Tue Nov 10 2026

Logo

કચ્છમાં ગુલાબી ઠંડીના વિધિવત મંડાણ: નલિયામાં પારો ગગડીને ૧૬.૮ ડિગ્રીએ પહોંચતાં ઠંડક પ્રસરી

2026-11-03 10:30:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં ગુલાબી ઠંડીના વિધિવત મંડાણ: નલિયામાં પારો ગગડીને ૧૬.૮ ડિગ્રીએ પહોંચતાં ઠંડક પ્રસરી

Ai Image



ભુજઃ સરહદી કચ્છ જિલ્લામાં હવે ધીમા પગલે શિયાળો દસ્તક દઈ રહ્યો હોય તેમ રાત્રિ અને વહેલી સવારના લઘુતમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, બપોરના સમયે મહત્તમ પારો ઊંચો રહેતાં વાતાવરણમાં બેવડી ઋતુની વિષમતા યથાવત્ જોવા મળી રહી છે. ‘કચ્છના કાશ્મીર’ તરીકે ઓળખાતા અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે લઘુતમ તાપમાન ગગડીને ૧૬.૮ ડિગ્રીએ પહોંચી જતાં વહેલી સવારે ગુલાબી ઠંડીની ચમક સાથે નગરજનોએ ખુશનુમા વાતાવરણનો અનુભવ કર્યો હતો.

ચાલુ મોસમમાં નલિયા ખાતે લઘુતમ પારો પ્રથમવાર આટલા નીચલા સ્તરે પહોંચ્યો છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, દિવાળીના તહેવારોની આસપાસ જ ઠંડીની તીવ્રતામાં ઉત્તરોત્તર વધારો થઈ શકે છે. બીજી તરફ, નલિયામાં દિવસનું મહત્તમ તાપમાન ૩૬.૬ ડિગ્રી નોંધાયું હતું, જે સમગ્ર જિલ્લામાં સૌથી ઊંચું રહ્યું હતું. આમ, નલિયામાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે આશરે ૨૦ ડિગ્રી જેટલો મોટો તફાવત સર્જાયો હતો.

અંજાર અને ગાંધીધામ સંકુલને આવરી લેતા કંડલા એરપોર્ટ મથકે મહત્તમ ૩૫.૪ ડિગ્રી સામે લઘુતમ ૧૯.૪ ડિગ્રી પારો રહ્યો હતો. જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે મહત્તમ ૩૬.૫ ડિગ્રી સામે લઘુતમ તાપમાન ૨૧.૬ ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન તાપ અને રાત્રિના સમયે ઠંડક વચ્ચે ૧૨ થી ૨૦ ડિગ્રી જેટલો નોંધપાત્ર તફાવત પ્રવર્તી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમગ્ર સપ્તાહ દરમિયાન કચ્છમાં આ પ્રકારનું મિશ્ર અને વિષમ વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા છે. જ્યારે ચાલુ માસના અંતિમ સપ્તાહ સુધીમાં શિયાળાની મોસમ વિધિવત રીતે જામી જશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)