Sun Jul 26 2026

Logo

PM મોદીની મુલાકાત પહેલા ખેડૂતોના આંદોલનનો સંકેલો કરાવવા આવી સૂચના?

2026-07-02 11:03:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ મોરબીના  જેતપરમાં ખેડૂતો આશરે 15 દિવસથી આંદોલન કરી રહ્યા છે.  આંદોલનને વિવિધ સંગઠનો પણ સપોર્ટ આપી રહ્યા છે. બે દિવસ બાદ PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. PM મોદીની મુલાકાત પહેલા ખેડૂતોના આંદોલનનો સંકેલો કરાવવા સૂચના આવી હોવાની ચર્ચા શરૂ થઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વીજ પોલ નાંખવાના કારણે ખેતરમાં જેટલી જમીન ઓછી થાય છે તેના કારણે ખેડૂતોને નુકસાન જાય છે ત્યારે ખેડૂતોને વળતર જંગીના ભાવને આધારે ગણીને તેનાથી બમણું આપવું કે બજાર કિંમત પ્રમાણે આપવું, તેમજ વધારાનું પ્રોત્સાહન આપવું તે નક્કી કરવા અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.  PM મોદી 4 જુલાઈએ ગુજરાતની મુલાકાતે છે તે પહેલા વળતરની નીતિ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ખેતરમાં વીજ થાંભલા નાખ્યા બાદ અપૂરતા વળતરના મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સરકારે તેનો કાયમી ઉકેલ લાવવા કવાયત હાથ ધરી છે. પ્રવક્તા પ્રધાન જીતુ વાઘણીએ કહ્યું હતું કે, ખેડૂતોને કઈ રીતે યોગ્ય વળતર આપી શકાય તે માટે ઉચ્ચ સ્તરે મીટિંગનો દોર ચાલી રહ્યો છે અને લાંબાગાળાનો રાજ્યવ્યાપી સ્વીકૃત નિર્ણય કરી ટૂંક સમયમાં નીતિ જાહેર કરાશે.

કૃષિ પ્રધાન વાઘાણીએ જણાવ્યું કે, ખેડૂતોને વળતરનો મુદ્દો મુખ્ય છે અને ત માટે ખેડૂત સમિતિઓ તેમજ આંદોલન પર બેઠા છે તેમની માગણી પણ અમારા સુધી પહોંચી છે. ખેડૂતોના લાંબાગાળાના વિશાળ હિતમાં નિર્ણય થાય તે રીતે નીતિ જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં મોરબી, સાણંદ સહિત ઘણા વિસ્તારમાં ખેતરમાં વીજપોલ નાખવાના કારણે જે જમીન બિનઉપયોગી બની જાય છે તેની સામે ખેડૂતોને પૂરતું વળતર મળી રહ્યું નથી. આ મુદ્દે કેટલાક દિવસોથી ચાલી રહેલા આંદોલનને ભારતીય કિસાન સંઘ સહિત અનેક સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે. સરકારે આ બાબત ગંભીરતાથી લીધી છે.