Tue Aug 18 2026

Logo

અત્યાર સુધીમાં ખરીફ વાવેતર વિસ્તારમાં 1.82 ટકાનો ઘટાડો

2026-08-12 19:51:13
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત જૂન મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખરીફ મોસમમાં ખાસ કરીને વરસાદની અનિશ્ચિતતાને કારણે ડાંગર સહિતનાં મુખ્ય પાકોનાં વાવેતર વિસ્તારમાં ઘટાડો થવાથી ગત સાતમી ઑગસ્ટ સુધીમાં દેશમાં ખરીફ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 985.89 લાખ હેક્ટર સામે 1.82 ટકા અથવા તો 17.96 લાખ હેક્ટર ઘટીને 967.92 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું કૃષિ મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

કૃષિ મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત સાતમી ઑગસ્ટ સુધીમાં મુખ્ય ખરીફ પાક ગણાતા ડાંગરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 360.67 લાખ હેક્ટર સામે 15.90 લાખ હેક્ટર ઘટીને 344.78 લાખ હેક્ટર રહ્યો છે. તેમ જ કઠોળનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 105.73 લાખ હેક્ટર સામે 1.95 લાખ હેક્ટરના ઘટાડા સાથે 103.78 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો છે. 

કઠોળમાં મુખ્યત્વે તુવેરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાની તુલનામાં 2.61 લાખ હેક્ટર ઘટીને 37.53 લાખ હેક્ટર, મગનો વાવેતર વિસ્તાર 1.84 લાખ હેક્ટર ઘટીને 31.37 લાખ હેક્ટર અને અન્ય કઠોળનો વાવેતર વિસ્તાર 21,000 હેક્ટર ઘટીને 3.24 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હતો, જ્યારે અડદનો વાવેતર વિસ્તાર 2.57 લાખ હેક્ટર વધીને 20.29 લાખ હેક્ટર, કળથીનો વાવેતર વિસ્તાર 1000 હેક્ટર વધીને 18,000 હેક્ટર અને મઠનો વાવેતર વિસ્તાર 14,000 હેક્ટર વધીને 8.80 લાખ હેક્ટરના સ્તરે રહ્યો છે. 

વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં શ્રી અન્ન અથવા તો જાડા અથવા તો કડ ધાન્યનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 173.21 લાખ હેક્ટર સામે 4.71 લાખ હેક્ટર ઘટીને 168.50 લાખ હેક્ટર રહ્યો છે. જોકે, તેલીબિયાંનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 175.01 લાખ હેક્ટર સામે 5.19 લાખ હેક્ટર વધીને 180.20 લાખ હેક્ટર રહ્યો છે. જેમાં મગફળીનો વાવેતર વિસ્તાર 3.71 લાખ હેક્ટર વધીને 43.11 લાખ હેક્ટર, સોયાબીનનો વાવેતર વિસ્તાર 26,000 હેક્ટર વધીને 119.92 લાખ હેક્ટર, સૂર્યમુખીનો વાવેતર વિસ્તાર 43,000 હેક્ટર વધીને 1.01 લાખ હેક્ટર, તલનો વાવેતર વિસ્તાર 1.44 લાખ હેક્ટર વધીને 9.96 લાખ હેક્ટર અને અન્ય તેલીબિયાનો વાવેતર વિસ્તાર 4000 હેક્ટર વધીને 10,000 હેક્ટર રહ્યો હતો, જ્યારે ખુરસાણીનો વાવેતર વિસ્તાર 2000 હેક્ટર ઘટીને 12,000 હેક્ટર અને એરંડાનો વાવેતર વિસ્તાર 68,000 હેક્ટર ઘટીને 2.27 લાખ હેક્ટર રહ્યો હતો. 

સમીક્ષા હેઠળના સમયગાળામાં રોકડિયા પાકમાં શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 58.62 લાખ હેક્ટર સામે 31,000 હેક્ટર ઘટીને 58.31 લાખ હેક્ટર, જ્યૂટ અને મેસ્ટાનો વાવેતર વિસ્તાર 12,000 હેક્ટર વધીને 6.34 લાખ હેક્ટર અને કપાસનો વાવેતર વિસ્તાર 41,000 હેક્ટરના ઘટાડા સાથે 106.01 લાખ હેક્ટર રહ્યો હોવાનું માહિતીમાં ઉમેર્યું હતું.