કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ હવે મુખ્યમંત્રી પદના નામ માટેની ચર્ચાએ જોર પકડયું છે. જેમાં એક તરફ મમતા બેનર્જીને ભવાનીપુર બેઠક પરથી હરાવનાર સુવેન્દુ અધિકારીનું નામ ચર્ચામાં છે. ત્યારે બીજી તરફ અગ્નિમિત્રા પોલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.
અગ્નિમિત્રા પોલ ભાજપનો એક મજબૂત ચહેરો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની કારમી હાર થઇ છે. જ્યારે ભાજપના સત્તામાં આવી છે. જેમાં હવે
મુખ્યમંત્રી પદ માટેના ઘણા દાવેદારો વચ્ચે અગ્નિમિત્રા પોલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ફેશન ડિઝાઇનરમાંથી રાજકારણી બનેલા અગ્નિમિત્રા પોલ ભાજપનો એક મજબૂત ચહેરો બનીને ઉભરી આવ્યા છે.
ફેશન ડિઝાઇનર અને ઉદ્યોગપતિ
અગ્નિમિત્રા પોલનો જન્મ 25 નવેમ્બર 1974 ના રોજ થયો હતો. અગ્નિમિત્રા પોલ ડૉ. અશોક રોયની પુત્રી છે. બોટનીમાં સ્નાતક થયા બાદ તેમણે ફેશન ટેકનોલોજીમાં ડિપ્લોમા કર્યો અને પછી એમબીએ પણ કર્યું છે. રાજકારણમાં પ્રવેશતા પૂર્વે તે કોલકાતા સ્થિત એક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અને ઉદ્યોગપતિ છે. તેમની બ્રાન્ડ, 'ઇંગા' ખૂબ જ લોકપ્રિય છે.
બોલિવૂડ ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા
આ ઉપરાંત તેમણે કોઈ મેરે દિલ સે પૂછે અને વાયા દાર્જિલિંગ જેવી બોલિવૂડ ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. તેમણે લેક્મે ફેશન વીકમાં પણ તેમના કલેક્શન પ્રદર્શિત કર્યા છે. તેમણે શ્રીદેવી, મિથુન ચક્રવર્તી અને કે કે મેનન સહિત અનેક સેલિબ્રિટીઝ માટે કામ કર્યું છે. તેમણે હિલેરી ક્લિન્ટનને શાલ અને ધાબળા પણ ભેટમાં આપ્યા હતા.
વર્ષ 2019 માં ભાજપમાં જોડાયા
તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો જણાશે કે, વર્ષ 2019 માં ભાજપમાં જોડાયા બાદ તેમની ટૂંક સમયમાં ભાજપ મહિલા મોરચાના રાજ્ય અધ્યક્ષ બન્યા હતા.આ સમયગાળા દરમિયાન તેમણે તમામ 23 જિલ્લાઓમાં મહિલાઓ માટે સ્વ-રક્ષણ કેમ્પનું આયોજન કર્યું હતી.
સાયોની ઘોષને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
તેમજ વર્ષ 2021 ની વિધાનસભા ચૂંટણીમાં તે આસનસોલ દક્ષિણ મતવિસ્તારમાંથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સાયોની ઘોષને હરાવીને પ્રથમ વખત વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા. તેમજ વર્ષ 2026 ની ચૂંટણીમાં તેમણે આ બેઠક પર મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો. જ્યારે જાન્યુઆરી 2026માં તેમને ભાજપના પશ્ચિમ બંગાળ એકમના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અગ્નિમિત્રા પોલના પતિ પાર્થો પોલ એક ઉદ્યોગ સાહસિક છે. તેમજ બે બાળકો છે.
અભિનેત્રી રૂપા ગાંગુલીનું નામ પણ ચર્ચામાં
હાલમાં ભાજપની જંગી જીત બાદ સુવેન્દુ અધિકારી, દિલીપ ઘોષ અને સમિક ભટ્ટાચાર્ય જેવા નેતાઓના નામ પણ મુખ્યમંત્રી પદ માટે સંભવિત ઉમેદવારો તરીકે ચર્ચામાં આવી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી પદ માટે અભિનેત્રી રૂપા ગાંગુલીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, અગ્નિમિત્રા પોલે મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં તેમનું કાર્ય અને પાર્ટીમાં તેમની વધતી જતી લોકપ્રિયતા તેમને એક મજબૂત દાવેદાર ગણે છે.