અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. આ દરમિયાન આજે સવારે 6 થી 8 ના સમયગાળા દરમિયાન 29 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડમાં માત્ર બે કલાકમાં 6.10 ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
વલસાડમાં માત્ર બે કલાકના ટૂંકા સમયગાળામાં સાંબેલાધારે 6 ઇંચ જેટલા ખાબકેલા વરસાદથી પાણી-પાણી થઈ ગયું હતું. ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા થે. શહેરના છીપવાડ, તિથલ રોડ, કાશ્મીરા નગર, અને સ્ટેશન રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં લોકોના ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે.
માત્ર બે કલાકમાં જ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. અંડરપાસોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો ફસાઈ ગયા હતા, જેના લીધે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઓફિસે અને કામે નીકળેલા નાગરિકો અધવચ્ચે જ અટવાઈ પડ્યા હતા. બજારના વિસ્તારોમાં દુકાનોની અંદર પાણી ભરાઈ જતાં વેપારીઓનો હજારો રૂપિયાનો માલ પલળી ગયો છે, જેના કારણે વેપારી આલમમાં ચિંતાનો માહોલ છે.
ક્યાં કેટલો વરસાદ વરસ્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, સવારે 6 થી 8 દરમિયાન 29 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વલસાડમાં સૌથી વધુ 6.10 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય ડાંગમાં 3.11 ઇંચ, ગણદેવીમાં 2.17 ઇંચ, પારડીમાં 2.13 ઇંચ, નાનાપોંઢામાં 2.05 ઇંચ, મહુવામાં 1.97 ઇંચ, કપરાડામાં 1.81 ઇંચ, ડોલવણમાં 1.81 ઇંચ, વાપીમાં 1.65 ઇંચ, પલસાણામાં 1.18 ઇંચ, અંબિકામાં 1.18 ઇંચ, બારડોલીમાં 1.18 ઇંચ, વઘાઈમાં 1.06 ઇંચ, ધરમપુરમાં 0.87 ઇંચ, વાંસદામાં 0.79 ઇંચ, ઉમરગાવમાં 0.67 ઇંચ, પાટણ-વેરાવળમાં 0.67 ઇંચ, વ્યારામાં 0.63 ઇંચ, વાલોદમાાં 0.63 ઇંચ, સુબીરમાં 0.39 ઇંચ, ખેરગામમાં 0.35 ઇંચ, ચોર્યાસીમાં 0.31 ઇંચ, માળીયા હાટીનામાં 0.28 ઇંચ, કામરેજમાં 0.28 ઇંચ, કોડીનારમાં 0.20 ઇંચ, જલાલપોરમાં 0.16 ઇંચ, ચીખલીમાં 0.16 ઇંચ વરસાદ પડ્યો હતો.