Thu Jun 25 2026

Logo

ભાવનગરમાં ડીજે સ્પીકર મૂકવા જેવી બાબતે બે જૂથો વચ્ચે મારામારીની ઘટનામાં સાત સામે ગુનો

2026-06-25 21:00:28
Author: Devayat Khatana
Article Image

ભાવનગર: શહેરમાં જાણે કાયદાનો ડર ઓસરી ગયો હોય તેમ શહેરના  આંબાચોક વિસ્તારમાં જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરી હુલ્લડ મચાવતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ પોતે ફરિયાદી બની સાતેય શખ્સો વિરૂદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો.

મળતી વિગતો અનુસાર, બપોરના સમયે આંબાચોકની ઓઝરીયા મસ્જિદ બહાર જાહેર રોડ પર ડી.જે. સ્પીકર વગાડવા માટે સ્પીકરની પેટીઓ સ્ટેન્ડ ઉપર ફિટ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોનિલ વિરાણી નામના શખ્સે રોડ ઉપર આવેલી દુકાન સામે સ્પીકરોની પેટીઓ ગોઠવી હતી. દુકાનદાર રફીક ફતાણીએ રોડ સાંકડો હોવાથી વાહનોને અડચણરૂપ ન થાય તે માટે સ્પીકરની પેટીઓ અંદર અથવા અન્ય જગ્યાએ રાખવા જણાવ્યું હતું. જો કે, મોનિલે સ્પીકરની પેટીઓ હટાવવાની સાફ ના પાડી દેતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો હતો.

આ ઘટના બાદ રાત્રિના સમયે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને જાહેર માર્ગ પર જ લોહીયાળ જંગ ખેલાયો હતો. આ મારામારી દરમિયાન રફીક બંગલા સોડાવાળા નામના શખ્સે પોતાના દીકરાઓને ઝઘડો કરવા માટે ઉશ્કેર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા મોનિલ વિરાણી અને રફીક ફતાણીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગંગાજળિયા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસ મથકના પીએસઆ પોતે ફરિયાદી બન્યા છે અને સાત શખ્સો વિરૂદ્ધ  ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.