હેન્રી શાસ્ત્રી
91 વર્ષની ઉંમરે જીવનના રંગમંચ પરથી એક્ઝિટ લેનારાં વિજયા મહેતા રંગભૂમિ અને ચિત્રપટ સૃષ્ટિનું એક મૂઠી ઊંચેરું વ્યક્તિત્વ. એમની મુખ્ય ઓળખ ‘આધુનિક મરાઠી રંગભૂમિનાં જનની’ એ ખરું, પણ એ એકમાત્ર ઓળખ નહોતી. છ દાયકાની કારકિર્દીમાં રંગભૂમિ, સમાંતર સિનેમા અને ટેલિવિઝનના માધ્યમથી પર્ફોર્મિંગ આર્ટ્સ (પ્રસ્તુત થતું કલાસ્વરૂપ)માં ક્રાંતિ લાવનારાં પુરોગામી કલાકાર તરીકે એમને સમજવા અને ઓળખવા જોઈએ.
આમ તો વિજયા મહેતાની પ્રમુખ ઓળખ આધુનિક મરાઠી રંગભૂમિની જનની તરીકે છે, હકીકતમાં તો તેમને ‘માધ્યમનાં મહારાણી’ કહેવાં જોઈએ. દરેક માધ્યમમાં તેમણે ઠસ્સો ઉમટાવ્યો.અસાધારણ મોભો ધરાવતી મરાઠી નાટ્ય સૃષ્ટિના દિગ્ગજો ડૉ. શ્રીરામ લાગુ, અરવિંદ દેશપાંડે, વિજય તેંડુલકરના સહયોગથી પહેલા ‘રંગાયન’ અને ત્યાર બાદ ‘આવિષ્કાર’ નામની નાટ્યસંસ્થા શરૂ કરી.
આ પ્રયાસથી અનેક નવા અને વેગળી કેડી પકડનારા લેખક, દિગ્દર્શક અને અભિનેતાનું ઘડતર તો થયું જ, પ્રયોગશીલ નાટકોની પરંપરાનો પાયો નખાયો. એ પાયા પર ઊભી ચણાયેલી ઇમારતને કારણે મરાઠી નાટકો ઊંચો દરજ્જો-અનોખો આવકાર અને માનપાન મેળવવામાં સફળ રહ્યાં એ હકીકત છે. અદી મર્ઝબાન પાસે તાલીમ મેળવનારાં વિજયા મહેતાનું યોગદાન મુખ્યત્વે મરાઠી ભાષાની નાટ્યસૃષ્ટિમાં હોવા છતાં એમના વિશે જાણવાની અને એમાંથી પ્રેરણા લેવાની પ્રત્યેક કલા રસિકની ફરજ છે.
નલિની જયવંત અને શોભના સમર્થ તેમ જ નૂતન-તનુજા સાથે પારિવારિક સગપણ અને પહેલા લગ્નથી દુર્ગા ખોટે તેમનાં સાસુ હતાં. આમ મુખ્ય પ્રવાહની ફિલ્મોના વાતાવરણ વચ્ચે ઉછેર થયો હોવા છતાં તેમને લગાવ રંગભૂમિ પ્રત્યે બંધાયો. નાટ્ય સૃષ્ટિમાં વિશાળ ફલક પર કામ કરી, પ્રશંસા અને પ્રતિષ્ઠા મેળવ્યા પછી વિજયા મહેતા રંગભૂમિ પૂરતા સીમિત ન રહ્યાં. ચિત્રપટ સૃષ્ટિમાં પ્રયોગાત્મક વલણ જારી રાખ્યું.
શશી કપૂર-શ્યામ બેનેગલની ‘કલયુગ’ અને ગોવિંદ નિહલાનીની ‘પાર્ટી’માં તેમ જ પોતે દિગ્દર્શિત કરેલી ‘રાવ સાહેબ’માં અભિનય કર્યો. ‘રાવ સાહેબ’ના રોલ માટે તો શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. દિગ્દર્શક તરીકે પણ યોગદાન આપ્યું. અભિનયમાં ઊંચાઈ સર કરનારા નાના પાટેકર, અશોક સરાફ, રીમા લાગુ, શબાના આઝમી અને અનુપમ ખેરના પ્રારંભકાળ ઘડતરમાં વિજયા બાઈ (બાઈ એટલે મૅડમ)નો મોટો ફાળો રહ્યો છે.
વિજયા મહેતા ડિરેક્ટર તરીકે કેવાં નોખાં હતાં એ શબાના આઝમીના વક્તવ્યમાં ઊડીને આંખે વળગે છે. બાઈની ‘પેસ્તનજી’ ફિલ્મમાં શબાનાએ જેરુની ભૂમિકા કરી હતી. ‘અંકુર’, ‘નિશાંત’ જેવી સમાંતર સિનેમાની ફિલ્મો અને ‘પરવરીશ’, ‘અમર અકબર ઍન્થની’ જેવી મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાં સંતુલન જાળવી રાખતી શબાનાએ ભાભી તન્વી આઝમીના કહેવાથી ખાસ ‘રાવ સાહેબ’ ફિલ્મ જોઈ હતી. અભિનેત્રી ઉષા કિરણની દીકરી તન્વીએ શબાનાના ભાઈ બાબા આઝમી સાથે 1985માં લગ્ન કર્યાં હતાં.
