મુંબઈઃ મુંબઈમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે ઘાટકોપર વિસ્તારમાંથી એક અત્યંત કરૂણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘાટકોપર-કુરલા રોડ નજીક આવેલા અશોક નગર સ્થિત 'ગૌશિયા ચાલ' પર બુધવારે વહેલી સવારે આશરે 3.48 વાગ્યાના સુમારે અચાનક પહાડમાંથી ભેખડ ધસી પડી હતી. આ હોનારતમાં ચાલના અનેક ઘરો કાટમાળ નીચે દબાઈ જતાં અત્યાર સુધીમાં ૬ લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાના સમાચાર મળતાં જ પોલીસ, એનડીઆરએફ, મુંબઈ ફાયર બ્રિગેડ અને મુંબઈ મહાનગર પાલિકાની ટીમોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. રાજાવાડી હોસ્પિટલમાંથી મળતી અધિકૃત માહિતી અનુસાર, મલબામાંથી બહાર કાઢવામાં આવેલા ૬ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
ચાર ઘાયલોની સારવાર
કુર્લા ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઈજાગ્રસ્તોમાં સોહેલ અંસારી (18 વર્ષ), મોહમ્મદ અંસારી (14 વર્ષ), નૈમુદ્દીન ઈકબાલ ખાન (28 વર્ષ) અને સાજિદ અંસારી (16 વર્ષ)નો સમાવેશ થાય છે. તબીબોના જણાવ્યા મુજબ હાલ તમામ ઘાયલોની સ્થિતિ સ્થિર છે.
આર્થિક સહાયની જાહેરાત અને બચાવ કામગીરી
ઘટનાસ્થળે પહોંચેલા મુંબઈના મેયર અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મેયરે મૃતકોના પરિવારજનોને રૂ. ૪-૪ લાખની આર્થિક સહાય અને ઘાયલોના મફત ઈલાજ માટે રૂ. 50,000ની મદદ આપવાની જાહેરાત કરી છે. કાટમાળ નીચે હજુ પણ છથી આઠ લોકો દબાયેલા હોવાની શંકા હોવાથી જેસીબી અને સ્નિફર ડોગ્સની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
ઘરોને ચોમાસા પહેલાં જ અપાઈ હતી નોટિસ
પાલિકા અધિકારી ગજાનન જેતાપકરના જણાવ્યા મુજબ, ચોમાસું શરૂ થાય તે પહેલાં જ પહાડી ઢોળાવ પર આવેલા આ ઘરોને જોખમી ઘોષિત કરીને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા હવે આસપાસના અન્ય લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
મૃતકોની યાદી-
1) મોહમ્મદ સમીર અંસારી (ઉંમર: 14 વર્ષ)
2) સાહિલ હુસેન અબ્દુલ કાઝી (ઉંમર: 19 વર્ષ)
3) અજ્ઞાત વ્યક્તિ (ઉંમર: આશરે 45 વર્ષ)
4) અબાન આરિફ શેખ (ઉંમર: 2 વર્ષ)
5) મનાત આરિફ શેખ (ઉંમર: 4 વર્ષ)
6) મરજીના આરિફ શેખ (ઉંમર: 27 વર્ષ)
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ ભિવંડી ખાતે આવેલી કોહિનૂર નામની ઈમારત ધરાશાયી થતાં 10 લોકોના મૃત્યુ થયા હતા. આ ઈમારતને પાલિકા દ્વારા ધોકાદાયક ઈમારત જાહેર કરવામાં આવી હતી.