Thu Jun 25 2026

Logo

કાંદાનો બફર સ્ટોકઃ ત્રણ વખત ભાવમાં વધારો છતાં માત્ર 2000 ટનની પ્રાપ્તિ

2026-06-25 20:25:01
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વર્ષ 2026 માટે કાંદાના બફર સ્ટોક માટેની સરકારી પ્રાપ્તિ અત્યંત ધીમી ગતિએ થઈ રહી છે. અત્યાર સુધીમાં સરકારે ત્રણ વખત પ્રાપ્તિના ભાવમાં વધારો કર્યો હોવા છતાં માત્ર 2000 ટનની જ પ્રાપ્તિ થઈ છે. 
પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ હેઠળ આ વર્ષ માટે બે લાખ ટન કાંદાની પ્રાપ્તિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ કાંદાની પ્રાપ્તિ સાથે સંકળાયેલ નાફેડ અને એનસીસીએફ (નેશનલ કૅૉઓપરેટિવ ક્નઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા)એ લક્ષ્યાંકના માત્ર એક ટકા જેટલી જ પ્રાપ્તિ કરી છે. જોકે, અત્યાર સુધીમાં સતત ત્રણ વખત પ્રાપ્તિ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

મોસમના આરંભમાં ભાવ કિલોદીઠ રૂ. 12.70 હતા. ત્યાર બાદ 22મી મેના રોજ ભાવ વધારીને રૂ. 15.80 કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ 13મી જૂને ભાવ વધારીને રૂ. 16.50 અને ગત 20મી જૂનના રોજ ભાવ કિલોદીઠ રૂ. 17.30 કરવામાં આવ્યા હતા. તેમ છતાં ગત પહેલી જૂન સુધીમાં અંદાજે 2000 ટન કાંદાની પ્રાપ્તિ થઈ હોવાનું ગ્રાહક બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. જોકે, પ્રાપ્તિમાં સમસ્યા ગુણવત્તા ફરકના સંદર્ભની છે, એવું બજાર વર્તુળોએ પીટીઆઈને જણાવ્યું હતું. 

હાલ મથકો પર ગે્રડ એ ક્વૉલિટીના કાંદાના પ્રીમિયમ ભાવ કિલોદીઠ રૂ. 17.30 આસપાસ છે અને તેની મુખ્યત્વે નિકાસ થઈ રહી હોવાથી સરકારી એજન્સીઓની ખરીદી મૂળભૂત રીતે યુઆરએસ (એન્ડ રિલેક્સ્ડ સ્પેસિફિકેશન) કાંદા સુધી મર્યાદિત હોવાનું દેશની કાંદાની સૌથી મોટી જથ્થાબંધ બજાર લાસલગાંઉની મંડીના ટ્રેડર રમેશ પાટીલે જણાવ્યું હતું. 

વધુમાં લાસલગાંઉના અન્ય એક ટ્રેડર નીતિન સેઠે જણાવ્યું હતું કે પ્રાપ્તિમાં ખેડૂતોના વલણની ભૂમિકા મહત્ત્વની હોય છે. મંડીમાં આવકો તો સારી છે, પરંતુ અમુક ખેડૂતોએ સારા ભાવના આશાવાદે માલ પર પકડ જમાવી છે, તેઓના મતાનુસાર ત્રણ વખત કરવામાં આવેલો ભાવવધારો પર્યાપ્ત નથી અથવા તો તેઓની અપેક્ષા કરતાં ભાવવધારો ઓછો છે. જોકે, સરકાર આગામી ટૂંકા સમયગાળામાં ભાવ વધારે તેવી શક્યતા નથી જણાતી. 

ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે પુનઃ ભાવ વધારવામાં ટ્રેડરો દ્વારા કાર્ટેલિંગ થાય તેનું જોખમ વધુ છે, જ્યારે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ ગત સાલની જેમ પ્રાપ્તિના પહેલા મહિનામાં શરૂઆત ધીમી ગતિએ થઈ છે અને આગળના મહિનાઓમાં વેગ જોવા મળશે. 

નોંધનીય બાબત એ છે કે કાંદાનો બફર સ્ટોક રવી મોસમની લણણીમાંથી કરવામાં આવે છે અને તેનો સંગ્રહ કરવામાં આવે છે. તેમ જ આવકો સૂકાઈ જાય અને મંડીમાં ભાવ વધી આવે ત્યારે ગ્રાહકો અને ખેડૂતોના હિત જાળવવા માટે સંગ્રહ કરવામાં આવેલો જથ્થો છૂટો કરવામાં આવે છે.