કોલંબોઃ શ્રીલંકાએ ભારત સામે શનિવાર, 15મી ઑગસ્ટે ઘરઆંગણે શરૂ થનારી બે મૅચની ટેસ્ટ સિરીઝ માટે જાહેર કરેલી ટીમમાં બે ખેલાડી એવા છે જેમને ત્રણ વર્ષે ટેસ્ટ ટીમમાં કમબૅક કરવા મળી રહ્યું છે અને બે ખેલાડી એવા છે જેમને પહેલી જ વખત રમવાનો મોકો મળવાનો છે. પ્રથમ ટેસ્ટ 15-19 ઑગસ્ટ દરમ્યાન અને બીજી ટેસ્ટ 23-27 ઑગસ્ટ દરમ્યાન રમાશે.
મેન્ડિસને ઈજા થતાં 33 વર્ષીય ડિકવેલાને તક
33 વર્ષના વિકેટકીપર-બૅટ્સમૅન નિરોશાન ડિકવેલા (Dickwella) ત્રણ વર્ષે રેડ-બૉલ ફૉર્મેટમાં કમબૅક કરશે. છેલ્લે તે 2023માં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં રમ્યો હતો. ટીમનો રેગ્યુલર વિકેટકીપર કુસાલ મેન્ડિસ પગની ઈજા પામતાં ડિકવેલાને ટેસ્ટ ટીમમાં પાછા આવવાનો મોકો મળ્યો છે. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર દિલશાન મદુશન્કા (Madushanka) ફક્ત એક ટેસ્ટ રમ્યો છે અને એ ટેસ્ટ ત્રણ વર્ષ પહેલાં રમાઈ હતી. ઓપનિંગ બૅટ્સમૅન પથુમ નિસન્કા કાંડાની ઈજામાંથી હજી મુક્ત નથી થઈ શક્યો એટલે તેણે ભારત સામેની શ્રેણી ગુમાવવી પડશે.

ઓપનર નિશાન મદુશ્કા અને લાહિરુ ઉડારા દાવની શરૂઆત કરશે એવી સંભાવના છે. ઑફ-સ્પિનર કેશારા નુવાન્થા અને ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન પાસિન્દુ સૂરિયાબન્ડારાને શ્રીલંકા વતી પહેલી જ વખત રમવાનો મોકો મળવાનો છે. શ્રીલંકાની ટીમમાં ચાર રેગ્યુલર પેસ બોલર અને ત્રણ સ્પિનર છે.

બન્ને દેશની ટેસ્ટ સ્ક્વૉડ
ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), કે. એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, સરફરાઝ ખાન, રવીન્દ્ર જાડેજા, માનવ સુથાર, સારાંશ જૈન, આકિબ નબી, ગુરનૂર બ્રાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
શ્રીલંકાઃ ધનંજય ડિસિલ્વા (કૅપ્ટન), લાહિરુ ઉડારા, નિશાન મદુશ્કા, કામિન્ડુ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, પાસિન્દુ સૂરિયાબંડારા, સોનલ દિનુશા, નિરોશાન ડિકવેલા, રમેશ મેન્ડિસ, પ્રબાત જયસૂર્યા, કેશારા નુવાન્થા, મિલન રત્નાયકે, અસિથા ફર્નાન્ડો, લાહિરુ કુમારા, વિશ્વ ફર્નાન્ડો અને દિલશાન મદુશન્કા.