Sun Sep 06 2026

Logo

ગુજરાતની 38 લાખ વીઘા જમીનમાં નખાશે 100 હાઇટેન્શન લાઇન! કોણે કર્યો આ મોટો દાવો?

2026-06-25 21:37:54
Author: Devayat Khatana
ગુજરાતની 38 લાખ વીઘા જમીનમાં નખાશે 100 હાઇટેન્શન લાઇન! કોણે કર્યો આ મોટો દાવો?

અમદાવાદ: તાજેતરમાં મોરબી જિલ્લામાં ખેતરમાં વીજ લાઇન નાખવાના વિરોધમાં જેતપર ગામમાં ખેડૂતોનું આમરણ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મોરબી જિલ્લામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા શાસક પક્ષ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઇસુદાન ગઢવીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કરોડો રૂપિયા કમાવા આવેલી ખાનગી કંપનીઓની દલાલ બનીને ભાજપ સરકાર કંપનીઓને ભાડે પોલીસ પ્રોટેક્શન પૂરું પાડી રહી છે અને પોતાના હક માટે લડતા ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં કોઈ કસર બાકી નથી રાખી રહી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીના જેતપર ગામે પોતાની કિંમતી જમીન બચાવવાની મજબૂર માંગ સાથે ખેડૂતો છેલ્લા આઠ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આમ છતાં ગાંધીનગરમાં એસી ચેમ્બરોમાં બેઠેલા મુખ્ય પ્રધાન અને પ્રધાનનો જલસા કરી રહ્યા છે અને સરકાર પર આની કોઈ અસર દેખાતી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારના એક મંત્રી પોતે આ જ ગામના વતની હોવા છતાં ખેડૂતોના પ્રશ્નોની કોઈ નોંધ લેવાતી નથી. 'આપ' નેતાએ સરકારને તાકીદ કરી છે કે તાત્કાલિક ધોરણે ઉપવાસી ખેડૂતોની મુલાકાત લઈ તેમના પ્રશ્નો સાંભળવામાં આવે અને યોગ્ય ઉકેલ લાવવામાં આવે.

ઇસુદાન ગઢવીએ હાઇટેન્શન લાઇનના પ્રોજેક્ટ અંગે મોટો દાવો કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અને ખાનગી કંપનીઓ વચ્ચે બંધ બારણે યોજાયેલી બેઠકો બાદ ખેડૂતોની મરજી વિરુદ્ધ આ લાઇન નાખવામાં આવી રહી છે. આ સમસ્યા માત્ર મોરબી, જેતપર, કચ્છ, દ્વારકા કે જામનગર પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના 26 જિલ્લાઓમાંથી આવી કુલ 100 હાઇટેન્શન લાઇનો પસાર થવાની છે. એક લાઇનમાં અંદાજે 1500 જેટલા થાંભલા ઊભા કરાશે, જેના કારણે ગુજરાતની કુલ 38 લાખ વીઘા જમીનને સીધી અસર થશે અને લાખો ખેડૂતો પાયમાલ થઈ જશે. સરકારે આ આંકડાઓ અંગે તાત્કાલિક ખુલાસો કરવો જોઈએ તેમ કહી તેમણે ખેડૂતોને આ લડતમાં એક થવા હાકલ કરી હતી.