Fri Sep 04 2026

Logo

વડોદરામાં ખાનગી શાળાનો મોહ છોડી 1300થી વધુ વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં દાખલ થયાં

2026-06-25 20:09:31
Author: Mayur Patel
વડોદરામાં ખાનગી શાળાનો મોહ છોડી 1300થી વધુ વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં દાખલ થયાં

વડોદરાઃ રાજ્યમાં હાલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 ચાલી રહ્યો છે. વડોદરામાં 1300થી વધુ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં દાખલ થયાં હતા. આ વર્ષે પ્રવેશોત્સવ અંતર્ગત કુલ 1354 જેટલા નવા વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જે શિક્ષણ ક્ષેત્રે એક મોટી ઉપલબ્ધિ દર્શાવે છે. ખાનગી શાળાઓની મોંઘી ફી છોડીને વાલીઓ અને વિદ્યાર્થીઓનો સરકારી શાળાઓ તરફનો ઝુકાવ અને પ્રવેશ આ વર્ષે નોંધપાત્ર રીતે વધ્યો છે.

આ ખાસ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ભૂલકાંઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરે. તેમણે તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી. 

ઉપરાંત હર્ષ સંઘવીએ વાલીઓની ભૂમિકા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, બાળક માનસિક અને શારીરિક રીતે મજબૂત બની શકે તે માટે નિયમિત શાળાએ મોકલવાની સાથે તેમને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા એ વાલીઓની પ્રાથમિક ફરજ છે.  

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 126 શાળાઓ ખૂબ જ સફળતાપૂર્વક કાર્યરત છે અને હજારો બાળકોને શિક્ષણ પૂરું પાડી રહી છે. શિક્ષણ વ્યવસ્થાને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવાના હેતુથી સરકારે એક મહત્વકાંક્ષી યોજના પણ જાહેર કરી છે, જે અંતર્ગત વર્ષ 2030 સુધીમાં આ તમામ શાળાઓમાં અત્યાધુનિક 'મોડેલ સ્ટુડિયો' તૈયાર કરવામાં આવશે, જેનાથી બાળકો સ્માર્ટ લર્નિંગનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, શિક્ષણના સ્તરને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે વડોદરામાં ટૂંક સમયમાં જ 'બે નવી કન્સેપ્ટ શાળાઓ' પણ શરૂ કરવામાં આવશે.