અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 12 થી 2 કલાક દરમિયાન 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને હાલાકી પડી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 12 થી 2 કલાકના સમયગાળા દરમિયાન સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 1.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 1.30 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 1.10 ઇંચ, મહેસાણાના સતલાસણમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો.
48 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. જાંબુઘોડામાં 0.83 ઇંચ, વિજયાનગરમાં 0.71 ઇંચ, પોશીનામાં 0.71 ઇંચ, દાંતામાં 0.67 ઇંચ, ભીલોડામાં 0.55 ઇંચ, મેઘરજમાં 0.47 ઇંચ, અમીરગઢમાં 0.47 ઇંચ, વલસાડમાં 0.43 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં સિઝનનો કેટલો સરેરાશ વરસાદ
રાજ્યમાં સિઝનનો સરેરાશ 71.48 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 29.05 ટકા, ઉત્તર ગુજરાતમાં 52.11 ટકા, પૂર્વ મધ્યમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 54.79 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 98.21 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
અંબાલાલે શું કરી છે આગાહી
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 13 ઓગસ્ટથી ગુજરાતમાં મોન્સૂન બ્રેક આવશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં ફરી પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. 22 અને 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે. 25 થી 28 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાને કારણે વરસાદનું જોર વધશે. 31 ઓગસ્ટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના પ્રારંભ સાથે વરસાદી માહોલ રહેશે.
સપ્ટેમ્બરમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ ચાલુ રહેશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 2 અને 7 સપ્ટેમ્બરે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. રક્ષાબંધનના દિવસે પણ વરસાદ રહી શકે છે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.