Thu Sep 17 2026

Logo

વસઈ-વિરાર માટે સુધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાનું કામ ચાલુ છે: મહારાષ્ટ્રના પ્રધાન

2026-03-18 19:29:09
Author: Vipul Vaidya
વસઈ-વિરાર માટે સુધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાનું કામ ચાલુ છે: મહારાષ્ટ્રના પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે પાલઘર જિલ્લામાં આવેલા વસઈ-વિરાર મહાનગરપાલિકા વિસ્તાર માટે સુધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થશે. નગર વિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળે વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાનો ઇરાદો ઓક્ટોબર 2023માં જાહેર કરવામાં આવ્યો હતો અને પ્રારંભિક તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે 22 ઓક્ટોબર, 2025ના રોજ ડેપ્યુટી ડિરેક્ટર કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ એક ટીમની નિમણૂક કરવામાં આવી હતી અને હાલમાં તે યોજના પર કામ કરી રહી છે.

રાજન નાઈક દ્વારા ધ્યાનાકર્ષક નોટિસ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે નિષ્ણાત માનવશક્તિની અછત દર્શાવી હતી અને મહારાષ્ટ્ર પ્રાદેશિક અને નગર આયોજન (એમઆરટીપી) કાયદાની જોગવાઈઓ હેઠળ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એક સમિતિની રચના કરવાની માગણી કરી હતી. ચર્ચામાં ભાગ લેતા, સ્નેહા દુબે અને યોગેશ સાગરે સંબંધિત ચિંતાઓ વ્યક્ત કરી હતી. ચર્ચાનો જવાબ આપતા, મિસાળે જણાવ્યું હતું કે વિકાસ યોજનામાં હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટનો સમાવેશ થાય છે અને ભવિષ્યમાં થતા ફેરફારોમાં તેનો સમાવેશ થશે.

તેમણે ઉમેર્યું હતું કે યોજનાની ગુણવત્તા સુનિશ્ર્ચિત કરવા માટે એક સલાહકારની નિમણૂક કરવામાં આવી છે અને ગ્રીન ઝોન જેવા મુદ્દાઓની સમીક્ષા કરવા માટે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર મહાનગરપાલિકા માટે આઈએએસ-રેન્કના મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવાની માગણી પર સકારાત્મક વિચાર કરશે.