મુંબઈઃ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ સુધારો આગળ ધપ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં વધુ 17 પૈસાની આગેકૂચ જોવા મળી હતી અને રૂપિયો 94.45ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1843.40 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.55ના બંધ સામે સુધારાના અન્ડરટોને 94.30ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 94.13 અને નીચામાં 94.56 સુધી ઘટ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 10 પૈસા વધીને 94.45ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 21 પૈસા મજબૂત થયો હતો.
વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ ઘટી આવતા અન્ય કૉમૉડિટીના ભાવમાં ઘટાડાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં પણ વધ્યા મથાળેથી ઘટાડો આવવાની સાથે ઈક્વિટી માર્કેટમાં સુધારાનો રૂપિયાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ક્રૂડતેલના ભાવ ઘટી આવતા વધતા ફુગાવાની ચિંતા હળવી થતાં રૂપિયામાં ધીમો સુધારો જળવાઈ રહેશે અને 94.20થી 94.80 આસપાસની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 101.57 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.33 ટકા ઘટીને બેરલદીઠ 72.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 109.25 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 34.35 પૉઈન્ટ વધી આવ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.