Mon Sep 14 2026

Logo

કિંમત ચૂકવવી પડશે: મોંઘવારી પર શરદ પવારની ચેતવણી

2026-06-07 19:06:33
Author: Vipul Vaidya
કિંમત ચૂકવવી પડશે: મોંઘવારી પર શરદ પવારની ચેતવણી

આખી દુનિયામાં પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવ વધ્યા છે: ફડણવીસનો બચાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દેશ અને રાજ્યમાં મોંઘવારી વધી રહી છે. થોડા દિવસો પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધતી મોંઘવારી સામે રાજ્યમાં વિપક્ષ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ બધી પૃષ્ઠભૂમિમાં બોલતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રમુખ શરદ પવારે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે મોંધવારીની રાજકીય કિંમત શાસક પક્ષને યોગ્ય સમયે ખબર પડશે.

દેશભરમાં વધતી મોંઘવારી પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. મોંઘવારી વધી રહી છે, તેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે. વડા પ્રધાને પહેલા કહ્યું હતું કે અમે મોંઘવારી પર નિયંત્રણ મેળવી રહ્યા છીએ. નિયંત્રિત એટલે કે તેમનો ફોર્મ્યુલા તબક્કાવાર આ આંચકો આપવાનો છે, એમ જણાવતાં શરદ પવારે કહ્યું હતું કે આની રાજકીય કિંમત શાસક પક્ષને યોગ્ય સમયે ખબર પડશે. દરમિયાન, શરદ પવારના નિવેદન પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાનો જવાબ આપ્યો છે. 

દુનિયામાં યુદ્ધ જેવી સ્થિતિ છે. તેથી, દુનિયામાં એક પણ દેશ એવો નથી જ્યાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થયો નથી. દરેક જગ્યાએ તે વધ્યા છે. કેન્દ્ર સરકાર ચોક્કસપણે આ અંગે ચિંતિત છે, એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. 

અલ નીનો પર શું કહ્યું?

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ વખતે ચોમાસું અલ નીનોના પ્રભાવ હેઠળ છે. આ અલ નીનોનું વર્ષ છે. જોકે સરેરાશ વરસાદ 92 ટકા થવાનો અંદાજ છે, મરાઠવાડા, પશ્ર્ચિમ વિદર્ભના કેટલાક જિલ્લાઓ અને ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં છે. આ વિસ્તારોમાં ઓછા વરસાદની શક્યતા છે. ખેડૂતોને સતત સાવચેત રહેવાનું કહેવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતો પર બે વાર વાવણી કરવાની સ્થિતિ ન આવે. ઓછા વરસાદમાં પણ મહત્તમ નુકસાન કેવી રીતે ટાળી શકાય? આ માટે પ્રયાસો ચાલી રહ્યા છે, એમ પણ તેમણે કહ્યું હતું.