Mon Aug 17 2026

Logo

મહારાષ્ટ્રમાં ભેળસેળખોરોની ખેર નથી! એકનાથ શિંદેએ 'સિંઘમ' તુકારામ મુંઢેને આપી ખુલ્લી છૂટ

2026-08-12 20:35:58
Author: Mumbai Samachar Team
Article Image

દૂધ અને ડેરી ઉત્પાદનોમાં ભેળસેળ કરનારાઓ સામે હવે સંગઠિત ગુના હેઠળ કાર્યવાહી થશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભેળસેળખોરો સામે એક પછી એક કાર્યવાહી કરી રહેલા એફડીએ કમિશનર તુકારામ મુંઢેને હવે સરકારનું વધુ મજબૂત સમર્થન મળ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંઢેની કામગીરીને આગળ વધારવા માટે સ્પષ્ટ સંકેત આપતાં ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની સૂચના આપી છે. મંગળવારે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં શિંદેની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં એફડીએની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિતકર અને ગૃહ રાજ્ય પ્રધાન યોગેશ કદમ પણ હાજર રહ્યા હતા.

ખાસ કરીને દૂધ અને ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળ કરનારાઓ સામે હવે સંગઠિત ગુના હેઠળ કેસ કરવાની દિશામાં કાર્યવાહી કરવાની સૂચના શિંદેએ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોના આરોગ્ય સાથે, ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડા કરનારા ભેળસેળખોરો સામે કોઈ નરમાઈ દાખવવી નહીં. આ નિર્ણયથી એફડીએ કમિશનર તુકારામ મુંઢેના ભેળસેળ વિરોધી અભિયાનને વધુ રાજકીય અને વહીવટી બળ મળ્યું છે.

શિંદેએ અધિકારીઓને એવી પણ સૂચના આપી છે કે ભેળસેળના કેસોમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન કોઈ કાયદાકીય ખામી ન રહે. આરોપીઓને કાયદાકીય છટકબારીઓનો લાભ ન મળે તે માટે જાણીતા અને વરિષ્ઠ કાનૂની નિષ્ણાતોની મદદ લેવી અને તાત્કાલિક વિશેષ કાનૂની ટીમ બનાવવાની સૂચના આપવામાં આવી છે. એટલે હવે એફડીએની કાર્યવાહી માત્ર દરોડા અને જપ્તી સુધી મર્યાદિત ન રહે, પરંતુ આરોપીઓ સામેના કેસને કોર્ટમાં પણ મજબૂત રીતે લડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

તુકારામ મુંઢે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે આક્રમક અભિયાન ચલાવી રહ્યા છે. જાણીતા ક્લબોથી લઈને Blinkit જેવી કંપનીઓ સાથે જોડાયેલી જગ્યાઓ સામે પણ એફડીએની કાર્યવાહી થઈ ચૂકી છે. તેમની આ કડક કામગીરીને કારણે રાજ્યમાં મુંઢેના નામની ચર્ચા વધી છે. જોકે એફડીએના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની કામગીરી અંગે ફરિયાદો પણ કરી હતી, પરંતુ હવે સરકાર તરફથી મળેલા સમર્થનને કારણે મુંઢેનું અભિયાન વધુ ઝડપ પકડે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્ર કેડરના 2005 બેચના આઈએએસ અધિકારી તુકારામ મુંઢે પોતાની કડક અને નિર્ભય કાર્યશૈલી માટે જાણીતા છે. નિયમોના કડક અમલ અને ભ્રષ્ટાચાર સામેના વલણને કારણે તેમને ‘સિંઘમ આઈએએસ ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આશરે 21 વર્ષની કારકિર્દીમાં તેમની 25 વખત બદલી થઈ ચૂકી છે. તેમ છતાં તેઓ પોતાની કાર્યવાહી માટે જાણીતા રહ્યા છે. અગાઉ બોમ્બે હાઈકોર્ટની કેન્ટીનની તપાસ કરાવવાના નિર્ણયથી પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.

આ બેઠકમાં મુંઢેએ ‘ડેવલપ્ડ મહારાષ્ટ્ર-2047’ અંતર્ગત વર્ષ 2026-27 માટે એફડીએ વિભાગના લક્ષ્યાંકો અને તેને પૂર્ણ કરવા માટે ચાલી રહેલી કામગીરી અંગે સરકારને માહિતી આપી હતી. 
હવે શિંદેના નિર્દેશો બાદ દૂધ અને ડેરી ઉત્પાદનોમાં ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે. ખાસ કાનૂની ટીમ અને સંગઠિત ગુનાની જોગવાઈ હેઠળ કેસની દિશામાં આગળ વધવાથી મુંઢેના અભિયાનને વધુ બળ મળશે. એટલે એક વાત સ્પષ્ટ છે કે, મુંઢેની એક્શન અટકવાના નથી, પરંતુ હવે તે વધુ કડક બનવાના સંકેત છે.