સરકારને પુનઃ ક્વૉલિટી ક્નટ્રોલ ઓર્ડર લાદવા અનુરોધ
નવી દિલ્હીઃ સરકારે સ્થાનિક ઉત્પાદનમાં કાચા માલની પ્રાપ્તિ માટેના સ્રોત સરળ બનાવવા માટે સ્ટીલની આયાત સામેના ક્વૉલિટી ક્નટ્રોલ ઓર્ડર પાછા ખેંચ્યા બાદ ચીનથી વધી રહેલી આયાત સામે ચિંતા વ્યક્ત કરતાં સ્ટેઈનલેસ સ્ટીલ ક્ષેત્રના અંદાજે 100 જેટલા એમએસએમઈ (માઈક્રો સ્મોલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસ)એ પુનઃ ક્વૉલિટી ક્નટ્રોલ ઓર્ડર (ક્યુસીઓ)નો અમલ શરૂ કરવા સરકારને અનુરોધ કર્યો છે.
નોંધનીય બાબત એ છે કે સ્ટીલ મંત્રાલયે ગત 27મી એપ્રિલના રોજ ક્વૉલિટી ક્નટ્રોલ ઓર્ડર રદ કરીને વિવિધ સ્ટેઈનલેસ સ્ટીલના ઉત્પાદનોમાં બિસ (બીઆઈએસ-બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) પ્રમાણિત ચીજોનો ઉપયોગ કરવાનું ફરજિયાત કર્યું હતું. વાસ્તવમાં આ પગલાંનો મુખ્ય આશય સ્થાનિક ઉત્પાદકો અને તેમાં પણ ખાસ કરીને એમએસએમઈ પરના પાલનકારી બોજ હળવો કરવાનો હતો. જોકે, સ્ટીલ ક્ષેત્રના એમએસએમઈઓએ ક્વૉલિટી ક્નટ્રોલ ઑર્ડર રદ કર્યા બાદ સ્ટેઈનલેસ સ્ટીલની આચાતમાં થયેલા તીવ્ર વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ક્યુસીઓ રદ થવાથી ચીનથી સસ્તી આયાતના દરવાજા ખૂલી જતા આયાતમાં વધારો થયો છે અને સ્થાનિક એમએસઈ એકમો દબાણ હેઠળ આવ્યા છે, હજારોના રોજગારોના રોજગાર અને ભારતીય એન્ટરપ્રિન્યોરના રોકાણ સામે જોખમ ઊભું થયું હોવાનું ઔદ્યોગિક સંગઠન સ્ટેઈનલેસ સ્ટીલ ઈન્ડક્શન ફ્યુરન્સ એસોસિયેશન અને સ્ટેઈનલેસ સ્ટીલ રિ-રોલર્સ એસોસિયેશને સ્ટીલ મંત્રાલયને એક પત્ર લખી જણાવ્યું છે.
વધુમાં સંગઠનોએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે ગત એપ્રિલ, 2026માં સ્ટેઈનલેસ સ્ટીલની આયાત એપ્રિલ, 2025ના 61,143 ટન સામે 65 ટકા વધીને 1,01,252 ટનની સપાટીએ રહી હતી, જ્યારે માસાનુમાસ ધોરણે આયાતમાં આગલા માર્ચ મહિનાના 59,917 ટન સામે 69 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઉદ્યોગના સભ્યોએ એવી પણ ચેતવણી આપી છે કે જો સરકાર હસ્તક્ષેપ કરીને કોઈ પગલાં નહીં લે તો આયાતમાં હજુ વધારો થશે. જોકે, એસોસિયેશને સ્ટીલ મંત્રાલયને આપેલા પત્રમાં ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલા રોકાણ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા રોજગાર અંગે પણ માહિતી પૂરી પાડી છે.
એસોસિયેશને જણાવ્યું હતું કે ચીનથી થતી સ્ટેઈનલેસ સ્ટીલના ઉત્પાદનોની ભારતીય બજારમાં આયાત ખૂબજ નીચા ભાવથી થઈ રહી છે આથી સ્થાનિક ઉત્પાદકો જે ગુણવત્તાના અને પર્યાવરણનાં ધોરણો જાળવીને તથા કર્મચારીઓ પ્રત્યેની જવાબદારી જાળવીને ઉત્પાદન કરતાં ઉત્પાદકોની સ્પર્ધાત્મકતા પર માઠી અસર પડી રહી છે. વધુમાં સરકારના સ્થાનિકમાં ઉત્પાદનને મજબૂત બનાવવા માટેના મેક ઈન ઈન્ડિયાના આહ્વાનને અનુલક્ષીને ઘણાં એમએસએમઈ એકમોએ ક્ષમતાના વિસ્તરણ માટે ટેક્નોલૉજી અપગે્રડેશન, ગુણવત્તામાં સુધારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર માત્રામાં રોકાણ પણ કર્યું હોવાનું ઉમેર્યું હતું.