Wed Sep 02 2026

Logo

વરસાદી પાણીના નિકાલમાં આડે આવનારા બાંધકામનો સફાયો વિક્રોલીમાં નાળાને અડીને આવેલા ૩૯ બાંધકામ તોડી પડાયા

2026-02-18 20:13:39
Author: Sapna Desai
વરસાદી પાણીના નિકાલમાં આડે આવનારા બાંધકામનો સફાયો વિક્રોલીમાં નાળાને અડીને આવેલા ૩૯ બાંધકામ તોડી પડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિક્રોલી (પૂર્વ)માં ક્ધનમવાર નગર નાળાને અડીને ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલા ૪૩ બાંધકામમાંથી ૩૯ બાંધકામને પાલિકાના ‘એસ’ વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યા હતા. બાંધકામ તોડી પાડવાને કારણે હવે ૨૪૦ ચોરસ મીટર પરસિરમાં નાળાની સંરક્ષણ ભિંત ઊભી કરવા માટે જગ્યા  ઉપલબ્ધ થઈ છે.

મુંબઈમાં મોટા પ્રમાણમાં નાળા ઉપર અને નાળાને અડીને ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવતા હોય છે તેને કારણેચોમાસા દરમ્યાન વરસાદના પાણીનો નિકાલ થવામાં અવરોધ નિર્માણ થતો હોય છે અને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. તેથી પાલિકા દ્વારા નાળાને અડીને આવેલા તથા નાળા ઉપર બાંધવામાં આવેલા બાંધકામને તોડી પાડી તેના પર જાળી બેસાડવાનું તથા સંરક્ષણ દીવાલ બાંધવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. પાલિકાની આ કાર્યવાહી અંતર્ગત બુધવારે ‘એસ’ વોર્ડ દ્વારા વિક્રોલી પૂર્વમાં આ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

પાલિકાના ઝોન-છનાં ડેપ્યુટી કમિશનર સંતોષકુમાર ધોંડેએ જણાવ્યું હતું કે નાળાને અડીને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભા થઈ ગયા હતા. ચોમાસા દરમ્યાન આવા બાંધકામને કારણે વરસાદી પાણીનો નિકાલ નાળામાં થતો નથી અને પાણી રસ્તા પર તથા રહેણાંક વિસ્તારમાં ભરાઈ જવાની સમસ્યા નિર્માણ થતી હતી. તો અમુક જગ્યાએ લોકો નાળામાં જ કચરો ફેંકતા હોય છે અને તેને કારણે નાળામાં ચોકઅપ થઈને પાણી આગળ ખાડીમાં વહેતું રોકાઈ જાય છે. તેથી નાળાને અસર કરનારા બાંધકામ સામે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત મંગળવારે વિક્રોલી ક્ધનમવારમાં નાળાને અડીને આવેલા ૪૩ બાંધકામમાંથી ૩૯ બાંધકામને આંશિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા. બાકીના ચાર બાંધકામને પણ બહુ જલદી તોડી પાડવામાં આવશે. ખુલ્લી થયેલી જગ્યા પર હવે નાળાની સંરક્ષણ ભિંત ઊભી કરાશે. તેથી તેમા કોઈ કચરો પણ ફેંકી શકશે નહીં.