શબાનાને ફિલ્મ એટલી પસંદ પડી કે વિજયા મહેતા સાથે કામ કરવું જ છે એવી ગાંઠ તેણે વાળી લીધી. જ્યારે જ્યારે વિજયબાઈને મળવાનું થતું ત્યારે તમારી આગામી ફિલ્મમાં મને તક આપજો એવું જરૂર કહેતી. બાઈએ જ્યારે ‘પેસ્તનજી’ માટે જેરુનો રોલ શબાનાને ઑફર કર્યો ત્યારે શબાના રાજી તો થઈ, પણ એક પારસી મહિલા વિશે બારીકાઈથી જાણવાનો અને ડિરેક્ટરના સૂચનનો આગ્રહ રાખ્યો. અહીં બાઈ અલગ તરી આવ્યાં.
આમ કરવું ને તેમ ન કરવું જેવી શિખામણોનો ફુવારો છોડવાને બદલે વિજયાબાઈ શબાનાને પારસી મિત્રોના એક ફંક્શનમાં લઈ ગયાં, જેથી અભિનેત્રી ચુપચાપ પારસી મહિલાઓની બોલવાની લઢણ, એમનું વર્તન સમજી અપનાવી શકે.આ પ્રસંગના થોડા દિવસ પછી વિજયા મહેતા શબાનાને ઘરે ગયાં અને પાત્રની બૅકસ્ટોરી (પાત્રનું ઘડતર) સમજાવી અને જેરુનું સમગ્ર વ્યક્તિત્વ શબાના આઝમીમાં ઊતરી આવ્યું. આ પ્રક્રિયાને કારણે અભિનેત્રીને પાત્ર સાકાર કરવામાં આસાની રહી. શબાના આઝમી પોતાના પ્રિય પાત્રોમાં જેરુનો ઉલ્લેખ અચૂક કરતાં.
અનુપમ ખેરને વિજયબાઈની ‘રાવ સાહેબ’માં કામ કરવાની તક મળી ત્યારે કેટલોક અનુભવ એમની ગાંઠે બંધાઈ ગયો હતો. મહેશ ભટ્ટની ‘સારાંશ’, રાહુલ રવૈલની ‘અર્જુન’, મુકુલ આનંદની ‘ઐતબાર’ જેવી ફિલ્મોથી આત્મવિશ્વાસ પણ વધી ગયો હતો. ‘ઍક્ટિંગ તો અભી આતા હૈ...’ જેવી વાત હતી. એક ઇન્ટરવ્યૂમાં મિસ્ટર ખેરે જણાવ્યું હતું કે ‘વિજયાજીની ફિલ્મ ઑફર થઈ ત્યારે કેટલીક ફિલ્મો કરી હોવાથી થોડો ઘડાઈ ગયો છું એવું માનતો હતો.
જોકે, વિજયા મહેતા સાથેના પ્રત્યેક રિહર્સલ પછી અભિનયનો સાગર કેટલો વિશાળ અને અગાધ છે એનો મને પરિચય થયો. એમના જ્ઞાન, માનવીય સ્વભાવ અને વર્તન વિશેની એમની સમજ અને એમની ગજબનાક સંવેદનશીલતા જોઈ હું ફરીથી ઍક્ટિંગનો વિદ્યાર્થી બની ગયો અને મને ઘણું શીખવા મળ્યું.’
વિજયા મહેતાના જીવન પ્રવાસ પર આધારિત ‘बाई - एका रंगपर्वाचा मनोहर प्रवास’ નામના 2016માં પ્રકાશિત થયેલા પુસ્તકમાં નાના પાટેકરે તેમના વિષે થોડા શબ્દોમાં બહુ મોટી પણ અત્યંત હૃદયસ્પર્શી વાત કરી છે.નાના પાટેકરએ લખ્યું છે કે ‘માની આંગળી પકડી રંગભૂમિ પર પહેલું પગલું ક્યારે માંડી દીધું એની ખબર જ ન પડી. ક્યારેક સંતુલન જતું રહે ત્યારે ગભરાઈ જતો.
પછી મેં મારી માની આંગળી મુઠ્ઠીમાં એકદમ ટાઇટ પકડી લીધી અને ચાલવા લાગ્યો. પડી જવાનો ડર વરાળ થઈ ઊડી ગયો. રંગભૂમિ પર બિન્ધાસ્ત ઘૂમવા લાગ્યો. મને ખબર પણ ન પડે એ રીતે પોતાની આંગળી માએ સેરવી લીધી. મારી મુઠ્ઠી એવી જ રીતે બંધ રહી. આજે અનેક વર્ષ પછી પણ એ મુઠ્ઠી બંધ જ છે. મનમાં વિશ્ર્વાસ છે, ખાતરી છે કે મારી મુઠ્ઠીમાં માની આંગળી છે. એટલે જ આજે પણ પડી જવાની બીક નથી લગતી.’
આ વાત દ્વારા એક સર્જક અને એક કલાકાર વચ્ચેનો નાતો કેવો અદ્ભુત હોઈ શકે છે એ આના પરથી સમજાય છે. સાથે સાથે વિજયાબાઈ એક દિગ્દર્શક તરીકે કેવી ઊંચાઈ પર હતાં એ સમજાય છે.
ગુણવાન સર્જકને માધ્યમથી બહુ ફેર નથી પડતો. એમની ગુણવત્તાની ઊંચાઈ દરેક જગ્યાએ વર્તાઈ આવે. રંગભૂમિ પર વિવિધ પ્રકારનાં નાટકો, હિન્દી ફિલ્મોમાં પ્રભાવ પાડનારા વિજયાબાઈએ ટીવી સિરિયલમાં પણ હાથ અજમાવ્યો. મેડિકલ પ્રોફેશનને કેન્દ્રમાં રાખી તેમણે દૂરદર્શન માટે તૈયાર કરેલી સિરિયલ ‘લાઇફલાઇન’ એક મિસાલ બની પ્રથમ ‘ઑથેન્ટિક મેડિકલ ડ્રામા’નું બિરુદ ધરાવે છે.