કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પંચે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ અંગે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે 29 એપ્રિલના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે 11 વધારાના પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. બીજા તબક્કામાં 142 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
11 નવા પોલીસ નિરીક્ષકોની નિમણૂક
પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 11 નવા પોલીસ નિરીક્ષકોને અન્ય રાજ્યોમાંથી બોલાવવામાં આવ્યા છે. તેમનું પ્રાથમિક કાર્ય બીજા તબક્કા દરમિયાન ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત અને ન્યાયી રહે તે સુનિશ્ચિત કરવાનું છે.
ચૂંટણી પંચ બીજા તબક્કામાં હિંસાને ટાળવા માંગે છે
પશ્ચિમ બંગાળમાં વહીવટીતંત્ર આ વખતે સુરક્ષામાં સહેજ પણ કચાશ રાખવા નથી માંગતુ. ચૂંટણી પંચનો ઉદેશ બીજા તબક્કા દરમિયાન તણાવની કોઈપણ શક્યતાને સંપૂર્ણપણે દૂર કરવાનો છે. આ જ કારણ છે કે પોલીસ નિરીક્ષકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 23 એપ્રિલે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં, હિંસા અને તણાવની કેટલીક છૂટાછવાયા ઘટનાઓ નોંધાઈ હતી. ચૂંટણી પંચ બીજા તબક્કામાં આવી કોઈપણ ઘટનાનું પુનરાવર્તન ઇચ્છતું નથી.
પોલીસ નિરીક્ષકોની કુલ સંખ્યા હવે 95 થઈ
પશ્ચિમ બંગાળમાં 11 વધારાના અધિકારીઓની નિમણૂક સાથે પોલીસ નિરીક્ષકોની કુલ સંખ્યા હવે 95 થઈ ગઈ છે. આ ચૂંટણી પંચે શરૂઆતમાં 84 નિરીક્ષકો તૈનાત કર્યા હતા. હવે આ સંખ્યામાં વધુ વધારો કરવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે.