Tue Aug 18 2026

Logo

અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોના-ચાંદીમાં આગેકૂચ

2026-08-12 20:07:20
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિકમાં ચાંદી રૂ. 1862ની તેજી અને સોનું રૂ. 616 વધ્યું 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝેવરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો આગળ વધ્યો હતો, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 614થી 616 વધી આવ્યા હતા, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 1862નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આયાત પડતરો ઘટવાથી વિશ્વ બજારની સરખામણીમાં મર્યાદિત ભાવવધારો જોવા મળ્યો હતો. 

આજે સ્થાનિકમાં મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1862 વધીને રૂ. 2,37,214ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હતી. તે જ પ્રમાણે સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તેમ છતાં વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 614 વધીને રૂ. 1,52,805 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 616 વધીને રૂ. 1,53,419ના મથાળે રહ્યા હતા. 

આજે મોડી સાંજે અમેરિકાના ગત જુલાઈ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે ક્રૂડતેલ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું અને હાજરમાં સોનાના ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 4380.12 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને સોનાના ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા વધીને આૈંસદીઠ 4469.30 ડૉલર અને ચાંદીના ભાવ આૈંસદીઠ 66 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવામાં જો બજારની અપેક્ષા કરતાં વધારો થશે તો ફેડરલ રિઝર્વ દ્વારા આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લે તેવી શક્યતા પ્રબળ બનતાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવી શકે છે અને જો ફુગાવામાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થાય તો ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખે તેવી શક્યતાએ ભાવમાં સુધારો આગળ ધપી શકે, એવું વિશ્લેષકોનું માનવું છે. 
સાક્સો બૅન્કના વિશ્લેષકે જણાવ્યું હતું કે હાલમાં સોનાએ આૈંસદીઠ 4200 ડૉલરની સપાટી વટાવી હોવાથી હવે તેજી માટે મુખ્ય અવરોધક આૈંસદીઠ 4500 ડૉલરની 200 દિવસની દૈનિક સરેરાશ સપાટી છે. જોકે, હાલને તબક્કે સોનાને એક્સચેન્જ ટ્રેડેડ ફંડોની લેવાલીનો ટેકો મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.