Sun Sep 13 2026

Logo

વિધાનભવનના બજેટ સેશન માટેના બનાવટી પાસના રૅકેટમાં પાંચ પકડાયા

2026-03-27 20:38:00
Author: Yogesh C. Patel
વિધાનભવનના બજેટ સેશન માટેના બનાવટી પાસના રૅકેટમાં પાંચ પકડાયા

મુંબઈ: ઔદ્યોગિક વિભાગ દ્વારા આપવામાં આવેલા બોગસ લેટરના આધાર પર વિધાનભવનના બજેટ સત્ર માટેના બનાવટી એન્ટ્રી પાસ કથિત રીતે તૈયાર કરવાના રૅકેટમાં પોલીસે મંત્રાલયના કર્મચારીઓ સહિત પાંચની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ક્લર્ક અને પ્યૂને મહારાષ્ટ્ર ઈન્ડિસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી)ના નામે બોગસ લેટર બનાવી લગભગ 30 બનાવટી પાસ ઈશ્યુ કરવાનું કથિત કાવતરું ઘડ્યું હતું. 
મરીન ડ્રાઈવ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં દત્તાત્રય કેશવ ગુંજાલ (53), બે પ્યૂન ગણપત ભાઉ જાવલે (50) અને નાગેશ શિવાજી પાટીલ (42), ક્લર્ક મનોજ આનંદા મોરબાલે (40) અને સ્વપ્નિલ રમેશ તાયડે (40)નો સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસ મંત્રાલયના બે કર્મચારીઓની શોધ ચલાવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ ગુંજાલે પાસ પર પોતાનું નામ લખ્યું હતું. પાસ પર હોદ્દા તરીકે મુખ્ય પ્રધાન કાર્યાલયના એડવાઈઝર લખીને તેની તસવીર સાથે મંત્રાલયનો સ્ટૅમ્પ માર્યો હતો. આવું ત્યારે જ શક્ય છે, જ્યારે મંત્રાલયના કર્મચારીની આ રૅકેટમાં સંડોવણી હોય, એવું પોલીસનું કહેવું છે.

આ મામલે લોકલ આર્મ્સમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓની બુધવારે જ ધરપકડ કરવામાં આવી હોવાથી તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.