Fri Apr 17 2026

Logo

વિપક્ષમાં તેના નેતા સાથે કાર્યકર વન ટૂ વન ફોટો પડાવી આપે તો રાજનીતિ છોડી દઇશ: પૂનમ માડમ

2026-04-14 18:55:07
Author: Devayat Khatana
Article Image

ભાટિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 'વિકાસ સંકલ્પ સભા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જામનગર-દ્વારકા વિસ્તારના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા પૂનમબેન માડમે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ભાજપની વિકાસ ગાથા રજૂ કરી હતી. તેમણે દ્વારકા જિલ્લાની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ બેઠકે હંમેશા ભાજપને સૌથી વધુ લીડ આપીને મોટા મોટા રાજકીય પંડિતોની ભવિષ્યવાણીઓને ખોટી પાડી છે.

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જેમને કોંગ્રેસમાં કામ કરવાની આશા હોય તેમણે રાહુલ ગાંધીને લોકસભામાં બોલતા જોઈ લેવા જોઈએ, એટલે તેમના મનમાંથી બધા વહેમ નીકળી જશે. તેમણે ઉમેર્યું કે, જે લોકો સોનાની ચમચી લઈને જન્મ્યા છે અને જેમના પગ ક્યારેય જમીન પર પડ્યા નથી, તેમને દેશના સામાન્ય માણસના સંઘર્ષો કે ખેડૂતોની જરૂરિયાતોની શું ખબર હોય? વિપક્ષી નેતાઓ દેશની વાસ્તવિક પરિસ્થિતિથી તદ્દન અજાણ છે.

પાણીની સમસ્યા અને ખેડૂતોના પ્રશ્નો અંગે વાત કરતા તેમણે કહ્યું કે, એક સમયે અહીંથી લોકો પાણીના અભાવે સુરત કે અમદાવાદ સ્થળાંતર કરતા હતા, પરંતુ આજે ભાજપ સરકારની કામગીરીને કારણે લોકો પરત આવી રહ્યા છે. આજે ખેડૂતોને સરકાર પર 'ગળા સુધીનો' ભરોસો છે. જ્યારે પણ માવઠું કે કોઈ નુકસાન થાય ત્યારે ખેડૂત હકથી અમને ફોન કરે છે, કારણ કે તેમને ખબર છે કે તેમની વાત સરકાર સુધી પહોંચશે અને તેમને યોગ્ય વળતર મળશે.

ભાજપ અને વિપક્ષી નેતાઓ વચ્ચેનો તફાવત સમજાવતા પૂનમબેન માડમે પડકાર ફેંક્યો હતો કે, જો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના કાર્યકરો તેમના દિગ્ગજ નેતા સાથે ફોટો પડાવી આપે તો હું જાહેર જીવન છોડી દઈશ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, મોદીજી દરેક કાર્યકરને મળનારા અને સાંભળનારા નેતા છે. જ્યારે પણ કોઈ વિસ્તારના પ્રશ્નોની વાત આવે છે ત્યારે તેઓ સીધો સંવાદ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવે છે.