વડોદરાઃ દક્ષિણ વડોદરાથી સુરતના ઓલપાડ સુધી 765 KV ની હાઈ-ટેન્શન વીજ ટ્રાંસમિશન લાઈન માટેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં વડોદરા તાલુકાના ભાવપુરા ગામની સીમમાં મસમોટા લોખંડના વીજટાવર તથા કેબલ્સ નાંખવા માટે કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના પાવર ગ્રીડના નેજા અંતર્ગત ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. TLL કંપની દ્વારા કામ ચાલી રહ્યું હતું એવામાં શ્રમિકો સીમમાં વીજલાઈનનું કામ કરી રહ્યા હતા એ સમયે ગોઝારી ઘટના બની હતી. વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના મૃત્યુ નીપજ્યા હતા. આ શ્રમિકો પશ્ચિમ બંગાળના હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા સારવાર હેતું લઈ જવાયા
આ કેસમાં પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાઇટેન્શન લાઇન માટે કેબલ ખેંચવાની અને વીજ થાંભલાને લોક કરીને ઊભા કરવાનું કામ ચાલી રહ્યું હતું. એ સમયે અચાનક મસમોટા લોખંડના થાંભલાનો પાયો હલવા લાગ્યો હતો.
સંતુલન ખોરવાઈ જતાં આખો થાંભલો પ્રચંડ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. થાંભલા પર અને તેની આસપાસ કામ કરી રહેલા 6 જેટલા શ્રમિકો લોખંડના જુદા જુદા એંગલ વચ્ચે આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના સીમ વિસ્તારના ખેડૂતો અને મજૂરો લોહીલુહાણ શ્રમિકોને બચાવવા દોડી ગયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માથાના ભાગે અને શરીરના અન્ય ભાગ પર ગંભીર ઈજા થવાના કારણે ત્રણ શ્રમિકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકોની સારવાર ચાલું છે.
કંપનીએ મૌનવ્રત સેવી લીધું
માહિતી એવી પણ મળી રહી છે કે, આ ત્રણેય શ્રમિકોની હાલ ગંભીર છે. TLLકંપનીના તથા પાવર ગ્રીડના જવાબદાર અધિકારીઓ પર આવી બેદરકારીને લઈને સવાલ થઈ રહ્યા છે. આ મુદ્દે જ્યારે એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે કંપનીએ મૌનવ્રત સેવી લીધું હતું. સમગ્ર ઘટનાની ગંભીરને ધ્યાને લઈને ડભોઈ પોલીસની ટીમે તપાસ શરૂ કરી દીધી છે. FSLની મદદ લેવામાં આવી રહી છે. આવી બેદરકારીને લઈને જ્યારે સવાલ સામે આવ્યા ત્યારે હવે કંપનીની જવાબદારી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. છેવાડાના વિસ્તાર સુધી વીજલાઈન પહોંચે એ હેતું સાથે કામ થઈ રહ્યું છે, પણ આ પ્રકારની બેદરકારીને કારણે શ્રમિકોના અકાળે મોત નીપજી રહ્યા છે જે યોગ્ય નથી.