Mon Aug 17 2026

Logo

લોકસભામાં હંગામા વચ્ચે FCRA બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલાયું, પણ મોન્સૂન સત્રમાં પાસ ન થયું

2026-08-12 15:40:29
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્રને હવે બે દિવસ જ બાકી રહ્યા છે. આ સ્થિતિમાં તમામની નજર ગૃહની કાર્યવાહી પર છે. આ દરમિયાન આજે  હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA બિલ, 2026)ને વિગતવાર સમીક્ષા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવાનો નિર્ણય લીધો હતો. 

આ માટે સંસદ દ્વારા એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં આ બિલને JPCમાં મોકલવા માટે નિત્યાનંદ રાયે પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પછી ઉગ્ર ચર્ચાઓ થઈ હતી.અખિલેશ યાદવે કહ્યું કે સરકાર FCRA લાવી રહી છે અને વિપક્ષ તેની વિરુદ્ધ છે. બીજી તરફ, સરકાર વતી સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજૂએ સ્પષ્ટતા કરી હતી કે આ બિલ લઘુમતીઓના વિરુદ્ધમાં નથી.

આ પ્રસ્તાવ હેઠળ સમિતિમાં સામેલ થનારા 21 લોકસભા સાંસદોની પસંદગી લોકસભા સ્પીકર દ્વારા, જ્યારે રાજ્યસભાના 10 સાંસદોની પસંદગી રાજ્યસભાના સભાપતિ દ્વારા કરવામાં આવશે. JPCની સત્તાવાર બેઠક યોજવા માટે લઘુત્તમ કોરમ કુલ 31 સભ્યોમાંથી લગભગ એક-તૃતીયાંશ  નક્કી કરવામાં આવ્યું છે.

શિયાળુ સત્રના પહેલા સપ્તાહમાં રજૂ થઈ શકે
સમિતિએ ઊંડી તપાસ અને સમીક્ષા પછી સંસદના આગામી શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસ સુધીમાં પોતાનો રિપોર્ટ લોકસભા સમક્ષ રજૂ કરવાનો રહેશે. સમિતિની કામગીરી પર સંસદીય સમિતિઓ સંબંધિત લોકસભાના નિયમો લાગુ પડશે, જેમાં જરૂરિયાત મુજબ સ્પીકર દ્વારા સુધારા કરી શકાશે. પ્રસ્તાવ દ્વારા લોકસભાએ રાજ્યસભાને આ JPCમાં સામેલ થવા અને પોતાના 10 સભ્યોના નામોની ઔપચારિક જાણકારી આપવા વિનંતી કરી છે.

શા માટે પડી JPCની જરૂર?
25 માર્ચ 2026ના રોજ લોકસભામાં રજૂ કરાયેલું FCRA સુધારા વિધેયક 2026 વિદેશી ભંડોળ મેળવતી બિનસરકારી સંસ્થાઓ (NGO), ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ ટ્રસ્ટોના નિયમન સાથે જોડાયેલું છે. આ વિધેયકમાં મુખ્ય જોગવાઈ એ છે કે જો કોઈ સંસ્થાનું FCRA રજિસ્ટ્રેશન રદ થાય, સમાપ્ત થાય કે સરેન્ડર કરવામાં આવે, તો વિદેશી ભંડોળથી તૈયાર કરાયેલી તેની સંપત્તિઓને એક ઓથોરિટી હેઠળ લાવી દેવામાં આવશે. આ ઉપરાંત, નિયમોના ઉલ્લંઘન પર મહત્તમ સજાનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરવાનો પણ પ્રસ્તાવ છે.