Thu Nov 19 2026

Logo

'તિરુપતિથી શરૂ થઈ મારી નવી સફર...' 20 વર્ષ મોટા પ્રોડ્યુસર રવિંદર ચંદ્રશેખરન સાથે લગ્ન કરનાર મહાલક્ષ્મીની પોસ્ટ વાયરલ, ફરી ચર્ચામાં આવી અનોખી લવ સ્ટોરી!

2026-11-03 09:09:00
Author: Mumbai Samachar Team
'તિરુપતિથી શરૂ થઈ મારી નવી સફર...' 20 વર્ષ મોટા પ્રોડ્યુસર રવિંદર ચંદ્રશેખરન સાથે લગ્ન કરનાર મહાલક્ષ્મીની પોસ્ટ વાયરલ, ફરી ચર્ચામાં આવી અનોખી લવ સ્ટોરી!


મુંબઈ: પ્રેમની કોઈ ઉંમર હોય છે ખરી? શું બે વ્યક્તિ વચ્ચેના સંબંધને તેમના દેખાવ, ઉંમર કે પૈસાથી માપી શકાય? સામાન્ય રીતે લગ્નની વાત આવે ત્યારે સમાજમાં અનેક પ્રકારની ચર્ચાઓ થતી હોય છે, પરંતુ ક્યારેક કોઈ સેલિબ્રિટી પોતાના નિર્ણયથી આ ચર્ચાઓને વધુ વેગ આપી દે છે. આવું જ કંઈક સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ મહાલક્ષ્મી સાથે થયું હતું. તેણે પોતાના કરતાં આશરે 20 વર્ષ મોટા ફિલ્મ પ્રોડ્યુસર રવિંદર ચંદ્રશેખરન સાથે લગ્ન કર્યાં ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. કોઈએ તેના પતિના વજનને લઈને મજાક ઉડાવી, તો કોઈએ બંનેના દેખાવની સરખામણી કરી અને મહાલક્ષ્મીએ પૈસા માટે લગ્ન કર્યાં હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. 

જોકે, આ બધી ટીકાઓ વચ્ચે એક્ટ્રેસે પોતાના સંબંધને મહત્ત્વ આપ્યું, હવે તેણે તિરુપતિ સાથે જોડાયેલી યાદો અને પોતાની જિંદગીની નવી શરૂઆત વિશે વાત કરી છે. મહાલક્ષ્મીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરુપતિ સાથે જોડાયેલી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે તેની જિંદગી, જીવનની સફર અને નવી શરૂઆતની કહાની તિરુપતિથી જ શરૂ થઈ હતી. આ સ્થળ તેની માટે માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ જીવનની કેટલીક ખાસ યાદો સાથે પણ જોડાયેલું છે. મહાલક્ષ્મીની આ પોસ્ટ બાદ ફરી એકવાર તેના લગ્ન અને રવિંદર સાથેના સંબંધોની ચર્ચા શરૂ થઈ છે. મહાલક્ષ્મી અને રવિંદર ચંદ્રશેખરનની મુલાકાત કોઈ પાર્ટી કે ઇવેન્ટમાં નહીં, પરંતુ ફિલ્મના સેટ પર થઈ હતી. બંનેની મુલાકાત ફિલ્મ 'Vidiyum Varai Kaathiru'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. સપ્ટેમ્બર 2022માં મહાલક્ષ્મી અને રવિંદરે લગ્ન કરી લીધાં હતાં. 

મહાલક્ષ્મીનાં પણ આ બીજા લગ્ન

મહાલક્ષ્મી અને રવિંદરનાં લગ્ન સાથે જોડાયેલી બીજી એક ખાસ વાત એ છે કે બંનેનાં આ બીજા લગ્ન છે. મહાલક્ષ્મીનાં પહેલાં લગ્ન અનિલ કુમાર સાથે થયાં હતાં. જોકે, બંને વચ્ચેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો અને બાદમાં તેઓ અલગ થઈ ગયાં હતાં. પહેલાં લગ્નના અનુભવ બાદ મહાલક્ષ્મીએ ફરી જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેની મુલાકાત રવિંદર સાથે થઈ અને બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યાં.

મહાલક્ષ્મી અને રવિંદરની પ્રેમકહાની સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી આવી છે. બંનેની મુલાકાત ફિલ્મના સેટ પર થઈ, પ્રેમ થયો અને ત્યારબાદ લગ્ન કરીને તેમણે નવી જિંદગી શરૂ કરી. જોકે, આ સંબંધને લઈને લોકોની પ્રતિક્રિયાઓ અલગ-અલગ રહી છે. એક તરફ કેટલાક લોકોએ તેમની જોડીને શુભેચ્છા આપી હતી, તો બીજી તરફ અનેક લોકોએ ઉંમર અને દેખાવને લઈને ટ્રોલ કર્યા હતા. તેમ છતાં બંનેએ પોતાના સંબંધને આગળ વધાર્યો છે. કોઈપણ સંબંધને માત્ર બહારના દેખાવ કે ઉંમરના તફાવતથી નક્કી કરી શકાય નહીં. મહાલક્ષ્મી અને રવિંદરની કહાની પણ આ જ કારણે લાંબા સમયથી ચર્ચામાં છે.