાં ગુસ્સો, આક્રોશ, નફરત, બોંબ વિસ્ફોટ, લાંચ, રમખાણો, ગુંડાગીરી અને ક્રૂરતા, ભાજપના કાર્યકરોની હત્યા, ઉત્તર પ્રદેશ-બિહારના મજૂરોની હત્યા અને અહીં થયેલા તમામ ગુંડાગીરી અને અપરાધો વિરુદ્ધ મતદાન થઇ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા વર્ષોથી બંગાળને ડરાવીને રાખવામાં આવ્યું હતું. બંગાળને ભારતથી કાપીને રાખી દીધું હતું. અહીંના બંગાળીઓ માનતા ન હતા કે બંગાળ ભારતનો ભાગ છે. તેમણે કહ્યું કે અહીં એક અલગ બાંગ્લાદેશ બની રહ્યો હતો. આ મતદાન તેના વિરુદ્ધ છે. બંગાળમાં ઐતિહાસિક મતદાન થઇ રહ્યું છે. દરેક બંગાળી પોતાના અસ્તિત્વને અને પોતાના બંગાળને બચાવવા માટે મતદાન કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે દરેક હિન્દુ અને બંગાળી જાણે છે કે જો આપણે અત્યારે મતદાન નહીં કરીએ અને ભાજપને સત્તામાં નહીં લાવીએ અને માં દુર્ગાની શક્તિને જાગૃત નહીં કરીએ તો અહીંના હિન્દુઓને હંમેશા હેરાન કરવામાં આવશે. 
ચૂંટણીના પહેલા તબક્કામાં રેકોર્ડ મતદાન પર ભાજપના સાંસદ રવિ કિશને કહ્યું કે આજના ઐતિહાસિક મતદાનથી વર્તમાનમાં બંગાળમાં મોદી લહેર અને ભાજપ લહેર ચાલી રહી હોવાનું સાબિત થયું છે.

રવિ કિશને અગાઉ બંગાળની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે હું મારા નાના ભાઇ રાકેશ સિંહ માટે અહીં આવ્યો છું. મેં અહીં જબરદસ્ત ઉત્સાહ જોયો છે. હવે રાજ્યમાં ૨૯ એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. તેમજ ૪ મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થશે.