Mon Jun 08 2026

Logo

OJAS Registration: સરકારી ભરતી માટે ઓજસ પર OTR કઈ રીતે કરવું? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

2026-06-07 22:43:22
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાત સરકારની જગ્યાઓ પર ભરતીનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગુજરાત એસટી નિગમ (GSRTC) તેમજ પંચાયત વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તમામ ભરતી પ્રક્રિયાઓ માટે સરકારના ઓજસ પોર્ટલ (OJAS Portal) ઓનલાઈન અરજી કરવાની (OJAS apply) રહે છે. ઘણા યુવાનોને મન આ ખૂબ અઘરી પ્રક્રિયા હોવાનો ભય રહેલો છે અને આથી જ તેઓ ઘણીવાર સાયબર કાફેમાં પૈસા આપીને ફોર્મ ભરાવતા હોય છે. પણ આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. 

ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી ભરતીની અરજીઓ માટે OJAS એટલે કે Online Job Application System પોર્ટલ બનાવવામાં આવ્યું છે. OJAS પોર્ટલ પર કોઈપણ ઉમેદવારે અરજી કરવાની રહે છે, અરજી કરવા માટે સરળતા લાવવા અહી તમને One Time Registration એટલે કે (OTR)નો ઓપ્શન મળે છે. OTR પ્રક્રિયા ખૂબ જ સરળ છે. OTR કરવાથી ઉમેદવારે દરેક નવી સરકારી ભરતી વખતે પોતાની પાયાની માહિતી વારંવાર ભરવી પડતી નથી. જો તમે પણ નવા ઉમેદવાર છો તો આ આર્ટીકલ તમારા માટે જરૂરી બની રહેવાનો છે, કારણ કે અહી આપણે જાણીશું કે OTR કઇ રીતે કરી શકાય?

OTR માટેની જરૂરી વિગતો
રજિસ્ટ્રેશન શરૂ કરતા પહેલાં નીચેની વસ્તુઓ તૈયાર રાખો:
પાસપોર્ટ સાઇઝનો સ્કેન કરેલો ફોટો (15 KB થી ઓછી સાઇઝ, .jpg ફોર્મેટ)
સ્કેન કરેલી સહી (15 KB થી ઓછી સાઇઝ, .jpg ફોર્મેટ)
શૈક્ષણિક માર્કશીટ અને અન્ય પ્રમાણપત્રો (માહિતી ભરવા માટે)
ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી

OTR કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ પર જાવ
સૌથી પહેલાં તમારા કમ્પ્યુટર કે મોબાઈલના બ્રાઉઝરમાં OJAS ની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ખોલો.

સ્ટેપ 2: Registration મેનુ પસંદ કરો
હોમપેજ પર ઉપરની બાજુ મેનુમાં "Registration" વિકલ્પ પર ક્લિક કરો. ત્યાં ડ્રોપ-ડાઉન મેનુમાંથી "Apply" વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 3: સૂચનાઓ વાંચો
હવે તમારી સ્ક્રીન પર OTR ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ દેખાશે. આ બધી સૂચનાઓ ધ્યાનથી વાંચીને નીચે આપેલા "I Agree" (હું સંમત છું) બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4: વ્યક્તિગત માહિતી ભરો
હવે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં તમારે નીચેની માહિતી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે (નોંધ: ફૂદડી * વાળી વિગતો ભરવી ફરજિયાત છે):

નામ: તમારું નામ, પિતા/પતિનું નામ અને અટક (માર્કશીટ મુજબ)
માતાનું નામ
લિંગ અને જન્મ તારીખ 
કેટેગરી: General, SC, ST, SEBC, અથવા EWS 

સ્ટેપ 5: સંપર્કની વિગતો 
તમારું હાલનું સરનામું  અને કાયમી સરનામું  પિનકોડ સાથે લખો.
તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો. ભવિષ્યમાં પરીક્ષાની તમામ માહિતી અને OTP આ જ નંબર પર આવશે, તેથી તે સાચો હોવો જરૂરી છે.

સ્ટેપ 6: અન્ય વિગતો (Other Details)
જો તમને રમતગમત (Sports), શારીરિક વિકલાંગતા (Physically Handicapped), માજી સૈનિક (Ex-Serviceman) કે વિધવા (Widow) અંગેની કોઈ વિશેષ કેટેગરી લાગુ પડતી હોય, તો તેની માહિતી અહીં આપો. જો લાગુ ન પડતું હોય તો 'Not Applicable' પસંદ કરો.

સ્ટેપ 7: ભાષાની જાણકારી
તમને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા વાંચતા, લખતા  અને બોલતા આવડે છે કે નહીં તે મુજબના ચેકબૉક્સ પર ટિક કરો.

સ્ટેપ 8: ફોટો અને સહી અપલોડ કરો
તૈયાર રાખેલો તમારો ફોટો અને સહી નિયત સાઈઝ (15 KB થી ઓછી) માં અપલોડ કરો.

સ્ટેપ 9: ફોર્મ ચેક કરો અને સેવ કરો
બધી જ માહિતી એકવાર ફરીથી બરાબર ચેક કરી લો જેથી કોઈ ભૂલ ન રહે. અંતે, નીચે આપેલા "Save" બટન પર ક્લિક કરો.

 રજિસ્ટ્રેશન પૂર્ણ
જેવું તમે 'Save' કરશો, કે તરત જ સ્ક્રીન પર તમારો Registration Number (OTR Number) દેખાશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS પણ આવશે.

ખાસ નોંધ
આ OTR નંબર અને જન્મતારીખનો ઉપયોગ કરીને તમે ભવિષ્યમાં OJAS પર આવતી કોઈપણ સરકારી ભરતીમાં સીધી જ અરજી કરી શકશો. આ નંબરને સુરક્ષિત જગ્યાએ લખીને સાચવી રાખો.