મુંબઈ: લગ્નની સીઝન આવતા જ ઘરોમાં સંગીત અને બોલીવુડના ગીતોની ધૂન અચૂક સાંભળવા મળે છે. હિન્દી ફિલ્મોએ લગ્નો માટે અનેક એવા ગીતો આપ્યા છે , જે આજે પણ લગ્ન સમારોહનો ભાગ બન્યા છે. એવા સદાબહાર ગીતોની યાદીનું એક ગીત હિન્દી સિનેમાના સુપરસ્ટાર રાજેશ ખન્નાની ફિલ્મ સાથે જોડાયેલું છે.
લગભગ 56 વર્ષ પહેલા રિલીઝ થયેલુ આ ગીત આજે પણ બહેનના લગ્ન પ્રસંગે તો અચૂક વગાડવામાં આવે છે. આ ગીતની ખાસિયત ફક્ત ધૂન જ નહીં, પરંતુ ભાઈ-બહેનના સબંધને વ્યક્ત કરવા વાળા શબ્દો પણ છે. લેજન્ડરી સિંગર કિશોર કુમારના અવાજે આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા હતા, જે આજે પણ કાયમ છે.
રાજેશ ખન્નાની વર્ષ 1970માં રિલીઝ થયેલી ફિલ્મ 'સચ્ચા જુઠ્ઠા'નું ફેમસ ગીત 'મેરી પ્યારી બહનીયા બનેગી દુલ્હનિયા'નું આ ગીત આજે પણ લોકોમાં ખૂબ જાણીતું છે. ખાસ તો બહેનના લગ્નપ્રસંગે વગાડવામાં આવતું આ ગીત આજે પણ સાંભળીને લોકોને ભાવુક બનાવે છે.
લગ્નમાં ભાઈ જયારે પોતાની બહેનને દુલ્હનના રૂપમાં જુએ છે, ત્યારે આ ગીતના બોલ એ પળની ભાવનાઓને વ્યક્ત કરે છે. આજના સમયમાં લગ્નના સંગીતમાં નવા ગીતોની ભરમાર છે, પરંતુ 'મેરી પ્યારી બહનીયાં બનેગી દુલ્હનિયાં' ગીતની લોકપ્રિયતા ઓછી થઈ નથી. ગામડાથી લઈને શહેરો સુધી અનેક જગ્યાએ બહેનોના લગ્ન દરમિયાન આ ગીતની ધૂન સાંભળવા મળે છે.
કિશોર કુમારનો અવાજ અને કલ્યાણજી-આનંદજીનું મધુર સંગીત
આ સુંદર ગીતને કિશોર કુમારે અવાજ આપ્યો હતો. આ મધુર ગીતનું સંગીત પ્રખ્યાત સંગીતકારની જોડી કલ્યાણજી-આનંદજીએ તૈયાર કર્યું હતું. જયારે આ ગીતના શબ્દો ઈંદ્રજિત સિંહ તુલસી એટલે કે ઈન્દિવરે લખ્યા હતા. કિશોર કુમારના અવાજે આ ગીતમાં ભાઈની ખુશી સાથે તેની ભાવુકતાને પણ સુંદરતાથી રજૂ કર્યા છે.
આ ગીતની લોકપ્રિયતાનું એક મોટું કારણ તેની સરળ ભાષા છે. મુશ્કેલ શબ્દાવલીની જગ્યાએ ભાઈના મનની ભાવનાઓને સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવી છે. આ જ કારણે લોકો આ ગીત દસકાઓ વીત્યા બાદ પણ સાંભળતા જ ભાઈ-બહેનના સબંધ અને લગ્નના સુંદર પળોને યાદ કરે છે.
ફિલ્મમાં ભાઈ-બહેનના સબંધની કહાની
'મેરી પ્યારી બહનીયા બનેંગી દુલ્હનિયા' ફક્ત લગ્નગીત જ નથી, પરંતુ 'સચ્ચા જુઠ્ઠા' ફિલ્મની વાર્તા સાથે પણ જોડાયેલું હતું. ફિલ્મનું નિર્દેશન મનમોહન દેસાઈએ કર્યું હતું. રાજેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં રાજેશ ખન્નાનું પાત્ર પોતાની બહેનના લગ્ન માટે પૈસા એકઠા કરવાના પ્રયાસોમાં સંઘર્ષ કરતું જોવા મળે છે. તે બેન્ડવાળાના રૂપમાં કામ કરતો હોય છે અને પોતાની બહેનના ઉત્તમ જીવન માટે મહેનત કરે છે. ફિલ્મમાં તેની બહેનનું પાત્ર અભિનેત્રી નાઝે નિભાવ્યું હતું.
આ ભાવનાત્મક કહાની વચ્ચે આ ગીત આવે છે અને ભાઈનો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. આ જ કારણ છે કે 56 વર્ષ બાદ પણ આ ગીત ફક્ત જૂનું ફિલ્મી ગીત નહીં, પરંતુ ભાઈ-બહેનના સંબંધનું સુંદર ગીત ગણાય છે.