Thu Sep 03 2026

Logo

ભારત સરકારનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ  વિઝા શરૂ કરાશે

2026-06-25 18:07:09
Author: Chandrakant Kanoja
ભારત સરકારનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ  વિઝા શરૂ કરાશે

નવી દિલ્લી/ઢાકા : ભારતે બે વર્ષ બાદ બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ  વિઝા સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ભારતીય હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવાઓ 28 જૂનથી ફરી શરૂ થશે. જેમાં 28 જૂનથી  ઢાકા સહિત પાંચ વિઝા કેન્દ્રો પર નિયમિત અરજીઓ સ્વીકારવામાં આવશે.

તબીબી વિઝા માટેની સુવિધા પહેલાની જેમ ચાલુ રહેશે

ભારતીય હાઈ કમિશનરે સુરક્ષા કારણોસર વિઝા સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC) ખાતે બોલતા દિનેશ ત્રિવેદીએ આનંદ વ્યક્ત કર્યો હતો કે  ટુરિસ્ટ વિઝા માટેની સામાન્ય અરજી પ્રક્રિયા ફરી શરૂ થઈ રહી છે. આ પ્રક્રિયા હેઠળ અરજીઓ રવિવાર, 28 જૂન, 2026 થી સ્વીકારવામાં આવશે. તેમણે ઉમેર્યું કે માનવતાવાદી ધોરણે તબીબી વિઝા માટેની સુવિધા પહેલાની જેમ ચાલુ રહેશે.

પાંચ વિઝા કેન્દ્રો પરથી ટુરિસ્ટ વિઝા ઇસ્યુ કરવામાં આવશે

ભારતીય હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ  જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કામાં, ઢાકા, રાજશાહી, ચટ્ટોગ્રામ, સિલહટ અને ખુલના સ્થિત પાંચ વિઝા કેન્દ્રો પરથી ટુરિસ્ટ વિઝા ઇસ્યુ કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં  આ વ્યવસ્થાનો વધુ વિસ્તાર કરવામાં આવશે. તેમણે  આશા વ્યક્ત કરી હતી કે આ પગલાથી બંને  રાષ્ટ્રોના લોકો વચ્ચે પરસ્પર સંબંધો મજબૂત બનશે.