Mon Jun 08 2026

Logo

પ્રેમલગ્નનાં બે વર્ષમાં જ ઢોરમાર મારી પત્નીની હત્યા: ફરાર પતિ પકડાયો...

2026-03-21 17:31:38
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રેમલગ્નનાં બે વર્ષમાં જ દારૂના નશામાં ચૂર પતિએ ઢોરમાર મારી પત્નીની કથિત હત્યા કરી હોવાની આંચકાજનક ઘટના વડાલામાં બની હતી. ઘટના બાદ ફરાર થઈ ગયેલા પતિને પોલીસે પકડી પાડ્યો હતો.વડાલા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મહેશ નારાયણ વાડ (34) તરીકે થઈ હતી. પત્ની કવિતા મહેશ વાડ (39)ના મૃત્યુ પછી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ અધિકારીઓની બે ટીમ તેની શોધમાં લાગી હતી. આખરે સગાને ઘેરથી તેને તાબામાં લેવાયો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર કવિતા રમેશ લોદી અને મહેશ વચ્ચે પ્રેમ હતો. બન્નેએ બે વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ દંપતી વડાલા પૂર્વમાં ગણેશ નગર ખાતે રહેતું હતું. મહેશને દારૂ પીવાનું વ્યસન હતું, જેને પગલે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.ફરિયાદમાં જણાવાયું હતું કે 13 માર્ચની બપોરે જ મહેશ દારૂના નશામાં ચૂર ઘરે પહોંચ્યો હતો. તે સમયે ફરી દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં મહેશે બેરહેમીથી કવિતાની પીટાઈ કરી હતી. પછી મોબાઈલ ફોન તેના મોઢા પર ફટકારી ઘરમાંથી જતો રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે સમયસર સારવાર મળી હોત તો કવિતા બચી ગઈ હોત.

તબીબી સારવાર પૂરી પાડવાને બદલે ગંભીર જખમી કવિતા પર આરોપીએ ધ્યાન આપ્યું નહોતું. કવિતા બેભાન થઈ જમીન પર ફસડાઈ પડ્યા પછી તેને કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ડૉક્ટરોનો પણ એવો જ અભિપ્રાય હતો કે મારપીટને કારણે ગંભીર ઇજા પામેલી કવિતાને સમયસર સારવાર મળી ન હોવાથી તેનું મૃત્યુ થયું હતું.
કવિતાના મૃતદેહનો પોસ્ટમોર્ટમનો અહેવાલ આવ્યા પછી નવી મુંબઈમાં રહેતા કવિતાના ભાઈ શુભમ લોદીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે વડાલા પોલીસે મંગળવારની સાંજે ગુનો નોંધ્યો હતો.