નવી દિલ્હીઃ ગત જુલાઈ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ માસાનુમાસ ધોરણે 15 ટકા ઘટીને રૂ. 24,697 કરોડનો રહ્યો હતો, જ્યારે આ પૂર્વના જૂન મહિનામાં આંતરપ્રવાહ રૂ. 28,973 કરોડની સપાટીએ રહ્યો હોવાનું ઔદ્યોગિક સંગઠન એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
જુલાઈ મહિનાની આંકડાકીય માહિતીને ધ્યાનમાં લેતા એકંદરે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટમાં આંતરપ્રવાહ મક્કમ ધોરણે જળવાઈ રહ્યો છે, પરંતુ તેની ગતિ મંદ પડી છે. એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત જુલાઈ મહિનામાં ઈક્વિટી કેટેગરીમાં સ્મોલકેપ ફંડોમાં સૌથી વધુ રૂ. 7768 કરોડનો ચોખ્ખો આંતરપ્રવાહ આકર્ષાયો હતો. ત્યાર બાદ અનુક્રમે મિડકેપ ફંડમાં રૂ. 6192 કરોડનો, ફ્લેક્સિકેપ ફંડમાં રૂ. 4710 કરોડનો અને લાર્જકેપ ફંડમાં રૂ. 1322 કરોડનો આંતરપ્રવાહ આકર્ષાયો હતો.
જુલાઈ મહિનાના મ્યુચ્યુઅલ ફંડના ડેટા અપેક્ષાનુસાર જોવા મળ્યા છે. રોકાણકારોનું ડાઈવર્સિફાઈડ ઈક્વિટી કેટેગરીમાં આકર્ષણ જળવાઈ રહ્યું હોવાનું જર્મિનેટ ઈન્વેસ્ટર સર્વિસીસનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંતોષ જોસેફે જણાવ્યું હતું. એકંદરે ગત જુલાઈ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ભારે ટર્નએરાઉન્ડ રહેતાં આગલા જૂન મહિનાના કુલ રૂ. 52,949 કરોડનાં આંતરપ્રવાહ સામે રૂ. 2.36 લાખ કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. જેમાં મુખ્યત્વે ડેબ્ટ ઓરિએન્ટેડ સ્કીમમાં ગત જૂન મહિનામાં જોવા મળેલા રૂ. 1.09 લાખ કરોડના બાહ્યપ્રવાહ સામે રૂ. 1.88 લાખ કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.
વધુમાં એમ્ફીની આંકડાકીય માહિતી મુજબ ગત જુલાઈના અંતે ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટ જે જૂનના અંતે રૂ. 85.22 લાખ કરોડની હતી તે વધીને 85.76 લાખ કરોડની સપાટીએ રહી હતી. તેમ જ ગત જુલાઈ મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ આગલા જૂન મહિનાના રૂ. 3443 કરોડ સામે ઘટીને રૂ. 1559 કરોડની સપાટીએ રહ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.