અયોધ્યા: રામ મંદિરમાં દાન ચોરી કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એસઆઇટીના રિપોર્ટના પગલે રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ વતી કૃષ્ણ મોહને આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, અવિનાશ શુક્લા, ટીનુ યાદવ અને મનીષ યાદવના નામ આપવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ બિન જામીન પાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એસઆઇટી સરકારને અહેવાલ સુપત્ર કર્યો હતો
એસઆઇટી દ્વારા દાનની રકમ ગણતરી અને જમા કરાવવાની પ્રક્રિયામાં ગડબડની તપાસ બાદ આ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં એસઆઇટીએ દાન ગણતરી અને જમા કરાવવાની પ્રક્રિયાના અનેક ખામીઓ શોધી હતી. તેમજ તે અંગે સરકારને અહેવાલ પણ સુપત્ર કર્યો હતો.
ફરિયાદ નોંધાતા પોલીસ કાર્યવાહી શરૂ કરશે
જેની બાદ હવે ફરિયાદ નોંધાતા પોલીસ કાર્યવાહી શરૂ કરશે. જેમાં હવે આરોપીઓની ભૂમિકા, નાણાકીય વ્યવહારો, દાનનું સંચાલન અને અન્ય સંબંધિત પાસાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. તેમજ તપાસ એજન્સીઓ દસ્તાવેજો, રેકોર્ડ અને અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે. જેમાં રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ પાસે શ્રદ્ધાળુઓની દર્શન-વ્યવસ્થાના સંચાલનની સાથે-સાથે ભેટ અને દાનની દેખરેખ રાખવાની જવાબદારી હતી.
એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી
રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી હતી. જેમાં બેંક કર્મચારી અને ટ્રસ્ટ જોડે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં હતા. તેમજ 2000 કલાકના સીસીટીવીની તપાસ કરવામાં આવી અને ફૂટેજ કબજે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 155 પાનાનો તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં આ મામલાને લગતા વિવિધ તથ્યો અને પુરાવાઓની વિગતો આપવામાં આવી હતી.