Mon Sep 07 2026

Logo

વાપીમાં ફોન બદલી આપવાની તકરારમાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઃ ત્રણ શખસ સામે ફરિયાદ

2026-08-13 20:17:51
Author: Devayat Khatana
વાપીમાં ફોન બદલી આપવાની તકરારમાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઃ ત્રણ શખસ સામે ફરિયાદ

Gemini AI Generated Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: વલસાડ જિલ્લાના વાપીમાં એક મોબાઈલની દુકાનમાં ગ્રાહકના ફોનની તકરાર મામલે પત્રકારની ઓળખ આપીને ત્રણ શખ્સોએ દાદાગીરી કરી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દુકાનદાર અને તેના સ્ટાફ સાથે ગાળાગાળી કરી, ધક્કામુક્કી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 11 ઓગસ્ટના રોજ રાત્રે વાપીના વૈશાલી ચાર રસ્તા પાસે ગોદાલ નગર ગેટ નંબર-2 નજીક આવેલી 'ગુજરાત મોબાઈલ' નામની દુકાનમાં બની હતી.  

વલસાડમાં રહેતા અને દુકાનના માલિક રાહુલકુમાર વિનોદભાઈ પ્રજાપતિ (ઉ.વ. 33) દ્વારા નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત 7 ઓગસ્ટના રોજ શિવ મુહરત ગુપ્તા નામનો ગ્રાહક મોબાઈલમાં ધીમું ચાર્જિંગ થવાની ફરિયાદ લઈને આવ્યો હતો. દુકાનના ફ્લોર મેનેજરે ગ્રાહકને વોરંટી માટે કંપનીના સર્વિસ સેન્ટરમાં જવાની સલાહ આપી હતી, પરંતુ ગ્રાહક ફોન બદલી આપવાની જીદ કરી રહ્યો હતો. ત્યારબાદ, 11 ઓગસ્ટના રોજ રાત્રે રાકેશ ઉત્તમ સાલ્વે, અંજની વિશ્વનાથ શર્મા અને સંદીપ કુંડલીક નામના ત્રણ ઈસમો દુકાને આવ્યા હતા. તેઓએ પોતાને 'સાલાસર ન્યૂઝ'ના પત્રકાર તરીકે ઓળખાવી ફોન ફરજિયાત બદલી આપવા માટે દાદાગીરી શરૂ કરી હતી અને દુકાનદાર તેમજ સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી.  

આ ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને દુકાનદારને દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, જો દુકાનની બહાર નીકળશો તો હાથ-પગ ભાંગી નાખી, જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી અને સ્ટાફ સાથે બળજબરી કરી ધક્કામુક્કી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાતાવરણ તંગ બનતા અને ગભરાઈ ગયેલા દુકાનદારે તાત્કાલિક 112 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. વાપી ટાઉન પોલીસે રાહુલકુમારની ફરિયાદના આધારે રાકેશ સાલ્વે, અંજની શર્મા અને સંદીપ કુંડલીક સામે બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.